ચૌટા બજારમાં દબાણખોરો બેફામ, પાલિકા-પોલીસ તંત્ર લાચાર : પોલીસની PCR વાન પણ દબાણમાં ફસાઈ, દબાણ કરનારા બિંદાસ્ત બન્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સેન્ટ્રલ ઝોનનું ચૌટા બજાર ગેરકાયદે દબાણ માટે કુખ્યાત બન્યું હોવા છતાં પાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. થોડા દિવસ પહેલાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પુર્ણેશ મોદી અને પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પા મહેતાની સાયરનવાળી ગાડી પણ ચૌટા બજારના દબાણમાં ફસાઈ ગઈ હતી. તેમ છતાં દબાણ સામે કોઈ અસરકારક અને કાયમી કાર્યવાહી ન થતાં હવે પોલીસની પીસીઆર વાન પણ દબાણમાં ફસાઈ જતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ચૌટા બજારમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દબાણ કરનારા હવે પોલીસની ગાડી સામે પણ બિન્દાસ્ત જોવા મળી રહ્યા છે. અગાઉ પોલીસની ગાડી કે ટીમ દેખાતાં દબાણ કરનારા દોડતા-ભાગતા હતા, જ્યારે આજે પીસીઆર વાનને પસાર થવા માટે પૂરતી સાઈડ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ગેરકાયદે રીતે સામાન ખડકી દેવામાં આવતો હોવાથી વાહનચાલકો ઉપરાંત સ્થાનિક રહીશોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચૌટા બજાર અને આસપાસના વિસ્તારમાં દબાણના કારણે સ્થાનિકોને પોતાના ઘેર પહોંચવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. બહારના વિસ્તારોમાંથી લોકો આવીને અહીં દબાણ કરતા હોવાની ફરિયાદો વચ્ચે પાલિકા અને પોલીસ દ્વારા દબાણ કરનારા સામે નિયમિત અને કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે સવાલ ચર્ચામાં આવ્યો છે.
દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે ત્યારે થોડા સમય માટે રસ્તો ખુલ્લો થાય છે, પરંતુ ગણતરીના સમયમાં ફરી દબાણ ઉભું થઈ જાય છે. જેના કારણે પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર દેખાડા પૂરતી રહેતી હોવાની ચર્ચા પણ ઉઠી રહી છે. પદાધિકારીઓની ગાડી દબાણમાં ફસાયા બાદ પણ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન આવ્યો અને હવે પોલીસની પીસીઆર વાન પણ દબાણમાં ફસાઈ જતાં ચૌટા બજારના દબાણનો પ્રશ્ન કેટલો ગંભીર છે તે સ્પષ્ટ થયું છે.
ચૌટા બજારમાં દબાણનો ખેલ, હપ્તાના આક્ષેપોથી પાલિકા-પોલીસ ઘેરાઈ
ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો કાયમી ધોરણે દૂર ન થવા પાછળ પાલિકા અને પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા દબાણકારો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપો લાંબા સમયથી ચર્ચામાં છે. બીજી તરફ દબાણ કરનારાઓને કેટલાક માથાભારે તત્વોનું નાણાકીય બેકઅપ મળતું હોવાની પણ ચર્ચા છે. જેના કારણે વારંવારની કાર્યવાહી છતાં દબાણ ફરી યથાવત્ થઈ જતું હોવાની ફરિયાદો છે. દબાણકારો પાસેથી પાલિકા અને પોલીસના કેટલાક કર્મચારીઓ હપ્તા ઉઘરાવતા હોવાના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પદાધિકારીઓની ગાડી બાદ હવે પોલીસની પીસીઆર વાન પણ દબાણમાં ફસાઈ જવાની ઘટના તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરે છે. ચૌટા બજારમાં દબાણ કાયમી ધોરણે કેમ દૂર થતું નથી અને દબાણકારોને કોનો આશરો છે તે અંગે પાલિકા અને પોલીસ તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
દુકાનમાં કામ કરતા કર્મચારીઓની પોલીસ માહિતી માંગે પણ દબાણ કરનારાઓની નહીં
ચૌટા બજારમાં દબાણ કરનારાઓ શહેરના અન્ય વિસ્તાર ઉપરાંત ભરૂચ, જંબુસર તથા અન્ય વિસ્તારમાંથી આવી રહ્યા છે. જે લોકોની કાયદેસરની દુકાન છે તે લોકોને ત્યાં કામ કરતા લોકોની માહિતી પોલીસ માંગે છે પરંતુ ગેરકાયદે દબાણ કરનારાઓની કોઈ માહિતી નથી. આ દબાણ કરનારાઓને કેટલાક માથાભારે તત્વો ફાઈનાન્સ કરવા ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ હેરાન નહી કરે તેની પણ જવાબદારી લેતાં હોય છે. તેના કારણે દબાણ કરનારાઓ કોઈને પણ ગાંઠતા નથી અને બેફામ બનીને દબાણ કરી રહ્યાં છે. આ દબાણ કરનારાઓ પાસે પાલિકા અને પોલીસના કેટલાક કર્મચારીઓ હપ્તા ઉઘરાવતા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે.




