Surat

સુરત: અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો, પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ પાલિકાના આરોગ્ય વિભાગે પાંડેસરા-ગુલશન નગર વિસ્તારમાં મેગા ચેકિંગ કર્યું. ફૂડ રેડ દરમિયાન ગંદકી, સડેલા બટાકા-ટામેટા અને ચામડીના રોગથી પીડિત કર્મચારી દ્વારા રસોઈ બનાવાતી હોવાનું જણાયું. પાલિકાએ કુલ 30 હજારનો દંડ ફટકારી, ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી એકમો બંધ રાખવા સૂચના આપી. સ્વચ્છતા અને કર્મચારીના આરોગ્ય પર ગંભીર સવાલો ઉભા થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો, પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

Surat: સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનાઓ બાદ પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય એકમો સામે મેગા ચેકિંગ શરૂ કર્યું છે, ત્યારે પાંડેસરા-ગુલશન નગર વિસ્તારમાં હાથ ધરાયેલી ફૂડ રેડ દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને સડેલા બટાકા-ટામેટા મળી આવવાની સાથે એકમમાં બીમાર કર્મચારી દ્વારા રસોઈ બનાવાતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અસ્વચ્છ ફ્રિજ સહિતની ગંભીર ખામીઓ મળી આવતા પાલિકાએ સંબંધિત એકમોને કુલ 30 હજારનો દંડ ફટકાર્યો હતો અને તમામ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી એકમો બંધ રાખવાની કડક સૂચના આપી હતી.

પાંડેસરા વિસ્તારમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમને વધુ ચોંકાવનારી બેદરકારી જોવા મળી હતી. એક દુકાનમાં ચામડીના રોગથી પીડિત વ્યક્તિ સીધો ખાદ્યપદાર્થ બનાવવાની કામગીરી કરતો ઝડપાયો હતો. ખાદ્યપદાર્થ બનાવતી વ્યક્તિની સ્વચ્છતા અને આરોગ્ય અંગે ગંભીર બેદરકારી સામે આવતાં અધિકારીઓએ તાત્કાલિક તેને આ કામગીરીથી દૂર રહેવા આદેશ કર્યો હતો.

વેપારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સંબંધિત કર્મચારી ડોક્ટર પાસે સારવાર કરાવે અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ ન કરે ત્યાં સુધી તેને ખાદ્યપદાર્થ બનાવવાની કામગીરીમાં ન રાખવામાં આવે. આ ઘટનાએ ખાણી-પીણીના એકમોમાં માત્ર વપરાતા કાચા માલની ગુણવત્તા જ નહીં, પરંતુ રસોઈ બનાવતા કર્મચારીઓના આરોગ્ય અને સ્વચ્છતા અંગે પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે.

આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કે પાંડેસરા અને ગુલશનનગર ચાર રસ્તા આસપાસ હાલમાં વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. ચેકિંગ દરમિયાન જ્યાં પણ ખામીઓ મળી રહી છે ત્યાં અખાદ્ય પદાર્થોનો નાશ કરાવી વહીવટી ખર્ચ વસૂલવામાં આવી રહ્યો છે. ચામડીના રોગથી પીડિત વ્યક્તિને સારવાર લઈ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ ન કરે ત્યાં સુધી કામથી દૂર રાખવામાં આવ્યો છે. વેપારીઓ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરે અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સરપ્રાઈઝ ચેકિંગ અને રેડની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

અખાદ્ય પદાર્થોથી લઈને બીમાર કર્મચારી સુધીની બેદરકારી સામે આવતા પાલિકાની ફૂડ રેડે શહેરના ખાણી-પીણીના એકમોમાં ચાલતી સ્વચ્છતા વ્યવસ્થાની પોલ ખોલી છે. હવે માત્ર સડેલા શાકભાજીનો નાશ અને દંડ પૂરતો નહીં, પરંતુ ખાદ્યપદાર્થ બનાવતા કર્મચારીઓના આરોગ્યની પણ નિયમિત તપાસ થાય તે જરૂરી બની છે.

શહેરમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી મેગા ચેકિંગ ઝુંબેશ દરમિયાન પાંડેસરા અને ગુલશનનગર વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ હાથ ધરતાં ખાણી-પીણીના એકમોમાંથી સ્વચ્છતાની ગંભીર બેદરકારી સામે આવી છે.