For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લખતરની મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીને કોરોના : કેસરીયામાં એક મોત

- સુરેન્દ્રનગર જિલ્લામાં કાળમૂખા કોરોનાનો અજગરી ભરડો યથાવત

Updated: Sep 16th, 2020

Article Content Image

- ૧૯મી સુધી કચેરી બંધ રાખવાનો નિર્ણય લેવાતા લોકોને હાલાકી

- એન્ટિજન ટેસ્ટની કામગીરી તેજ કરાતા શહેર અને તાલુકામાં કોરોનાના કેસો વધ્યા 

સુરેન્દ્રનગર, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર


સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે લખતર તાલુકામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે લખતર મામલતદાર કચેરીના ૩ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી જવા પામી હતી.

જ્યારે મામાલતદાર કચેરીમાં ફરજ બજાવતાં અન્ય કર્મચારીઓનું ટેસ્ટીંગ કરવામાં આવે તો હજુ પણ વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેને ધ્યાને લઈ આગામી તા.૧૯ સપ્ટેમ્બર સુધી લખતર મામલતદાર કચેરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લખતર મામલતદાર કચેરીમાં લખતર સહિત આસપાસના અનેક ગામોના અરજદારો પોતાના કામ અર્થે આવે છે ત્યારે લખતર મામલતદાર કચેરીમાં પણ કોરોનાનું સંક્રમણ વધતાં મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાતાં અનેક અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવશે. 

જ્યારે બીજી બાજુ લખતર તાલુકાના કેસરીયા ગામના ૩૫ વર્ષના યુવકની તબીયત લથડતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલ અને ત્યારબાદ ગાંધી હોસ્પીટલ કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું અવસાન થયું હતું અને તંત્ર દ્વારા જ અંતિમવિધિ કરવામાં આવી હતી આમ લખતર તાલુકામાં કોરોના વાયરસના કેસો વધતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

Gujarat