સુરતના લિંબાયતમાં ગટર સમસ્યાથી સ્થાનિકોનું જીવવું મુશ્કેલ : તપેલા ડાઈંગમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની સ્થાનિકોની આશંકા, કોર્પોરેટરો સામે પણ નારાજગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : લિંબાયતના મહાપ્રભુ નગરમાં છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ સવારે ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલી વધારી છે. સવારે સાતથી દસ વાગ્યા સુધી રસ્તા પર ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનો ભરાવો થતો હોવાની ફરિયાદ છે. શાળાએ જતાં બાળકો, રાહદારીઓ અને મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતાં પાલિકાના તંત્રની સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે પણ રહેવાસીઓમાં રોષ ફેલાયો છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુ નગરમાં છેલ્લા ત્રણ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિકોના દૈનિક જીવનને મુશ્કેલ બનાવી દીધું છે. દરરોજ સવારે ગંદા અને દુર્ગંધ યુક્ત પાણીનો રસ્તા પર ભરાવો થતો હોવા છતાં કાયમી નિરાકરણ નહીં આવતાં રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પાલિકાના સંબંધિત તંત્રથી માંડીને સ્થાનિક કોર્પોરેટરો સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યા યથાવત્ રહેતાં હવે જવાબદારોની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહાપ્રભુ નગર વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી દરરોજ સવારે સાતથી દસ વાગ્યા સુધી રસ્તાની વચ્ચોવચ્ચ આવેલી ડ્રેનેજ લાઇન ઉભરાય છે. પરિણામે રસ્તા પર ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનો ભરાવો થાય છે. આ સમસ્યાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સવારે શાળાએ જતાં બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી તેમની હાલત કફોડી બની રહી છે. વિસ્તારમાં આવેલા મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. નજીકમાં મદરેસા આવેલું હોવાથી ત્યાં અભ્યાસ માટે જતાં બાળકોને પણ રોજિંદી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરનું પાણી રસ્તા પર ફેલાતાં દુર્ગંધ અને અસ્વચ્છતાની સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકોમાં આરોગ્યને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. મહાપ્રભુ નગરની આસપાસ આવેલા તપેલા ડાઈંગ માંથી દરરોજ સવારે ડ્રેનેજ લાઇનમાં ગંદું અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાને કારણે ગટર ઉભરાતી હોવાની આશંકા સ્થાનિક ફરિયાદ કરી રહ્યાં છે. ઔદ્યોગિક એકમોમાંથી નિયમ વિરુદ્ધ પાણી છોડવામાં આવતું હોય તો તેની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઊઠી રહી છે.




