Surat

સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 157ની ચાર પૈકી ત્રણ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદ થઈ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી છોટુભાઈ પુરાણી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 157ના બાળ વૈજ્ઞાનિકોએ સિદ્ધિ મેળવી છે. ઉધના-અઠવા ઝોન-3ના પ્રદર્શનમાં રજૂ કરેલી 4 કૃતિઓમાંથી 3 કૃતિઓની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ છે. 9 ઓક્ટોબરે ભેસ્તાન ખાતે યોજાયેલા પ્રદર્શનમાં કુલ 55 કૃતિઓમાંથી આ 3 કૃતિઓ પસંદ થઈ. 'સુરક્ષા રથ', 'સ્માર્ટ હેલ્થ ગાર્ડિયન' અને 'આપત્તિ પહેલાં એલર્ટ' કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શનથી તૈયાર થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 157ની ચાર પૈકી ત્રણ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદ થઈ

Surat: ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બમરોલી ગામ, પાંડેસરા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 157ના બાળ વૈજ્ઞાનિકોએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ઉધના-અઠવા ઝોન-3ના યુઆરસી કક્ષાના પ્રદર્શનમાં શાળાએ રજૂ કરેલી ચાર કૃતિઓમાંથી ત્રણ કૃતિઓની જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી થતાં શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. ઝોનની કુલ 55 કૃતિઓમાંથી જિલ્લા કક્ષાએ પસંદ થયેલી પાંચ કૃતિઓ પૈકી ત્રણ કૃતિઓ એક જ શાળાની હોવી વિશેષ સિદ્ધિ બની છે.

તા. 9 ઑક્ટોબરે ભેસ્તાન સ્થિત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 213, 214 અને 215 ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. તેમાં ઉધના-અઠવા ઝોનની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનમાં 55 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી પાંચ કૃતિઓને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે પસંદ કરવામાં આવી હતી. શાળા ક્રમાંક 157ની પસંદગી પામેલી ત્રણ કૃતિઓમાં ‘સુરક્ષા રથ’, ‘સ્માર્ટ હેલ્થ ગાર્ડિયન’ અને ‘આપત્તિ પહેલાં એલર્ટ’નો સમાવેશ થાય છે. આ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ સુરક્ષા, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મહત્ત્વના વિષયો પર પોતાની વિચારશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમ રજૂ કર્યો હતો. આ સફળતાથી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ શોધવાની ક્ષમતાને પ્રોત્સાહન મળ્યું છે.

આ સિદ્ધિ પાછળ માર્ગદર્શક શિક્ષકો શીતલબેન પટેલ, સંજયભાઈ પટેલ અને રોશનીબેન પટેલનું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને કૃતિઓ તૈયાર કરવામાં માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું, જેના પરિણામે શાળાની ચાર પૈકી ત્રણ કૃતિઓ જિલ્લા કક્ષાએ પહોંચવામાં સફળ રહી છે.

હવે જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં આ કૃતિઓ રજૂ થશે. ત્યાં પણ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને શાળા પરિવારે તમામ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.