Surendranagar

VIDEO| સુરેન્દ્રનગર નજીક પાટા પરથી ઊતરી માલગાડી: 7 ટ્રેનો ડાયવર્ટ કરાઈ, 2 પેસેન્જર ટ્રેનો આંશિક રદ

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે મામાના મંદિર નજીક 21 ઑક્ટોબરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. 7 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને 2 પેસેન્જર ટ્રેનો આંશિક રદ કરાઈ છે. રેલવે વિભાગ દ્વારા ટ્રેક રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| સુરેન્દ્રનગર નજીક પાટા પરથી ઊતરી માલગાડી: 7 ટ્રેનો ડાયવર્ટ કરાઈ, 2 પેસેન્જર ટ્રેનો આંશિક રદ

Surendranagar Train Derail : સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે આવેલા મામાના મંદિર નજીક આજે(21 ઑક્ટોબર) એક મોટી રેલવે દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક માલગાડી અચાનક પાટા પરથી નીચે ખડી પડી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં માલગાડી હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ રેલવે ટ્રેકને મોટું નુકસાન પહોંચ્યું છે.

Gujarat Samachar - 2026-10-21T171341.695.png

સુરેન્દ્રનગર નજીક માલગાડી પાટા પરથી ઊતરી

માલગાડી પાટા પરથી ખડી પડવાના કારણે મુખ્ય રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનો સમગ્ર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અકસ્માતને કારણે આ રૂટ પરથી પસાર થતી અનેક પેસેન્જર તેમજ એક્સપ્રેસ ટ્રેનોની અવર-જવર પર માઠી અસર પડી છે. ખાસ કરીને વિરમગામ તરફથી આવતી લાંબા અંતરની ટ્રેનો તેમજ રાજકોટ તરફ જતી ટ્રેનો પ્રભાવિત થવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને પગલે મુસાફરોને ભારે રઝળપાટ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ રેલવે શિડ્યુલ અને લાઇન ક્લિયર કરાવવા માટે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે ટ્રેક પરથી ખડી પડેલા માલગાડીના ડબ્બાઓને હટાવીને ટ્રેક રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક વહેલી તકે કાર્યરત થાય અને ટ્રેન વ્યવહાર પુનઃ પૂર્વવત બને તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

7 ટ્રેનો ડાયવર્ટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવારે(21 ઑક્ટોબર) બપોરે 13:30 કલાકે પનકી ધામથી હાપા જઈ રહેલી ખાલી માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલ વ્યવહાર પ્રભાવિત થતાં 7 ટ્રેનોને ડાયવર્ટ કરાયેલા માર્ગે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ભાવનગર ટર્મિનસ–સુરેન્દ્રનગર વચ્ચે દોડતી 2 પેસેન્જર ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે.

Gujarat Samachar - 2026-10-21T171410.471.png

આ ટ્રેનોના રૂટ બદલાયા

  • 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ: 21 ઑક્ટોબરે થાન–વાંકાનેર–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે દોડશે.
  • 12905 પોરબંદર–શાલીમાર એક્સપ્રેસ: 21 ઑક્ટોબરે વાંકાનેર–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે દોડશે.
  • 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ: 21 ઑક્ટોબરે રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે દોડશે.
  • 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ: 21 ઑક્ટોબરે રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે દોડશે.
  • 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ: 21 ઑક્ટોબરે રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે દોડશે.
  • 22718 સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસ: વિરમગામ–માળિયા મિયાણા–મોરબી–રાજકોટ માર્ગે દોડશે.
  • 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ: વિરમગામ–માળિયા મિયાણા–મોરબી–રાજકોટ માર્ગે દોડશે.

ભાવનગર–સુરેન્દ્રનગર વચ્ચેની 2 પેસેન્જર ટ્રેનો આંશિક રદ

માલગાડીના વેગન પાટા પરથી ઉતરવાની ઘટનાને પગલે 2 પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

  • 59272 ભાવનગર ટર્મિનસ–સુરેન્દ્રનગર પેસેન્જર: આ ટ્રેન વઢવાણ સિટી સ્ટેશન સુધી જ દોડશે. વઢવાણ સિટીથી સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 59203 સુરેન્દ્રનગર–ભાવનગર ટર્મિનસ પેસેન્જર: આ ટ્રેન સુરેન્દ્રનગરને બદલે વઢવાણ સિટી સ્ટેશનથી ઉપડશે. સુરેન્દ્રનગરથી વઢવાણ સિટી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.