ઉમરવાડામાં કચરાની ગાડીઓનો ‘ટ્રાફિક જામ’ : ગાર્બેજ વાહનોની કતારો અને દુર્ગંધથી શ્વાસ રૂંધાય તેવી સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં ડંકો વગાડતા સુરતમાં ઉમરવાડા ખાતે ‘ગંદકીનું સામ્રાજ્ય’ જોવા મળી રહ્યું છે. વરાછા ઝોનની વચ્ચોવચ્ચ આવેલા ડમ્પિંગ સ્ટેશન પર વહેલી સવારથી મોડી રાત સુધી કચરાથી ભરેલી ગાર્બેજ ગાડીઓની લાંબી કતારો જામતી હોવાથી આસપાસના રસ્તાઓ પર જાણે કચરાનો ટ્રાફિક જામ સર્જાય છે. કલાકો સુધી ઉભી રહેતી ગાડીઓ, રસ્તા પર વેરાતો કચરો અને અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓ જ નહીં, બોમ્બે માર્કેટ, ન્યુ બોમ્બે માર્કેટ, ગ્લોબલ માર્કેટ સહિત એક ડઝનથી વધુ કાપડ માર્કેટોના વેપારીઓ અને બહારગામથી આવતા મુલાકાતીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. દુર્ગંધ એટલી અસહ્ય બની છે કે રસ્તા પરથી પસાર થતી વખતે પણ શ્વાસ રૂંધાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન માટે અલગ વ્યવસ્થા બાદ ઉમરવાડા ડમ્પિંગ સ્ટેશન પર કચરાના વાહનોનું ભારણ વધ્યું હોવાની ચર્ચા વચ્ચે હવે સ્થાનિકો અને વેપારીઓએ પાલિકા સમક્ષ આ ‘ઉકરડા’નું તાત્કાલિક સ્થળાંતર કરવાની ઉગ્ર માંગ કરી છે.
સુરત પાલિકાના ઉમરવાડા ડમ્પિંગ સ્ટેશનની હાલત એવી બની છે કે કચરાની ગાડીઓનો ધસારો દિવસભર જોવા મળે છે. ડમ્પિંગ સ્ટેશનની અંદર કચરો ઠાલવવા માટે રાહ જોતી ગાડીઓની કતાર બહાર રસ્તા સુધી પહોંચી જાય છે. પરિણામે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને રસ્તા પર લાંબા સમય સુધી ગાડીઓ ઉભી રહેતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. બીજી તરફ કચરો ભરી ગાડીઓમાંથી ફેલાતી દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતાં નજીકના રહેવાસીઓ અને વેપારીઓ માટે રોજિંદી પરેશાની બની છે. ખાસ કરીને કાપડ માર્કેટો માટે આ સ્થિતિ વધુ ગંભીર બની છે.
બોમ્બે માર્કેટ, ન્યુ બોમ્બે માર્કેટ અને ગ્લોબલ માર્કેટ સહિતની આસપાસની માર્કેટમાં રોજ હજારો વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકોની અવરજવર રહે છે. પરંતુ માર્કેટના મુખ્ય રસ્તાની આસપાસ કચરાની ગાડીઓની કતારો અને દુર્ગંધના કારણે વેપારીઓ તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વેપારીઓનું કહેવું છે કે બહારગામથી આવતા ગ્રાહકો સમક્ષ શહેરની સ્વચ્છતા ની છબી પણ ખરડાઈ રહી છે. હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે તાજેતરમાં વરાછા અને પુણા વિસ્તારમાં ભારે વિવાદ સર્જાયો હતો. રસ્તા પર પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થતો અટકાવવા પાલિકાએ નોટિસ અને સિલિંગની કાર્યવાહી શરૂ કરી હતી.
જોકે, હોટ ફિક્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થતાં પ્લાસ્ટિક વેસ્ટના કલેકશન માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા બાદ ઉમરવાડા ડમ્પિંગ સ્ટેશન પર કચરાના વાહનોનું ભારણ વધ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિકોનો સવાલ છે કે જો શહેરમાં કચરાના નિકાલ માટેની વ્યવસ્થા સુચારુ છે તો ગાર્બેજ વાહનોને કલાકો સુધી રસ્તા પર કેમ ઉભા રહેવું પડે છે? રહેણાંક અને વ્યાપારી વિસ્તારની વચ્ચોવચ્ચ આવેલા ડમ્પિંગ સ્ટેશનની આસપાસ દરરોજ ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી? સ્વચ્છતા સર્વેક્ષણમાં મોખરાનું સ્થાન મેળવવા માટે શહેરને ચમકાવવામાં આવે છે, પરંતુ શહેરના જ એક મહત્વના વિસ્તારમાં નાગરિકોને નાક દબાવીને પસાર થવાની ફરજ પડે તે સ્થિતિ સામે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
ઉમરવાડા ડમ્પિંગ સ્ટેશનને કારણે માત્ર રહેવાસીઓ જ નહીં, પરંતુ વેપારીઓ અને માર્કેટમાં આવતા હજારો મુલાકાતીઓ પણ અસરગ્રસ્ત થઈ રહ્યા છે. હવે સ્થાનિકો અને વેપારીઓએ પાલિકા સમક્ષ ડમ્પિંગ સ્ટેશનનું તાત્કાલિક સ્થળાંતર કરવાની માંગ કરી છે. રહેણાંક અને વ્યાપારી વિસ્તારથી દૂર વૈકલ્પિક સ્થળે ડમ્પિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અથવા હાલની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગ છે. શહેરને સ્વચ્છતામાં મોખરાનું સ્થાન અપાવતી પાલિકા ઉમરવાડાની આ ‘ગંદકીની ગાંઠ’ ક્યારે ખોલે છે તેના પર હવે સૌની નજર છે.
સ્વચ્છતામાં નંબર-1 સુરત, ઉમરવાડામાં ગંદકીની ‘નંબર-1’ સમસ્યા
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવનાર સુરતમાં ઉમરવાડાનું ડમ્પિંગ યાર્ડ તંત્રની કામગીરી સામે મોટો સવાલ બની રહ્યું છે. બોમ્બે માર્કેટ, ન્યુ બોમ્બે માર્કેટ, ગ્લોબલ માર્કેટ સહિત એક ડઝનથી વધુ કાપડ માર્કેટોની નજીક આવેલા આ ડમ્પિંગ યાર્ડમાં દિવસભર કચરાભરી ગાડીઓની લાંબી કતારો જોવા મળે છે. ગંદકી અને અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ઉપરાંત દેશભરમાંથી આવતા વેપારીઓ અને મુલાકાતીઓ પણ પરેશાન છે. સુરતની સ્વચ્છતાની બ્રાન્ડ ઈમેજ જાળવવા માટે હવે આ ડમ્પિંગ યાર્ડના કાયમી ઉકેલ અથવા સ્થળાંતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.




