Surat

સુરત: ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર 3 આરોપીઓ ઝડપાયા

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ઉદયપુરથી આવતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. ઉત્તરાણ અને સુરત વચ્ચે અસામાજિક તત્ત્વોએ ટ્રેનને નિશાન બનાવી પથ્થરમારો કરતા બારીના કાચ તૂટ્યા હતા. સદનસીબે કોઈ મુસાફરને ઈજા ન પહોંચી. રેલવે પોલીસે CCTV ફૂટેજ આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ 'મજા' માટે કૃત્ય કર્યાનું કબૂલ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર 3 આરોપીઓ ઝડપાયા

Surat News: રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર તોફાની તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યાની ઘટના સામે આવી હતી. ચાલતી ટ્રેન પર થયેલા આ પથ્થરમારાને કારણે ટ્રેનની બારીઓના કાચ તૂટી ગયા હતા, જેનાથી મુસાફરોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો. આ મામલે રેલવે પોલીસે સઘન તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઉત્તરાણ અને સુરત વચ્ચે ટ્રેન પર પથ્થરમારો કરાયો

મળતી માહિતી અનુસાર, 19મી ઑક્ટોબરના રોજ રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી 26904 નંબરની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સુરત તરફ આવી રહી હતી. આ ટ્રેન જ્યારે ઉત્તરાણ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, આ દરમિયાન અસામાજિક તત્ત્વોએ ટ્રેનને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કોચ નંબર C-6 ની સીટ નંબર 40, 41, 42 તેમજ 60, 61, 62 પાસે આવેલી બારીઓના કાચ તૂટી ગયા હતા. સદનસીબે આ અચાનક થયેલા હુમલામાં ટ્રેનમાં બેઠેલા કોઈ પણ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા પહોંચી ન હતી, પરંતુ મુસાફરોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ દ્વારા સુરત RPF પોસ્ટને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

માત્ર 'મજા' માટે કૃત્ય કર્યું હોવાનો ખુલાસો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વે અને રૂટના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરીને આખરે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, તેઓએ માત્ર 'મજા' લેવા માટે જ આ રીતે ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.