For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પીએસઓ પર થયેલા હુમલાના વિરોધમાં લખતરમાં સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું

- પોલીસ પર હુમલાની ઘટનાના પડઘા પડયાં

- દંપતીએ ગાળો બોલી, ગળુ દબાવી હુમલો કર્યો હતો હુમલાખોરો સામે કડક પગલા લેવાની માંગણી ઉગ્ર બની

Updated: Jul 9th, 2021

Article Content Image

સુરેન્દ્રનગર : લખતર પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ છેલ્લા છ મહીનાથી અસામાજીક  તત્વોનો ત્રાસ વધી જતા આજે લખતર સ્વૈચ્છિક બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.

લખતર પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, વાયરલેસ ઓપરેટર વુમન લોકરક્ષક સેજલબેન ઉકાભાઈ વિગેરે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અનિલ મહેન્દ્રભાઈ ઉર્ફે મનાભાઈ વાઘેલા તથા તેની પત્ની પોલીસસ્ટેશનમાં આવ્યા હતા. અને કોઈ કારણોસર પી.એસ.ઓ જયદીપસિંહ સાથે બોલાચાલી કરી હતી. જેમ ફાવે તેમ ગાળો બોલી પોલીસ કર્મચારી જયદીપસિંહનું ગળુ દબાવી દઈ આજે તો તને જાનથી મારી નાંખવાનો છે તેમ કહી હુમલો કર્યો હતો. જયદિપસિંહે અનિલનો હાથ ગળેથી છોડાવતા અનીલ પોલીસ સ્ટેશનની બહાર જઈ પડયો હતો અને એક ઈંટ જયદીપસિંહના માથામાં ફટકારી દેતા જયદીપસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમ છતાં અનિલ અને તેની પત્ની મુંઢમાર મારવા લાગ્યા હતા.જયદીપસિંહને છોડાવવા વાયરલેસ ઓપરેટર સેજલબેન તથા અન્ય માણસો આવી ગયા હતા અને સારવાર માટે લખતર હોસ્પીટલ લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પીટલ લવાયા હતા. ઘાયલ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહે અનિલ વાઘેલા અને તેની પત્ની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૩૩,૩૩૨,૩૫૩,૧૮૬, ૫૦૪,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એની કલમક ૧૩૫મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે પોલીસ સ્ટેશનમા જ પોલીસ કર્મચારીને માર મારવાના આ બનાવથી ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ડી.વાય.એસ.પી, એલ.સી.બી, એસ.ઓ.જી સહીતનો કાફલો લખતર પોલીસસ્ટેશને દોડી આવ્યો હતો. રાજપુત કરણી સેનાના આગેવાનો પણ લખતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ડી.વાય.એસ.પીને રજુઆત કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

દરમ્યાનમાં લખતરમાં છેલ્લા છ માસથી અસામાજીક તત્વો નો ત્રાસ વધી ગયો હોવાની ફરીયાદો ઉઠી રહી છે. અસામાજીક તત્વો દ્વારા ધાક-ધમકી મફતમાં વસ્તુઓ લઈ લેવી, પોલીસસ્ટેશનમાં હુમલા કરવા, ખોટી ફરીયાદો કરવી વિગેરે જેવી પ્રવૃતિઓને કારણે લખતર વાસીઓ ત્રાસી ગયા છે. આવા અસામાજીક તત્વો સામે પોલીસ દ્વારા કોઈપણ જાતના પગલા નહી ભરાતા તેના વિરોધમાં આજે તા ૧૦ જુલાઈના રોજ લખતર સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

Gujarat