For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરેન્દ્રનગરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં એજન્સીના ધાંધિયા

Updated: Apr 28th, 2024

સુરેન્દ્રનગરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં એજન્સીના ધાંધિયા

- કચરા અને ગંદકીનું સામ્રાજ્ય

- પાલિકાના સેનિટેશન વિભાગે એજન્સીને નોટિસ ફટકારી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવા પાલિકા તંત્ર દ્વારા શહેરનાં તમામ વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે પરંતુ એજન્સી દ્વારા ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં ધાંધીયા કરવામાં આવતા શહેરનાં અનેક વિસ્તારમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને લઇને પાલિકા તંત્ર સામે લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના કુલ ૧૩ વોર્ડમાં રહેણાંક વિસ્તારમાં તેમજ શહેરની મુખ્ય બજારોમાં જાહેરમાં કચરાના ઢગ ન થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવે છે. કચરો એકઠો કરી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવા માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી એજન્સી દ્વારા કચરો એકઠો કરવામાં ધાંધીયા કરવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. 

ખાસ કરીને શહેરનાં છેવાડાના વિસ્તારમાં તો ચાર કે પાંચ દિવસે માંડ એક વાર કચરો લેવા માટે વાહન આવતા હોવાના આક્ષેપો ઉઠયાં છે. પાલિકા તંત્ર દ્વારા એજન્સીને લાખો રૂપિયાના બીલ ચૂકવવામાં આવે છે તેમ છતાં એજન્સી દ્વારા નિયમિત કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે સુરેન્દ્રનગર પાલિકાના સેનિટેશન ચેરમેન હરેશભાઇએ જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી અંગે ફરિયાદો આવતા એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે. તેમ છતાં જો એજન્સી દ્વારા નિયમિત કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.


Gujarat