Surat

સુરત પાલિકાનો ભજીયા વિવાદ: પ્રજાના પૈસે ₹1 લાખના ભજીયા ખાધા બાદ મેયરે કહ્યું-'સસ્તું નહીં, સારું ખવડાવ્યું'

By GS Team
30 Oct 20263 mins read
TukuTouch Logo
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 લાખ રૂપિયાના ભજીયાનો વિવાદ વકર્યો છે. સામાન્ય સભામાં 750 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 131 કિલો ભજીયા મંગાવાયા હતા, જેનાથી પાલિકાને 98,250 રૂપિયાનો ખર્ચ થયો. મેયર માયા માવાણીએ 'સસ્તું નહીં, સારું ખવડાવ્યું' કહીને આ ખર્ચનો બચાવ કર્યો, અને ભજીયા ગુણવત્તાવાળા હોવાનો દાવો કર્યો. પ્રજાના પૈસે મોંઘી મિજબાની સામે અનેક સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાનો ભજીયા વિવાદ: પ્રજાના પૈસે ₹1 લાખના ભજીયા ખાધા બાદ મેયરે કહ્યું-'સસ્તું નહીં, સારું ખવડાવ્યું'

SMC 1 Lakh Bhajiya Controversy: સુરત પાલિકાની તિજોરીમાંથી પ્રજાના પૈસા ખર્ચવામાં શાસકોને કરકસર કરતાં મિજબાનીમાં વધુ રસ હોય તેવું 750 રૂપિયા કિલોના ભજીયાના વિવાદમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય સભામાં ભજીયા પાછળ આશરે 1 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા બાદ પણ મેયર માયા માવાણીને આ ખર્ચમાં કશું ખોટું દેખાતું નથી. ઊલટાનું સસ્તું નહીં, સારું અને ગુણવત્તાવાળું ખવડાવ્યું હોવાનો તર્ક રજૂ કરીને મેયરે મોંઘા ભજીયાના ખર્ચને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. સુરતના બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા મળતા હોવા છતાં જાણે 750 રૂપિયાના ભજીયામાં જ ગુણવત્તા સમાયેલી હોય તેમ મેયર તેનો બચાવ કરી રહ્યાં છે. મેયરે પોતે પણ ભજીયા ખાધા હોવાથી તેની ગુણવત્તા સારી હોવાની ખાતરી આપી છે. મેયરના બચાવ પરથી તો જાણે પાલિકાની તિજોરીમાં પ્રજાના પરસેવાના નહીં, મિજબાની માટેના પૈસા પડ્યા હોય તેવી છાપ ઊભી થઈ રહી છે.

પ્રજાના પૈસે મોંઘા ભજીયા ખાધા બાદ મેયરે કહ્યું-'સસ્તું નહીં, સારું ખવડાવ્યું'

પ્રજાના પૈસે મોંઘા ભજીયા ખવડાવવાના વિવાદમાં મેયર પાસે કરકસરનો જવાબ નહીં, પરંતુ ભજીયાની ગુણવત્તાના વખાણ વધુ જોવા મળ્યા છે. દિવાળી પહેલાં 'ચંદની પડવા'ના દિવસે યોજાયેલી સામાન્ય સભામાં ઘારી સાથે ભજીયાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો. તેમાં 131 કિલો ભજીયા 750 રૂપિયા કિલોના ભાવે મંગાવાતા માત્ર ભજીયા પાછળ જ 98,250 રૂપિયા ખર્ચાયા હતા. આટલો મોટો ખર્ચ સામે આવતાં વિવાદ સર્જાયો હતો. જો કે, મેયર માયા માવાણીએ ખર્ચ ઘટાડવાની વાત કરવાને બદલે ભજીયા ઓઇલ ફ્રી અને ગુણવત્તાવાળા હોવાનો બચાવ કર્યો હતો.

મેયરે 50 રૂપિયા બચાવ્યાનો તર્ક રજૂ કર્યો

મેયરના કહેવા મુજબ, ભજીયાનો ભાવ 800 રૂપિયા કિલો હતો, પરંતુ પાલિકાને 50 રૂપિયા ઓછા ભાવે મળ્યા હતા. આમ, બજારમાં મળતાં ભજીયા કરતાં વધુ ભાવ ચૂકવ્યા છતાં મેયરે 50 રૂપિયા બચાવ્યાનો તર્ક રજૂ કર્યો હતો. મેયરે એવો પણ દાવો કર્યો હતો કે, 350થી 400 લોકોએ વ્યવસ્થિત રીતે નાસ્તો કર્યો હતો. સસ્તું ખવડાવવાના નામે ગુણવત્તા સાથે સમાધાન કરવું યોગ્ય નથી અને લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને સારો નાસ્તો ખવડાવવાનો અમારો ભાવ હતો. જો કે, મેયરના આ ખુલાસામાં પ્રજાના પૈસાની બચત કરતાં મોંઘા ભજીયાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ વધુ દેખાય છે.

પાલિકાની તિજોરીમાંથી લાખોનો ખર્ચ

પાલિકાની તિજોરીમાંથી ખર્ચ થતો હોય ત્યારે સારો નાસ્તો યોગ્ય ભાવે મળે તે જોવાની જવાબદારી પણ શાસકોની જ છે. આ ઉપરાંત મેયરે નાસ્તો કરનારા લોકો અંગે પણ નવો દાવો કર્યો હતો. સામાન્ય સભામાં કોર્પોરેટરો, મીડિયા અને સભાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે નાસ્તાની વ્યવસ્થા હોય છે. પરંતુ મેયરે તો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકો અને મુલાકાતીઓને પણ નાસ્તો કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ દાવાને કારણે નાસ્તો કરનારા લોકોની સંખ્યા અંગે પણ સવાલ ઊભા થયા છે.

મેયરના કહેવા મુજબ, 400 લોકોએ નાસ્તો કર્યો હોય તો માત્ર ભજીયા પાછળ જ વ્યક્તિદીઠ આશરે 246 રૂપિયા ખર્ચાયા હતા. તેમાં ઘારીનો ખર્ચ અલગ છે. સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાની ચર્ચા થવી જોઈએ, પરંતુ અહીં પ્રજાના પૈસે મોંઘા ભજીયા ખવડાવ્યા બાદ તેને યોગ્ય સાબિત કરવા મેયરે ખુલાસા કરવા પડી રહ્યા છે.