સુરત પાલિકાના ઝોનમાં કચરાના ઢગલા વચ્ચે વાય જંકશનના ખાનગી પ્લોટને પાર્કિંગ માટે ચકાચક કરવા કતારગામ ઝોનની આખી ટીમ ખડેપગે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ગંદકીના ઢગલા યથાવત્ અને સફાઈની ફરિયાદોનો ઉકેલ નહીં, પરંતુ સેવા જ્યોતના કાર્યક્રમ માટે અઠવાના ખાનગી પ્લોટને ચમકાવવાની પાલિકાને ઉતાવળ! વાય જંકશન ખાતે પાર્કિંગ માટે ફાળવાયેલા ખાનગી પ્લોટની સફાઈ માટે કતારગામ ઝોનના ઝોનલ ચીફ સહિત અધિકારીઓની આખી ટીમ સવારથી મેદાનમાં ઉતરી હતી. પોતાના વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા સુધારવાને બદલે અન્ય ઝોનમાં ખાનગી જગ્યા ચકાચક કરવા દોડેલા તંત્રની કામગીરી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરત શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આગામી 7 ઓક્ટોબરના રોજ અઠવા ઝોનના વાય જંકશન ખાતે સેવા જ્યોત કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાવાના હોવાથી પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનને અલગ-અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી છે. આ જ વ્યવસ્થાના ભાગરૂપે વાય જંકશન પાસે આવેલા એક ખાનગી પ્લોટનો પાર્કિંગ માટે ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. પ્લોટ વર્ષોથી કચરા અને ઉકરડામાં ફેરવાયેલો હોવાનું જણાવાઈ રહ્યું હતું. પરંતુ કાર્યક્રમની તૈયારી શરૂ થતાં જ આ જ પ્લોટની સફાઈ માટે કતારગામ ઝોનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
ઝોનલ ચીફ સ્મિત લોઢા, કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સવારથી સફાઈ કામગીરી શરૂ કરી હતી. પ્લોટમાંથી કચરો હટાવી સમગ્ર જગ્યાને પાર્કિંગ માટે તૈયાર કરવામાં આવી હતી. આ કામગીરીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થતાં સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરીને કતારગામ ઝોનમાં જ અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને નિયમિત સફાઈ નહીં થતી હોવાની ફરિયાદો વચ્ચે કતારગામ ઝોનની ટીમને અઠવા ઝોનમાં ખાનગી પ્લોટની સફાઈ માટે મોકલવામાં આવી હોવાને લઈને સવાલો ઉઠ્યા હતા. સ્થાનિકોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે પોતાના ઝોનમાં જ જ્યાં સફાઈની જરૂરિયાત છે ત્યાં કામગીરીને પ્રાથમિકતા આપવાને બદલે કાર્યક્રમના સ્થળે સફાઈ માટે તંત્રને વધુ ઉતાવળ કેમ થઈ?કતારગામ ઝોનના વિવિધ વિસ્તારોમાં કચરો સમયસર ઉપાડવામાં નહીં આવતો હોવાની અને જાહેર સ્થળોએ ગંદકી જોવા મળતી હોવાની ફરિયાદો વચ્ચે આ કામગીરીએ પાલિકાની સફાઈ વ્યવસ્થાને ફરી ચર્ચામાં લાવી છે.
એક તરફ સ્વચ્છતા માટે પાલિકા દ્વારા મોટા દાવા કરવામાં આવે છે, બીજી તરફ પોતાના ઝોનમાં ગંદકીની ફરિયાદો વચ્ચે અન્ય ઝોનમાં કાર્યક્રમ માટે ખાનગી પ્લોટની સફાઈ કરવામાં આવતાં સફાઈ વ્યવસ્થાની દિશા અને પ્રાથમિકતા અંગે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો સેવા જ્યોત જેવા મોટા કાર્યક્રમનું આયોજન કતારગામ ઝોનમાં જ કરવામાં આવ્યું હોત તો કદાચ વર્ષોથી ગંદકીની ફરિયાદો ધરાવતા વિસ્તારોમાં પણ સફાઈ કામગીરીને વેગ મળ્યો હોત. કાર્યક્રમના નામે અન્ય ઝોનમાં સફાઈ માટે અધિકારીઓ અને કર્મચારીઓની આખી ટીમ ઉતારવામાં આવી શકે છે તો કતારગામ ઝોનના લોકોને નિયમિત અને અસરકારક સફાઈ માટે શા માટે આવી જ તત્પરતા દેખાતી નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. ખાસ કરીને ખાનગી પ્લોટને પાલિકાના કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હોવાથી તેની સફાઈ કરવી જરૂરી હતી કે નહીં તે અલગ મુદ્દો છે, પરંતુ કતારગામ ઝોનમાં સફાઈની ફરિયાદો વચ્ચે એ જ ઝોનના અધિકારીઓને અન્ય ઝોનમાં મોકલવાની વ્યવસ્થાએ પાલિકાની કામગીરીની પ્રાથમિકતા અંગે ચર્ચા જગાવી છે. સેવા જ્યોતના કાર્યક્રમ માટે વાય જંકશનનો પ્લોટ ચમકી ઉઠ્યો છે, હવે કતારગામ ઝોનના રહેવાસીઓનો સવાલ છે કે તેમના વિસ્તારના કચરાના ઢગલા ક્યારે દૂર થશે?
અધિકારીઓની ગેરહાજરી થી અરજદારોને ધરમના ધક્કા
આજે સવારથી કતારગામ ઝોન કચેરીમાં વિવિધ કામ માટે પહોંચેલા અરજદારો અધિકારીઓની ગેરહાજરીને કારણે રીતસરના રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. જરૂરી કામગીરી અને રજૂઆત માટે કચેરીએ પહોંચ્યા લોકોને સંબંધિત અધિકારીઓ સ્થળ પર ન મળતાં નાછૂટકે રાહ જોવી પડી હતી અથવા ધરમના ધક્કા ખાવાની ફરજ પડી હતી. એક તરફ કતારગામ ઝોનના અધિકારીઓ અઠવા ઝોનમાં ખાનગી પ્લોટની સફાઈ માટે દોડી રહ્યા હતા, ત્યારે પોતાના કામ માટે કચેરીએ આવેલા અરજદારોને અધિકારીઓની રાહ જોવી પડતાં તંત્રની પ્રાથમિકતા સામે સવાલ ઉઠ્યા હતા.




