Surat

સુરત: નવી કેન્ટીન પોલીસના કબજામાં, જૂની કેન્ટીન ફરી ધમધમશે

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
સુરતના સરથાણા નેચરપાર્કમાં નવી કેન્ટીન પોલીસને ફાળવાતા દોઢ વર્ષથી મુલાકાતીઓને ખાણીપીણીની સુવિધા મળતી ન હતી. બે વાર ટેન્ડર નિષ્ફળ રહ્યા બાદ ત્રીજી વાર એજન્સી નક્કી થઈ પણ જગ્યા પોલીસને મળતા ટેન્ડર રદ્દ થયું. હવે દિવાળી વેકેશનમાં ભીડને ધ્યાને લઈ પાલિકાએ મગરના પાંજરા પાસેની જૂની કેન્ટીન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: નવી કેન્ટીન પોલીસના કબજામાં, જૂની કેન્ટીન ફરી ધમધમશે

Surat: સુરત પાલિકાના સરથાણા સરથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓ માટે બનાવાયેલી નવી કેન્ટીન શરૂ થાય તે પહેલાં જ પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે ફાળવી દેવાતાં છેલ્લા દોઢ વર્ષથી ખાણીપીણીની સુવિધા બંધ છે. બે વખત ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ ત્રીજી વખત એજન્સી નક્કી થઈ હતી, પરંતુ જગ્યા પોલીસને ફાળવાતાં ટેન્ડર દફતરે કરવાની ફરજ પડી હતી. હવે દિવાળી વેકેશનમાં મુલાકાતીઓની ભીડને ધ્યાનમાં રાખીને પાલિકાએ મગરના પાંજરા પાસે આવેલી જૂની કેન્ટીન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે વેકેશન અને રજાઓમાં હોટ ડેસ્ટિનેશન પાલિકાનો સરથાણા નેચર પાર્ક બની જાય છે જોકે, છેલ્લા દોઢ વર્ષથી આ નેચર પાર્ક માં ખાણી પીણી માટે કેન્ટીન બંધ હાલતમાં હોવાથી મુલાકાતીઓને મુશ્કેલી નડતી હતી જે હવે દુર થવા જઈ રહી છે. રથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓની સુવિધા માટે મુખ્ય પ્રવેશદ્વાર પાસે આધુનિક કેન્ટીન બનાવવામાં આવી હતી. જોકે, આ કેન્ટીન શરૂ કરવા માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ એજન્સીઓ લાયક ઠરી ન હોવાથી પ્રક્રિયા આગળ વધી શકી નહોતી. ત્રીજા પ્રયાસમાં એજન્સી લાયક ઠરતાં કેન્ટીન શરૂ થવાની આશા જાગી હતી. પરંતુ આ દરમિયાન મુખ્ય ગેટ પાસેની આ જગ્યા સરથાણા પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે ફાળવી દેવામાં આવતાં ટેન્ડર પ્રક્રિયા દફતરે કરવાની ફરજ પડી હતી. પરિણામે છેલ્લા દોઢ વર્ષથી નેચરપાર્કમાં મુલાકાતીઓ માટે ખાણીપીણીની કોઈ વ્યવસ્થા રહી નથી.દિવાળી વેકેશન દરમિયાન નેચરપાર્કમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટવાની શક્યતા હોવાથી પાલિકાએ હવે જૂની કેન્ટીન શરૂ કરવા ઉતાવળે કાર્યવાહી કરી છે. મગરના પાંજરા પાસે આવેલી જૂની કેન્ટીનના સંચાલન માટે ભાવપત્રકો મંગાવવામાં આવ્યાં હતાં. તેમાં ઈસ્ટ ઈન્ડિયા કોર્પોરેશનનું માસિક 3.55 લાખ રૂપિયાનું ભાવપત્રક મંજૂર કરાયું છે.નવા ઇજારામાં એવી શરત પણ રાખવામાં આવી છે કે, મુખ્ય ગેટ પાસેના ફૂડ પ્લાઝાનો કબજો સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા પાલિકાને પરત સોંપવામાં ન આવે ત્યાં સુધી એજન્સી મગરના પાંજરા પાસે આવેલી જૂની કેન્ટીનનું સંચાલન કરશે. આમ, નવી કેન્ટીનનો કબજો પરત ન મળે ત્યાં સુધી જૂની કેન્ટીનના સહારે મુલાકાતીઓને ખાણીપીણીની સુવિધા પૂરી પાડવાનું આયોજન કરાયું છે.