સુરેન્દ્રનગરથી અપહરણ થયેલો 4 વર્ષીય માસૂમ બાળક કલાકોમાં જ હેમખેમ રેસ્ક્યુ: અમદાવાદમાંથી મહિલા ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગર જિલ્લાના પટડી વિસ્તારમાંથી 4 વર્ષીય માસૂમ બાળકના અપહરણની ઘટના સામે આવી છે. પટડી બસ સ્ટેશન સામેના ફૂટપાથ પાસેથી તેના કાનૂની વાલી પાસેથી આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પટડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધીને તુરંત જ આસપાસના પોલીસ સ્ટેશનોને બાળકના વર્ણન સાથેનું એલર્ટ સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું.
સોલા હાઈકોર્ટ પોલીસની સતર્કતાથી બાળક હેમખેમ મુક્ત
વરિષ્ઠ અધિકારીઓની સૂચનાથી અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિશેષ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસકર્મીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ભગવત કોમ્પ્લેક્સ અને પ્રથમ પાર્ટી પ્લોટ વચ્ચેના રસ્તે વર્ણન મુજબની શંકાસ્પદ મહિલા જઈ રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચીને મહિલાને ઝડપી લીધી હતી અને તેની પાસેથી 4 વર્ષીય બાળકને હેમખેમ સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો.
ભીખ મંગાવવાના ઇરાદે અપહરણ કરનાર મહિલા ઝડપાઈ
પકડાયેલી મહિલાની ઓળખ મીનાબેન ઉર્ફે રમીલા જગદીશ દેવાભાઈ નાથબવા (ઉં.વ. 40) તરીકે થઈ છે, જેઓ સોલા સિવિલ હોસ્પિટલ પાસે રહે છે અને મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રિંટોડા ગામના વતની છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે બાળકાનું અપહરણ ભીખ મંગાવવાના ઇરાદે કર્યું હોવાનું કબૂલ્યું હતું.
આગળની કાનૂની કાર્યવાહી અને પટડી પોલીસને સોંપવાની તજવીજ
બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ તેને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો અને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સોલા હાઈકોર્ટ પોલીસે અપહરણના આ ગુનામાં વધુ તપાસ અર્થે પકડાયેલી મહિલા આરોપીને પટડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.




