Surat

સુરતમાં ટુ-વ્હીલરને દંડ, ડમ્પર-ટ્રકને છૂટ : કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ સામે સવાલ

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ટ્રાફિક નિયમ ભંગ સામે કાર્યવાહીના દાવા વચ્ચે, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલાય છે, પરંતુ પ્રતિબંધિત સમયમાં ડમ્પર-ટ્રક, ખુલ્લી રેતી-માટી ભરેલા વાહનો, એર હોર્ન વગાડતી ખાનગી બસો અને ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ સામે પૂરતી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ટુ-વ્હીલરને દંડ, ડમ્પર-ટ્રકને છૂટ : કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ સામે સવાલ

Surat Kumar Kanani : સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે કાર્યવાહીનો દાવો વચ્ચે ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્યએ જ ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવતો હોવા છતાં પ્રતિબંધિત સમયમાં દોડતા ડમ્પર-ટ્રક, ખુલ્લી રેતી-માટી ભરેલા વાહનો, એર હોર્ન વગાડતી ખાનગી બસો અને ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ સામે પૂરતી કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના શાસનમાં જ ટ્રાફિકના નિયમોના અમલ અંગે સવાલો ઊઠે તેવી સ્થિતિ હોવાનું દર્શાવતો આ પત્ર હવે તંત્રની કામગીરી સામે ફરી ચર્ચા જગાવી રહ્યો છે.

4.jpg


સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને લાંબા સમયથી ફરિયાદ વચ્ચે વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ હવે સીધા પોલીસ કમિશનરને પત્ર લખીને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો સામે દંડની કાર્યવાહી થતી હોવા છતાં ભારે વાહનો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અન્ય વાહનો સામે પૂરતી કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.
કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં સિગ્નલ તોડનારા લોકો બેફામ બન્યા છે. અનેક સ્થળે સિગ્નલનું યોગ્ય મેન્ટેનન્સ થતું નથી અને ટાઈમિંગ અંગે પણ પ્રશ્નો છે. તેમણે સિગ્નલના પ્રોજેક્ટની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી ‘સિગ્નલના પ્રોજેક્ટનું બાળમરણ થયું છે, તેનું શું?’ તેવી રજૂઆત કરી છે. બીજી તરફ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો અને ડમ્પરો બેફામ દોડતા હોવા છતાં તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ પણ તેમણે કર્યો છે. ટ્રેક્ટર, ટ્રક સહિત રેતી-માટી ભરેલા ખુલ્લા વાહનો રસ્તા પર દોડતા હોવા છતાં કાર્યવાહી થતી ન હોવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે.
શહેરમાં ખાનગી બસો તથા મોટા વાહનો દ્વારા બેફામ એર હોર્ન વગાડીને લોકોને પરેશાન કરવામાં આવતા હોવાનો મુદ્દો પણ ધારાસભ્યએ ઉઠાવ્યો છે. આવા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી છે. સાથે જ રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ રીતે થતા વાહનોના પાર્કિંગને દૂર કરવા પણ પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. કાનાણીએ નંબર વગરની રિક્ષાઓ તેમજ ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી રિક્ષાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્રણ રસ્તા અને ચાર રસ્તા પર રોડ બંધ થાય તે રીતે રિક્ષાઓ ઊભી રાખવામાં આવતી હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ તેમણે કર્યો છે. રસ્તા પરના દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની જવાબદારી પોલીસ વિભાગે પણ નિભાવવી જોઈએ તેવી રજૂઆત સાથે કાનાણીએ ભવાની સર્કલ, સરસ્વતી સર્કલ, કાપોદ્રા અને ખાંડ બજાર સહિતના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માંગ કરી છે. ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડની વસૂલાત કરવા કરતાં ટ્રાફિકના તમામ પ્રકારના ભંગ સામે સમાન ધોરણે કાર્યવાહી કરવાની રજૂઆતને કારણે આ પત્ર ચર્ચામાં આવ્યો છે.
કાનાણીના પત્રમાં 8 મુદ્દે સીધા સવાલ

- સિગ્નલનું મેન્ટેનન્સ અને ટાઈમિંગ યોગ્ય કેમ નથી?
- પ્રતિબંધિત સમયમાં દોડતા ડમ્પર-ભારે વાહનો સામે કાર્યવાહી કેમ નહીં?
- ખુલ્લી રેતી-માટી ભરેલા ટ્રક-ટ્રેક્ટરો સામે પગલાં કેમ નહીં?
- એર હોર્ન વગાડતી ખાનગી બસો અને મોટા વાહનો સામે કાર્યવાહી કેમ નહીં?
- ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી કેમ નહીં?
- નંબર વગરની તથા વધુ મુસાફરો ભરેલી રિક્ષાઓ સામે કાર્યવાહી કેમ નહીં?
- ત્રણ-ચાર રસ્તા પર રોડ રોકીને ઊભી રહેતી રિક્ષાઓ સામે કાર્યવાહી કેમ નહીં?
- દબાણોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ કાર્યવાહી કેમ કરતી નથી?