Surat

ઈ-વાહનોની ટેક્સ રાહત સુરત પાલિકાની તિજોરી પર બોજ, વાહન વેરાની આવકનો અંદાજ સામે 19 ટકા અસર

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાની ગ્રીન ઈ-વ્હીકલ પોલિસી હેઠળ, 19,190 ઈ-વાહનોને 30.73 કરોડ રૂપિયાની ટેક્સ રાહત અપાઈ છે. આનાથી પાલિકાની આવક પર અસર થઈ છે. સૌથી વધુ 15,092 ઈ-ટુ-વ્હીલરને રાહત મળી, પણ છોડાયેલી આવકમાં ઈ-ફોર-વ્હીલરનો 87% હિસ્સો રહ્યો. સરેરાશ 16,016 રૂપિયાની ટેક્સ રાહત એક ઈ-વાહન પાછળ આપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈ-વાહનોની ટેક્સ રાહત સુરત પાલિકાની તિજોરી પર બોજ, વાહન વેરાની આવકનો અંદાજ સામે 19 ટકા અસર

Surat News : સુરત પાલિકાની ગ્રીન ઇ-વ્હીકલ પોલીસી હેઠળ ઈલેક્ટ્રિક વાહનોને આપવામાં આવેલી 100 ટકા વાહન વેરાની રાહતથી શહેરમાં ઈ-વાહનોના વધતા ચલણની સાથે પાલિકાની આવક પર થતી અસર પણ સામે આવી છે. એક વર્ષમાં 19,190 ઈ-વાહનોને કુલ 30.73 કરોડ રૂપિયાની ટેક્સ રાહત આપવામાં આવી છે.
ખાસ વાત એ છે કે રાહત મેળવનારા વાહનોમાં ટુ-વ્હીલરની સંખ્યા સૌથી વધુ હોવા છતાં પાલિકાની છોડાયેલી આવકમાં ઈ-ફોર-વ્હીલરનો હિસ્સો સૌથી મોટો રહ્યો છે. ગ્રીન ઇ-વ્હીકલ પોલીસી હેઠળ સુરત પાલિકા દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને 100 ટકા વાહન વેરાની રાહત આપવામાં આવી રહી છે. વાહન કર વિભાગના આંકડા મુજબ તા.9 જૂન 2024 થી તા.9 જૂન 2025 સુધીના એક વર્ષમાં શહેરમાં કુલ 19,190 ઈલેક્ટ્રિક વાહનોને 30,73,94,570 રૂપિયાની ટેક્સ રાહત આપવામાં આવી છે. એટલે કે એક ઈ-વાહન પાછળ સરેરાશ આશરે 16,016 રૂપિયાની ટેક્સ રાહત આપવામાં આવી છે.
આ રાહતને કારણે પાલિકાએ એક વર્ષમાં 30.73 કરોડ રૂપિયાની સંભવિત વાહન વેરાની આવક છોડવી પડી છે. રાહત મેળવનારા ઈ-વાહનોમાં ટુ-વ્હીલરની સંખ્યા સૌથી વધુ છે. એક વર્ષમાં કુલ 15,092 ઈ-ટુ-વ્હીલરને 3,71,23,991 રૂપિયાની ટેક્સ રાહત મળી છે. કુલ લાભાર્થી ઈ-વાહનોમાં ટુ-વ્હીલરનો હિસ્સો આશરે 78.6 ટકા છે. જોકે ટેક્સ રાહતની કુલ રકમમાં તેનો હિસ્સો માત્ર 12.1 ટકા જેટલો છે. એક ઈ-ટુ-વ્હીલર દીઠ સરેરાશ આશરે 2,460 રૂપિયાની ટેક્સ રાહત થઈ છે. બીજી તરફ ઈ-ફોર-વ્હીલરની સંખ્યા ટુ-વ્હીલરની સરખામણીએ ઘણી ઓછી હોવા છતાં પાલિકાની છોડાયેલી ટેક્સ આવકમાં તેનો હિસ્સો સૌથી મોટો છે. એક વર્ષમાં 3,824 ઈ-ફોર-વ્હીલરને 26,75,78,284 રૂપિયાની ટેક્સ રાહત આપવામાં આવી છે. કુલ ઈ-વાહનોમાં ફોર-વ્હીલરનો હિસ્સો આશરે 19.9 ટકા છે, પરંતુ કુલ ટેક્સ રાહતમાં તેનો હિસ્સો લગભગ 87 ટકા જેટલો છે. એક ઈ-ફોર-વ્હીલર દીઠ સરેરાશ આશરે 69,973 રૂપિયાની ટેક્સ રાહત થઈ છે.
આમ, ઈ-ટુ-વ્હીલરની સંખ્યા ચાર ગણી હોવા છતાં પાલિકાએ ઈ-ફોર-વ્હીલર માટે છોડેલી ટેક્સ રાહતની રકમ ટુ-વ્હીલરની સરખામણીએ અનેક ગણી વધારે છે. આ તફાવતથી ઈ-વાહનોના પ્રકાર પ્રમાણે પાલિકાની વાહન વેરાની આવક પર પડતી અસર કેટલી અલગ છે તે સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત 165 ઈ-થ્રી-વ્હીલરને 16,20,668 રૂપિયા અને અન્ય કેટેગરીના 109 ઈ-વાહનોને 10,71,626 રૂપિયાની ટેક્સ રાહત આપવામાં આવી છે. થ્રી-વ્હીલર અને અન્ય કેટેગરી મળીને કુલ 274 વાહનોને 26,92,294 રૂપિયાની રાહત મળી છે. એકંદરે ગ્રીન ઇ-વ્હીકલ પોલીસી હેઠળ એક વર્ષમાં 19,190 ઈ-વાહનોને 30.73 કરોડ રૂપિયાની ટેક્સ રાહત મળવીએ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ વધતા વલણનો સંકેત છે. સાથે જ ઈ-વાહનોને આપવામાં આવતી 100 ટકા ટેક્સ રાહતના કારણે પાલિકાની વાહન વેરાની સંભવિત આવક પર પડતી નાણાકીય અસર જોવા મળી રહી છે.