Surat

બાપ્પાની વિદાય સાથે ભક્તોને ભંડારામાં મળ્યો સુરતી ટેસ્ટ : બટાકાપુરીથી વડાપાઉ સુધીની જયાફત

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તિ, સ્વાદ અને સેવાભાવનો અનોખો સંગમ જોવા મળ્યો. ભક્તોને શ્રીજીની વિદાય આપતી વખતે, સેવાભાવી સંસ્થાઓ અને મંડળોએ ઠેરઠેર ભંડારા યોજી ચા-છાશ, સેવ-ખમણ, બટાકાપુરી, વડાપાઉં જેવી સુરતી વાનગીઓ પીરસી. કતારગામમાં ખોડિયાર યુવક મંડળે 8મા વર્ષે બટાકાપુરીનો ભંડારો યોજ્યો, જ્યારે ઉધના દરવાજા પાસે બાંકે બિહારી સેવા સમિતિએ વડાપાઉં અને છાશનું વિતરણ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

બાપ્પાની વિદાય સાથે ભક્તોને ભંડારામાં મળ્યો સુરતી ટેસ્ટ : બટાકાપુરીથી વડાપાઉ સુધીની જયાફત

Surat Ganesh Visarjan : શ્રીજીને વિદાય આપવા નીકળેલા ભક્તોના માર્ગમાં ક્યાંક ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજી રહ્યા હતા તો ક્યાંક ભક્તિ સાથે સુરતી સ્વાદની મહેક પ્રસરી રહી હતી. સુરતમાં ગણેશ વિસર્જન નિમિત્તે સેવાભાવી સંસ્થાઓ અને મંડળોએ ઠેરઠેર ભંડારા યોજી ભક્તોને ચા-છાશની સાથે સેવ-ખમણ, બટાકાપુરી, વડાપાઉ, દાબેલી, બટાકા પૌંવા અને શાકપુરી જેવી વાનગીઓ પીરસાતી જોવા મળી હતી. આમ બાપ્પાની વિદાયના દિવસે સુરતમાં ભક્તિ સાથે સુરતી સ્વાદ અને સેવાભાવનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો.
સુરતમાં વર્ષો પહેલાં ગણેશ વિસર્જન દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવતી હતી. સમયની સાથે દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓની સંખ્યા વધતી ગઈ અને વિસર્જન યાત્રામાં જોડાતા ભક્તોની સુવિધા માટે માત્ર પાણી પૂરતું નહીં, પરંતુ નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા થવા લાગી. ખાસ કરીને સુરતીઓના સ્વાદને ધ્યાનમાં રાખીને ભંડારામાં વિવિધ સુરતી વાનગીઓ પીરસવાની પરંપરા પણ હવે જોવા મળી રહી છે. વિસર્જન યાત્રાના માર્ગો પર યોજાયેલા આવા ભંડારા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કતારગામ ડેરી ફળિયામાં આવેલા ખોડિયાર યુવક મંડળ દ્વારા સતત આઠમા વર્ષે ગણેશ ભક્તો માટે બટાકાપુરીનો ભંડારો યોજાયો હતો.
મંડળના જિગ્નેશભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા આઠ વર્ષથી શ્રીજીના વિસર્જન દરમિયાન ભક્તોની સેવા કરવાનો સંકલ્પ જાળવી રાખવામાં આવ્યો છે. આ સેવા કાર્યમાં મંડળના યુવાનોની સાથે મહિલાઓ પણ ખભે ખભા મિલાવી જોડાઈ હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી સેવામાં મોડી સાંજ સુધી ભક્તોને અનલિમિટેડ બટાકાપુરી પીરસવામાં આવી હતી. વિસર્જન યાત્રામાં જોડાયેલા મોટી સંખ્યામાં ભક્તોએ બટાકાપુરી નો સ્વાદ માણ્યો હતો.બીજી તરફ ઉધના દરવાજા વિસ્તારમાં બાંકે બિહારી સેવા સમિતિ દ્વારા પણ ભક્તો માટે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ગણેશ વિસર્જન જોવા અને યાત્રામાં જોડાવા આવેલા ભક્તોને વડાપાઉની સાથે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમી અને લાંબા સમય સુધી ચાલતી વિસર્જન યાત્રા વચ્ચે છાશ મળતાં ભક્તોને પણ રાહત મળી હતી.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે અલગ અલગ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યાંક દાબેલી અને બટાકા પૌંવા પીરસવામાં આવ્યા હતા તો ક્યાંક શાકપુરી અને સેવ-ખમણનો ભંડારો યોજાયો હતો. અનેક સ્થળોએ ચા અને છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં પરિવાર સાથે જોડાયેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો માટે રસ્તામાં જ નાસ્તાની વ્યવસ્થા મળી રહેતા સેવાભાવી સંસ્થાઓની સેવા ભક્તો માટે ઉપયોગી બની હતી. ગણેશ વિસર્જનના દિવસે શહેરમાં અનેક વિસ્તારોમાં કલાકો સુધી વિસર્જન યાત્રાઓ ચાલતી હોવાથી ભક્તો લાંબા સમય સુધી રસ્તા પર રહેતા હોય છે. આવા સમયે રસ્તામાં જ કોઈ મંડળ કે સંસ્થા દ્વારા પ્રેમપૂર્વક નાસ્તો પીરસવામાં આવે ત્યારે ભક્તો પણ ઉત્સાહપૂર્વક તેનો સ્વીકાર કરતા જોવા મળ્યા હતા.
ખાસ કરીને સુરતની ઓળખ સમાન સેવ-ખમણ, બટાકાપુરી અને વડાપાઉ જેવી વાનગીઓના ભંડારાએ વિસર્જનના માહોલમાં સુરતીપણાનો રંગ ઉમેર્યો હતો. મોંઘવારીના સમયમાં પરિવાર સાથે વિસર્જન યાત્રામાં નીકળેલા લોકો માટે આવા નિઃશુલ્ક ભંડારા રાહતરૂપ બન્યા હતા. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ અને મંડળોના કાર્યકરો પણ કલાકો સુધી ભક્તોની સેવા કરતા જોવા મળ્યા હતા. આમ, શ્રીજીને વિદાય આપવાના દિવસે શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને આસ્થા સાથે સુરતી સ્વાદની મહેક અને સેવાભાવની પરંપરા પણ જીવંત જોવા મળી હતી.