Surendranagar

સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઈવે પર કારની ટક્કરે માતા-પુત્રીનાં મોત, ચાલક ફરાર

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી વૈભવી કારે રોડ ક્રોસ કરી રહેલી માતા-પુત્રી નયના દીક્ષિત (70) અને અર્ચના જોશી (46) ને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. પુત્રના પદવીદાન સમારોહમાં જતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. કારચાલક ફરાર થઈ ગયો હતો અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઈવે પર કારની ટક્કરે માતા-પુત્રીનાં મોત, ચાલક ફરાર
FILE PHOTO

Chotila Rajkot highway car accident : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર ચોટીલાથી આગળ આપા ગીગાના ઓટલા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી વૈભવી કારે રોડ ક્રોસ કરી રહેલી માતા-પુત્રીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં સાથે રહેલા એક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પુત્રના પદવીદાન સમારોહમાં જતી વખતે કાળ આંબી ગયો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર ગામના વતની 70 વર્ષીય નયના દીક્ષિત અને તેમના 46 વર્ષીય પુત્રી અર્ચના જોશી, કુવાડવા સ્થિત આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા અર્ચનાના પુત્ર હર્ષિલના પદવીદાન સમારોહમાં BHMSની ડિગ્રી લેવા માટે જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ ચોટીલા નજીક આપા ગીગાના ઓટલે પ્રસાદ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ તરફથી આવતી વૈભવી કારે તેમને અડફેટે લીધાં હતાં. આ દુર્ઘટનામાં નયનાબેન અને અર્ચનાબેન બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બેમાંથી એક મહિલાનો ડાબો પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયો હતો. જ્યારે તેમની સાથે રહેલા નયનાબેનના પુત્ર વસંતભાઈને ઈજાઓ પહોંચી હતી.

કારચાલક ફરાર, હાઈવે પર ટ્રાફિક જામ

અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાતા ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવાર પર આભ તૂટી પડતાં અને બે મહિલાનાં અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.