બાબા બર્ફાનીના દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓ માટે ગુજરાતીઓની અનોખી સેવા : કાશ્મીરમાં પ્યોર ગુજરાતી ભોજનનો પ્રસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : બાબા બર્ફાનીના દર્શન માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અમરનાથ પહોંચતા ગુજરાતી શ્રદ્ધાળુઓને કાશ્મીરની ઠંડી વાદીઓમાં પણ પોતાના ઘર અને વતનની યાદ અપાવતું એક અનોખું સેવાકાર્ય છેલ્લા 28 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. સુરતની શિવશક્તિ સેવા સમિતિ અને જમ્મુ-કાશ્મીરના પ્રાચીન ભંડારા વચ્ચેના સમન્વયથી ચંદનવાડીના નૂનવાન કેમ્પ ખાતે હજારો યાત્રાળુઓ માટે પ્યોર ગુજરાતી ભોજન તૈયાર કરવામાં આવે છે. દાળ-ભાત, ખીચડી-કઢી, ગુજરાતી શાક, રોટલી, પૂરી, ખમણ અને પૌવા જેવી વાનગીઓ સાથે આ ભંડારો માત્ર ભૂખ સંતોષતો નથી, પરંતુ હિમાલયની ગોદમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્વાદ અને સેવાભાવની સુગંધ પણ પ્રસારે છે.
હિન્દુઓની આસ્થા અને બર્ફાની બાબાના દર્શન માટે આગામી 3 જુલાઈથી શરૂ થનારી અને 28 ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે સમગ્ર દેશમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. યાત્રાળુઓની સુવિધા માટે માર્ગ પર અનેક ભંડારાઓ કાર્યરત કરવામાં આવે છે, પરંતુ ગુજરાતીઓ માટે ખાસ ગુજરાતી ભોજન પીરસતો ભંડારો ચંદનવાડી નૂનવાન કેમ્પ ખાતે વિશેષ ઓળખ ધરાવે છે. અહીં પહોંચતા અનેક ગુજરાતી યાત્રાળુઓ માટે આ સ્થળ જાણે કાશ્મીરમાં વસેલું નાનકડું ગુજરાત બની જાય છે. નૂનવાન ખાતે શ્રી શ્રી 1008 બાબા રામ રમૈયા મહારાજના આશ્રમ દ્વારા છેલ્લા 65 વર્ષથી ભંડારો ચલાવવામાં આવે છે. વર્ષ 1997 થી સુરતની શિવશક્તિ સેવા સમિતિ આ ભંડારામાં જોડાઈ છે અને ત્યારથી ગુજરાતી યાત્રાળુઓ માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ યાત્રા શરૂ થાય તે પહેલાં જ સુરતથી બે ટ્રક ભરેલી ખાદ્યસામગ્રી, રસોડાના સાધનો અને અન્ય જરૂરી સામાન કાશ્મીર પહોંચાડી દેવામાં આવ્યો છે.

સમિતિના આગેવાનો અને સમાજસેવક વજુભાઈ સુહાગીયાના જણાવ્યા મુજબ, વર્ષ 1996માં અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતી ભોજન ઉપલબ્ધ ન હોવાથી અનેક યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર ભારતીય ભોજન દરેકને અનુકૂળ ન પડતું હોવાથી ગુજરાતીઓ માટે અલગ વ્યવસ્થા કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. ત્યારબાદ બાબા રામ રમૈયા મહારાજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને તેમની સંમતિ બાદ 1997થી ગુજરાતી ભોજન સેવા શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે.
ભંડારામાં બપોર અને રાત્રિના ભોજનમાં દાળ-ભાત, ખીચડી-કઢી, ગુજરાતી શાક, રોટલી, પૂરી તથા મિષ્ટાન પીરસવામાં આવશે. જ્યારે સવારના નાસ્તામાં બટાકા પૌવા, ખમણ, ભજીયા અને ડ્રાયફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે સમગ્ર ભોજન સીંગતેલમાં તૈયાર કરવામાં આવે છે, જેથી ગુજરાતીઓને પોતાના ઘર જેવો જ સ્વાદ મળી રહે. આ વર્ષે પણ સુરતના 20થી વધુ સેવાભાવી કાર્યકર તબક્કાવાર રીતે સમગ્ર યાત્રા દરમિયાન સેવા આપશે. કિરણ પટેલ સુરતી, અશ્વિની અકબરી, પ્રવિણ ડાગરીયા, કાંતિ મુંગરા, રઘુ બાબરિયા, ધીરૂ ભંડેરી, મધુ સાવલિયા, વજુ વેકરિયા સહિતના સેવકો યાત્રાળુઓની સેવામાં ખડેપગે રહેશે. માત્ર ભોજન જ નહીં, પરંતુ ગુજરાત અને સુરતમાંથી આવેલા યાત્રાળુઓને કોઈ મુશ્કેલી સર્જાય તો માર્ગદર્શન અને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવશે. ગુજરાતના દાતાઓ અને સેવાભાવી લોકોના સહયોગથી ચાલતો આ ભંડારો છેલ્લા 28 વર્ષથી હજારો યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. દર વર્ષે અનેક યાત્રાળુઓ અહીં ભોજન કર્યા બાદ સુરતની આ ટીમને આશીર્વાદ આપી આગળ વધે છે.
કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં જ્યારે થાળીમાં ગરમ ગરમ ખીચડી-કઢી, દાળ-ભાત કે ખમણ પીરસાય છે ત્યારે યાત્રાળુઓને માત્ર ભોજન જ નહીં, પરંતુ ગુજરાતની માટી, પોતાના ગામની યાદ અને ઘર જેવી આત્મીયતાનો પણ અનુભવ થાય છે. બાબા બર્ફાનીની ભક્તિ વચ્ચે સુરતની આ અનોખી સેવા આજે હજારો ગુજરાતી યાત્રાળુઓ માટે આસ્થાની યાત્રામાં લાગણીનો અવિસ્મરણીય પડાવ બની ગઈ છે.
લોટથી લઈને દૂધના પાવડર સુધી સુરતથી પહોંચે છે સામગ્રી
અમરનાથ યાત્રાના માર્ગ પર હજારો ભક્તો માટે અનેક ભંડારા કાર્યરત હોય છે, પરંતુ ચંદનવાડીના નૂનવાન કેમ્પ ખાતે એક એવું રસોડું ધમધમે છે જ્યાં કાશ્મીરની ધરતી પર પણ ગુજરાતની મહેક અનુભવાય છે. સુરતની શિવશક્તિ સેવા સમિતિ દ્વારા સંચાલિત આ ભંડારામાં યાત્રાળુઓને માત્ર ભોજન નહીં, પરંતુ ઘર જેવો સ્વાદ અને આત્મીયતાનો પ્રસાદ પીરસવામાં આવે છે. ગુજરાતી સ્વાદ જળવાઈ રહે તે માટે ભોજનમાં વપરાતું સીંગતેલ, દેશી ઘી, ઘઉંનો લોટ, ચા અને અન્ય જરૂરી સામગ્રી સીધી સુરતથી કાશ્મીર પહોંચાડવામાં આવે છે. પહાડી વિસ્તારમાં દૂધ સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી ખાસ દૂધનો પાઉડર પણ સાથે લઈ જવામાં આવે છે, જેથી યાત્રાળુઓને ચા અને અન્ય વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સવારના નાસ્તામાં બટાકા પૌવા, ખમણ, ભજીયા અને સુકો મેવો પીરસવામાં આવે છે. કઠિન યાત્રા માટે જરૂરી ઊર્જા મળી રહે તે માટે ભોજન અને નાસ્તાનું આયોજન વિશેષ ધ્યાન રાખીને કરવામાં આવે છે. કાશ્મીરની ધરતી પર ધમધમતું આ ‘મિની ગુજરાત’ આજે હજારો શ્રદ્ધાળુઓ માટે સ્વાદ, સેવા અને સંસ્કારનું અનોખું સરનામું બની ગયું છે.









