Surat

સુરત: વોકેશનલ સેન્ટરની મુલાકાતે શિક્ષણ વિભાગ અને સ્પેશિયલ એજ્યુકેટર્સની ટીમ

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં સ્પંદન ચેરીટેબલ ટ્રસ્ટ મનોદિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. ગોપીપુરા સ્થિત વોકેશનલ સેન્ટરમાં તેમને પેપરબેગ, નેઇલ આર્ટ, મોબાઈલ સ્ટેન્ડ જેવી વસ્તુઓ બનાવવાની તાલીમ અપાય છે. શિક્ષણ વિભાગ અને સ્પેશિયલ એજ્યુકેટર્સની ટીમે મુલાકાત લઈ બાળકોની સર્જનાત્મકતા નિહાળી હતી. આ પ્રયાસોથી દિવ્યાંગ બાળકોમાં કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે, જેથી તેઓ સન્માનભેર જીવન જીવી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: વોકેશનલ સેન્ટરની મુલાકાતે શિક્ષણ વિભાગ અને સ્પેશિયલ એજ્યુકેટર્સની ટીમ

Surat: સુરતમાં મનો દિવ્યાંગ બાળકો અને યુવાનો ની ક્ષમતા ને ઓળખી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક સંસ્થાના વોકેશનલ સેન્ટર દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોને તેમની રુચિ અને ક્ષમતા મુજબ વિવિધ હેન્ડમેડ તથા વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ ની તાલીમ આપી તેમના હાથમાં હુન્નર અને જીવનમાં આત્મવિશ્વાસ આવે તે વા પ્રયાસો થઈ રહ્યા છે. પેપર બેગ, નેઇલ આર્ટ, લાકડાના મોબાઈલ સ્ટેન્ડ, જ્વેલરી, દીવા સહિતની અનેક વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી રહેલા બાળકોની સર્જનાત્મકતા અને કૌશલ્યનું શિક્ષણ વિભાગ તથા સ્પેશિયલ એજ્યુકેટર્સની ટીમે વોકેશનલ સેન્ટર ની મુલાકાત દરમિયાન નિરીક્ષણ કર્યું હતું.

મનો દિવ્યાંગ બાળકો અને યુવાનોને સમાજમાં સન્માનપૂર્વક અને આત્મનિર્ભર જીવન જીવવાની તક મળે તે માટે સુરતમાં સ્પંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કૌશલ્ય લક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. શિક્ષણની સાથે તેમના હાથમાં હુન્નર આવે અને પોતાની ક્ષમતા પર વિશ્વાસ વધે તેવા હેતુથી વોકેશનલ સેન્ટર માં અનેક સર્જનાત્મક તથા વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. મનોદિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા દ્વારા તેમની રુચિ અને ક્ષમતા મુજબ તાલીમ આપવામાં આવતા બાળકોમાં ધીમે ધીમે આત્મવિશ્વાસ વધી રહ્યો છે. પેપરબેગ, નેઇલ આર્ટ, લાકડામાંથી મોબાઈલ સ્ટેન્ડ, મોતીની માળા, જ્વેલરી બોક્સ, દીવા સહિતની વસ્તુઓ જાતે બનાવતા બાળકો પોતાની ક્ષમતાને ઓળખી રહ્યા છે. આ તાલીમ માત્ર સર્જનાત્મક પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત ન રહેતા ભવિષ્યમાં સ્વરોજગારની દિશામાં આગળ વધવા માટે પણ ઉપયોગી બની રહી છે.આ કામગીરીને સમજવા માટે તા. 11 સપ્ટેમ્બરે સમગ્ર શિક્ષા તથા સુરત પાલિકાના આઈ.ઈ.ડી. કોઓર્ડિનેટર દીપ્તિ ચાસિયા અને સ્પેશિયલ એજ્યુકેટર્સની ટીમે ગોપીપુરા સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.પી. ગજ્જર સ્પેશિયલ સ્કૂલ અને સ્પંદન વોકેશનલ સેન્ટર શૈક્ષણિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ચાલી રહેલી કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓ અને સમાવેશી શિક્ષણ અંતર્ગત થતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આચાર્ય તૃપ્તિબેન દ્વારા શાળાના ઇતિહાસ, મનો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસો અને શાળાની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભાવેશભાઈ બોરીચાએ સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ બાળકો માટે ચાલતી વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. દીપીનભાઈ ચારિયાએ સમાવેશી શિક્ષણના મહત્વ અને તેના અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સ્પેશિયલ એજ્યુકેટર કુંદનભાઈ ચૌહાણે બાળકોને આપવામાં આવતી કૌશલ્ય વિકાસ તાલીમનું નિદર્શન કર્યું હતું. મુલાકાત દરમિયાન બાળકોએ પેપરબેગ બનાવવાની, નેઇલ આર્ટ કરવાની અને લાકડામાંથી મોબાઈલ સ્ટેન્ડ બનાવવાની પ્રવૃત્તિનું નિદર્શન કર્યું હતું.

બાળકોની સર્જનાત્મકતા અને કૌશલ્ય નિહાળી ટીમ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન, મહેંદી, નેઇલ આર્ટ, મોતીની માળા, જ્વેલરી બોક્સ, પેપર બેગ, દીવા, ગોબર માંથી વિવિધ વસ્તુઓ તથા ચકલી બનાવવાની સહિતની અનેક પ્રવૃત્તિઓ ની તાલીમ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકો અને યુવાનોને સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા વાહનની સુવિધા પણ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ બાળકો તાલીમ મેળવી પોતાની ક્ષમતા વિકસાવી શકે. આ તાલીમ નો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકો અને યુવાનોમાં કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સ્વરોજગારની ક્ષમતા વિકસાવવાનો છે. અંતે સ્પંદન પરિવાર દ્વારા મુલાકાતે આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ વિશેષ બાળકોના હિતમાં પરસ્પર સહયોગથી કામગીરી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.