Surat

ભાજપના આંતરિક ખટરાગમાં સુમુલ ડેરીમાં ઉથલપાથલ : એમડીનું એકાએક રાજીનામું

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
ભાજપના આંતરિક ખટરાગ વચ્ચે સુમુલ ડેરીના MD અરુણ પુરોહિતે નિવૃત્તિના 11 મહિના પહેલા રાજીનામું આપ્યું છે. આજે મળેલી બોર્ડ બેઠકમાં રાજીનામું મંજૂર કરાયું હતું. તેઓ 30 નવેમ્બર સુધી ફરજ બજાવશે. ત્યારબાદ ડૉ. પી.આર. પાંડેને ઇન્ચાર્જ MDનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ ઘટનાથી સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના આંતરિક ખટરાગમાં સુમુલ ડેરીમાં ઉથલપાથલ : એમડીનું એકાએક રાજીનામું

Sumul Dairy MD Arun Purohit Resigns 11 Months Before Retirement Amid BJP Infighting | સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ ભાજપના આંતરિક ખટરાગમાં બદલાયેલા રાજકીય સમીકરણો અને ડિરેક્ટરો વચ્ચે જૂથવાદમાં ખેંચતાણની સીધી અસર હવે ડેરીના વહીવટી માળખા પર જોવા મળી છે. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે પોતાની નિવૃત્તિને હજુ 11 મહિના જેટલો સમય બાકી હોવા છતાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. બે મહિના અગાઉ આપેલા રાજીનામાને આજે મળેલી બોર્ડ બેઠકમાં સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી હતી.

અગાઉ હટાવાયેલા ડૉ.પી.આર.પાંડેને ઈન્ચાર્જ એમ.ડી.નો ચાર્જ
એમ.ડી અરુણ પુરોહિતે કયા કારણોસર સમય પહેલા રાજીનામું આપ્યું તે અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આજે સોમવારે મળેલી નિયામક મંડળની બેઠકમાં એમ.ડી અરુણ પુરોહિતે આપેલું રાજીનામું મંજૂર કરતાં તેઓ આગામી તા. 30 નવેમ્બર સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવશે. ત્યારબાદ બારડોલી નાગરિક સહકારી બેંકના એમ.ડી ડૉ.પી.આર.પાંડેને ઈન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આ સાથે જ તેમને ઈન્ચાર્જ એમ.ડીનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ડૉ.પી.આર.પાંડે અગાઉ પણ સુમુલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ડેરીના વહીવટનો બહોળો અનુભવ ધરાવતા હોય ફરીથી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ડિરેક્ટરો વચ્ચેની આંતરિક ખેંચતાણ અને એમ.ડીના રાજીનામા બાદ હવે સુમુલ ડેરીનું આગામી વહીવટી અને રાજકીય સમીકરણ કેવું રહેશે તેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે.

સુમુલ ડેરીમાં શું છે આંતરિક ખટરાગ
સુમુલ ડેરીમાં છેલ્લા દાયકાથી ભાજપના બે જૂથ માજી પ્રમુખ માનસિંહ પટેલ અને માજી ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે રાજકીય ખટરાગ ચાલતો હતો. ગત ચૂંટણીમાં ભાજપે માનસિંહ પટેલને મેન્ડેડ ન આપતા એમના જૂથના મનાતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રાજુ પાઠક વચ્ચે રાજકીય ખટરાગ આગળ વધતાં પ્રમુખ પદની ચૂંટણી પણ ભાજપ મોવડી મંડળે બે વખત મોકૂફ રખાવી હતી. બાદમાં પ્રમુખ પદે ગુજરાત સરકારના માજી મંત્રી કાંતિ ગામીત અને ઉપપ્રમુખ પદે સિનિયર ડિરેક્ટર ભરતસિંહ સોલંકીની નિમણૂક કરી હતી. બંનેએ શાસન સંભાળ્યા બાદ પણ બંને જૂથ વચ્ચે ખટરાગ અને રાજકીય અણબનાવ બંધ ન થતાં છેવટે વહીવટી ફેરફારના ભાગરૂપે એમ.ડી અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોય તેમ જણાય છે.