નાસીરનગર ડિમોલિશન કેસ: સુરત મનપા કમિશનરની બદલી, કલેક્ટર તેજસ પરમારને સોંપાયો વધારાનો ચાર્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat SMC Commissioner S Nagarajan Transferred, Nasirnagar Demolition Case: સુરતના નાસીરનગરમાં ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ મંગળવારે(11 ઓગસ્ટ) સુરત મનપા કમિશનર એસ. નાગરાજનની બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે મનપા કમિશનરની બદલી કર્યા બાદ કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ સોંપ્યો છે.

સુરત મનપા કમિશનરની બદલી
સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં પાલિકાની ભૂમિકા અંગે ઊભા થયેલા ગંભીર સવાલો, ડિમોલિશન અંગેની રજૂઆતમાં આવેલા વિરોધાભાસ અને હાઈકોર્ટનું કડક વલણ વચ્ચે રાજ્ય સરકારે મોડી રાત્રે મોટો વહીવટી નિર્ણય લીધો છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ સુરત પાલિકા કમિશનર એમ. નાગરાજન એમ.ની બદલી કરી તેમને સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે સુરતના કલેક્ટર તેજસ પરમારને પાલિકા કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. નાસીર નગર પ્રકરણની કોર્ટ કાર્યવાહી બાદ જ આ નિર્ણય આવતા વહીવટી વર્તુળોમાં તેની ભારે ચર્ચા શરૂ થઈ છે.
નાસીરનગર ડિમોલિશન કેસ
છેલ્લા કેટલાક દિવસોથી વિવાદનું કેન્દ્ર બનેલું નાસીરનગર ડિમોલિશન પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે. ડિમોલિશનની કાર્યવાહી અને તેમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટનું વલણ કડક રહ્યું હતું. ડિમોલિશન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા અંગે પણ કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પાલિકાની કામગીરી અને જવાબદારી અંગેના સવાલ વધુ ઘેરા બન્યા હતા.
નાસીરનગરમાં ડિમોલિશન થયા બાદ શરૂઆતમાં પાલિકા દ્વારા આ કાર્યવાહી પાલિકાએ કરી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પાલિકા કમિશનર એમ. નાગરાજને ડિમોલિશન પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું. શરૂઆત રજૂઆત અને બાદમાં કરવામાં આવેલા સ્વીકાર વચ્ચેના વિરોધાભાસ ને કારણે પાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
બે કાર્યપાલક ઇજનેર સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા
આ પ્રકરણમાં બે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જયાંગ રામજીવાલા સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ડિમોલિશનની કાર્યવાહી પાલિકા કમિશનરની સૂચનાથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ રજૂઆત બાદ પ્રકરણ વધુ ગૂંચવાયું હતું અને ડિમોલિશનની જવાબદારી તેમજ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે ચર્ચા તેજ બની હતી.
નાસીરનગરના અસરગ્રસ્તો દ્વારા હાઈકોર્ટમાં અનેક પિટિશન કરવામાં આવી છે. સાથે જ સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિની પિટિશન પણ કોર્ટ સમક્ષ ચાલી રહી છે. સુનાવણી દરમિયાન પાલિકાની કામગીરી અને કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અંગે પણ સવાલ ઉભા થયા હતા. કોર્ટના નિર્દેશ બાદ જ રાજ્ય સરકાર દ્વારા કમિશનરની બદલીનો આદેશ કરવામાં આવતા આ નિર્ણયને નાસીરનગર પ્રકરણના ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારે(11 ઓગસ્ટ) મોડી રાત્રે કરાયેલા આદેશ મુજબ નાગરાજન એમ., આઈએએસની સુરત પાલિકા કમિશનર તરીકેની બદલી કરી તેમને સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રણજીતકુમાર જે., આઈએએસ ના સ્થાને આ જવાબદારી સંભાળશે. બીજી તરફ સુરત કલેક્ટર તેજસ પરમારને પાલિકા કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
જોકે, રાજ્ય સરકારના સત્તાવાર આદેશમાં નાગરાજનની બદલ નું કારણ નાસીરનગર ડિમોલિશન પ્રકરણ હોવાનું દર્શાવવામાં આવ્યું નથી. તેમ છતાં હાઇકોર્ટની કાર્યવાહી, કોર્ટના નિર્દેશ અને ત્યારબાદ મોડી રાત્રે થયેલી કમિશનરની બદલીના સમયક્રમને કારણે આ નિર્ણયે સુરતના વહીવટી વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક ઊભા કર્યા છે. નાસીરનગર પ્રકરણ પહેલેથી જ પાલિકા તંત્ર માટે ગંભીર ચર્ચાનો વિષય બન્યું હતું ત્યારે કમિશનરની બદલી થી સમગ્ર મામલાને વધુ એક મહત્ત્વપૂર્ણ વળાંક મળ્યો છે.




