સુરતની નવરાત્રીમાં ગરબાના બ્રેકમાં નાસ્તાની ધમાલ, સોસાયટીઓમાં એકતા અને કેટરર્સને રોજગારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Navratri Special : સુરતમાં નવરાત્રી મહોત્સવ માત્ર માતાજીની આરાધના અને રાસ-ગરબા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રહેણાંક સોસાયટીઓમાં સામૂહિક એકતા અને સહકારનું પર્વ પણ બની રહ્યો છે. રાત્રે ગરબાના બ્રેકમાં ખાણીપીણીની જયાફત માણવાનો ટ્રેન્ડ વધતા ક્યાંક સોસાયટીના સભ્યો જ ભેગા મળીને ગરમાગરમ નાસ્તો તૈયાર કરી રહ્યા છે, તો ક્યાંક વિવિધ વાનગીઓના ઓર્ડરથી નાના કેટરર્સને રોજગારી મળી રહી છે. કેટલીક સોસાયટીમાં સભ્યો દ્વારા જ નાસ્તો તૈયાર કરવાનો અનોખો પ્રયોગ એકતા અને સહકારનું ઉદાહરણ બની રહ્યો છે. બીજી તરફ, મોંઘવારીના સમયમાં એક નોકરીના સહારે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હોવાથી કેટલાક લોકો દિવસ દરમિયાન નોકરી કે વ્યવસાય કરીને સાંજે કેટરર્સનું કામ કરી વધારાની આવક મેળવી રહ્યા છે. આમ, નવરાત્રીમાં ગરબાની રમઝટ સાથે નાસ્તાની લિજ્જત સોસાયટીઓમાં સામાજિક જોડાણ મજબૂત કરવાની સાથે નાના ધંધાર્થીઓ માટે આવકની નવી તક પણ ઊભી કરી રહી છે.
નવરાત્રી દરમિયાન ગરબાના બ્રેકમાં નાસ્તાની વ્યવસ્થા કરવા માટે બહારથી કેટરર્સને ઓર્ડર આપવામાં આવે છે. જોકે, સિંગણપોર કોઝવે વિસ્તારમાં આવેલી તાપી એન્કલેવ સોસાયટીના સભ્યોએ આ પરંપરાથી અલગ પ્રયોગ અપનાવ્યો છે. સોસાયટીના સભ્યો બહારથી તૈયાર નાસ્તો મંગાવવાને બદલે સામગ્રી ભેગી કરીને જાતે જ નાસ્તો તૈયાર કરે છે. આ પ્રવૃત્તિમાં સોસાયટીના સભ્યો એકબીજાને મદદ કરતા હોવાથી નાસ્તાની વ્યવસ્થા સાથે સામૂહિક સહભાગિતાનો માહોલ પણ સર્જાય છે. સભ્ય યોગેશ દિયોદરાના જણાવ્યા અનુસાર, બહારથી નાસ્તો મંગાવવામાં આવે તો અગાઉથી ઓર્ડર આપવો પડે છે. ગરબાના બ્રેક સુધીમાં નાસ્તો ઠંડો થઈ જવાની ફરિયાદ પણ રહેતી હોય છે. સોસાયટીમાં જ એક સભ્ય એવા છે, જેઓ મોટી સંખ્યામાં લોકો માટે વ્યવસ્થિત રીતે નાસ્તો તૈયાર કરી શકે છે. તેથી સોસાયટીના સભ્યો ભેગા મળીને જરૂરી સામગ્રી લાવે છે અને અન્ય સભ્યો શાકભાજી સમારવા સહિતની કામગીરીમાં મદદ કરે છે. આ વ્યવસ્થાને કારણે ગરબાના બ્રેકમાં સભ્યોને તાજો અને ગરમાગરમ નાસ્તો મળી રહે છે.
સોસાયટીમાં ઈડલી-સાંભાર, બટાકા પૌંવા અને પાણીપુરી જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. બહારથી તૈયાર નાસ્તો મંગાવવાને બદલે સામૂહિક રીતે નાસ્તો બનાવવાની આ પહેલથી સભ્યોને પોતાની સોસાયટીમાં જ સ્વાદિષ્ટ નાસ્તો માણવાની તક મળે છે. સાથે જ, સામગ્રીની ખરીદીથી લઈને નાસ્તો તૈયાર કરવા સુધીની પ્રક્રિયામાં સભ્યોની સહભાગિતા વધતાં નવરાત્રીનો ઉત્સવ માત્ર ગરબા પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ પરસ્પર સહકાર અને હળવાશભર્યા સામાજિક મિલનનું માધ્યમ પણ બની રહ્યો છે.
નવરાત્રી દરમિયાન સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં રાસ-ગરબાના આયોજન સાથે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ ગરબાના બ્રેકમાં ખાણીપીણીનો માહોલ જામે છે. દાબેલી, પફ, સમોસા, બટાકા પૌંવા, બ્રેડ પકોડા, બ્રેડ રોલ, સેવ ખમણ, ઈડલી-સાંભાર અને પાણીપુરી જેવી વાનગીઓ ખૈલેયાઓની પસંદ બની રહી છે. સોસાયટીઓમાં સભ્યોની સંખ્યા અને આયોજન પ્રમાણે નાસ્તાના ઓર્ડર આપવામાં આવતા હોવાથી નાના કેટરર્સ તથા ઘરેથી નાસ્તો બનાવી આપતા લોકોને કામ મળી રહ્યું છે. મોંઘવારીના સમયમાં પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવી પડકારજનક બની રહી છે ત્યારે કેટલાક લોકો મુખ્ય વ્યવસાયની સાથે કેટરર્સનું કામ કરીને વધારાની આવક મેળવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા અને તહેવારો દરમિયાન કેટરર્સનું કામ કરતા ઉમંગ વરિયા જણાવે છે કે એક જ નોકરીની આવકથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની શકે છે. તેમને રસોઈ બનાવવાનો શોખ છે અને તેમનો પરિવાર પણ આ કામગીરી સાથે સંકળાયેલો છે. તેથી તેઓ દિવસ દરમિયાન પોતાના વ્યવસાયની કામગીરી કરે છે અને સાંજે નવરાત્રી માટે નાસ્તાના ઓર્ડર તૈયાર કરે છે. નવરાત્રિ દરમિયાન સોસાયટીઓમાં નાસ્તાની માગ વધતાં વડાપાંઉ, દાબેલી, બટાકા પૌંવા, સમોસા અને રગડા સમોસા જેવી વાનગીઓના ઓર્ડર મળી રહ્યા છે. આ ઉપરાંત, ઉપવાસ કરનારા ખૈલેયાઓને ધ્યાનમાં રાખીને સાબુદાણાની ખીચડીના ઓર્ડર પણ આપવામાં આવે છે. સોસાયટીઓમાં ગરબાના આયોજન સાથે નાસ્તાની વ્યવસ્થા જોડાતાં કેટરર્સને મર્યાદિત સમયગાળામાં વધારાનું કામ કરવાની તક મળી રહી છે.
સુરતીઓના નાસ્તાપ્રેમને નવરાત્રીનો સાથ
સુરતીઓ અને ખાણીપીણીનો નાતો અનોખો છે. સવારની શરૂઆત સેવ-ખમણ અને લોચાથી થાય કે રવિવારની સવાર ફાફડા-જલેબીની મોજમાં વીતે, સુરતીઓ માટે સ્વાદ હંમેશાં મહત્ત્વનો રહ્યો છે. હવે આ નાસ્તાપ્રેમનો રંગ નવરાત્રીના રાસ-ગરબામાં પણ જોવા મળી રહ્યો છે. રાત્રે ગરબાની રમઝટ વચ્ચે વિરામ મળે ત્યારે ખૈલેયાઓ માટે નાસ્તો માણવો પણ ઉત્સવનો એક ભાગ બની ગયો છે.
નવરાત્રીમાં સામાન્ય રીતે ગરબા અને રંગબેરંગી પોશાકની ચર્ચા વધુ થતી હોય છે, પરંતુ હવે સોસાયટીઓમાં નાસ્તાની વિવિધ વાનગીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગરબાના બ્રેકમાં સ્વાદિષ્ટ નાસ્તો માણીને ફરી ગરબે ઘૂમવાનો ઉત્સાહ જાળવી રાખવામાં આવે છે. ખાસ કરીને સામૂહિક ગરબાનાં આયોજનમાં નાસ્તાની વ્યવસ્થા સભ્યોને એકસાથે મળવાનો અને ઉત્સવની મોજ વહેંચવાનો અવસર પૂરો પાડે છે.
આમ, સુરતીઓ માટે નવરાત્રી હવે માત્ર માતાજીની આરાધના અને ગરબાની રમઝટનો ઉત્સવ નથી રહ્યો, પરંતુ સ્વાદ, આનંદ અને સામાજિક મિલનનો પણ અવસર બન્યો છે. ગરબાના તાલ સાથે નાસ્તાની લિજ્જત નવરાત્રીના ઉત્સવમાં એક નવો રંગ ઉમેરી રહી છે.




