Surat

સુરતમાં પૂરથી વારંવાર જળબંબાકાર સર્જાતા વોર્ડ નં.18ના કોર્પોરેટરોની કમિશનર સમક્ષ રજૂઆત

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતમાં મીઠી ખાડીનું પૂર કાયમી સમસ્યા બનતા, વોર્ડ નં. 18ના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન સમક્ષ રજૂઆત કરી છે. તેમણે આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગરોડ સુધી 3 કિલોમીટરના પટ્ટામાં કન્ફાઈનિંગ વોલ, પમ્પિંગ સ્ટેશન અને માસ્ટર પ્લાન બનાવવા માંગ કરી. સણિયા હેમાદ, સારોલી, કુંભારિયા જેવા નીચાણવાળા વિસ્તારોને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પૂરથી વારંવાર જળબંબાકાર સર્જાતા વોર્ડ નં.18ના કોર્પોરેટરોની કમિશનર સમક્ષ રજૂઆત

Surat Flood : સુરતમાં મીઠી ખાડીનું પૂર હવે દર ચોમાસે સર્જાતી સામાન્ય સમસ્યા નહીં, પરંતુ સુરતના અનેક વિસ્તારો માટે કાયમી આફત બની ગયું છે. ભારે વરસાદ પડતાં જ ખાડીના વધતા જળસ્તર સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને રહેણાંક વિસ્તારો ઉપરાંત વેપારી તથા ઔદ્યોગિક એકમોને પણ ભારે નુકસાન વેઠવું પડે છે. જુલાઈમાં જ ત્રણ વખત ખાડી પૂરનો સામનો કર્યા બાદ હવે આ સમસ્યાના કામચલાઉ નહીં પરંતુ કાયમી ઉકેલની માગ ઉઠી છે. આ સ્થિતિ વચ્ચે વોર્ડ નં. 18ના ચારેય કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન સમક્ષ મીઠી ખાડી માટે અલગ-અલગ કામોના બદલે સમગ્ર ખાડી વિસ્તારને આવરી લેતો સંકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવાની રજૂઆત કરી છે.
મીઠી ખાડી પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત-બારડોલી રોડ, સણિયા હેમાદ, સારોલી, કુંભારિયા, પરવટ ગામ, માધવબાગ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સમાવેશ થાય છે. ભારે વરસાદ દરમિયાન ખાડીનું જળ સ્તર વધતા આ વિસ્તારમાં રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમોમાં પાણી ઘૂસી જાય છે. અનેક વખત ત્રણથી પાંચ દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા લોકોની દૈનિક જિંદગી ખોરવાઈ જાય છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે.
કોર્પોરેટરોની રજૂઆતમાં સૌથી મહત્ત્વનો મુદ્દો આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગરોડ સુધીના અંદાજે ત્રણ કિલોમીટરના પટ્ટામાં કન્ફાઈનિંગ વોલના અભાવનો હતો. રજૂઆત મુજબ આશીર્વાદ માર્કેટથી આગળના વિસ્તારમાં કન્ફાઈનિંગ વોલ હોવાને કારણે ખાડીનું પાણી મહદઅંશે નિયંત્રણમાં રહે છે અને જળસ્તર આશરે 9.30 મીટર સુધી નિયંત્રિત રહેતું હોવાનું જણાવાયું હતું. પરંતુ આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગરોડ સુધી વોલના અભાવને કારણે ખાડીનું પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફેલાઈ જાય છે. આથી આ ત્રણ કિલોમીટરના પટ્ટામાં કન્ફાઈનિંગ વોલનું નિર્માણ કરી ખાડીના પાણીના ફેલાવાને નિયંત્રિત કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
ડીએમડી માર્કેટ, ભારત કેન્સર હોસ્પિટલ વિસ્તાર, કુંભારિયા, સારોલી અને સણિયા હેમાદ તળાવ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી ક્ષમતા મુજબ પમ્પિંગ સ્ટેશન વિકસાવવાની માગ પણ કરવામાં આવી હતી. ખાડીનું જળસ્તર વધ્યા બાદ કુદરતી રીતે પાણીનો નિકાલ મુશ્કેલ બનતો હોવાથી આવા વિસ્તારોમાં અલગથી પૂરતી ક્ષમતાનું પમ્પિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. કોર્પોરેટરોએ મીઠી ખાડીની બોર્ડર લાઈન કાયમી ધોરણે નિર્ધારિત કરી ખાડીની બંને બાજુ નિયમ મુજબ 9 મીટરનો સેટબેક સુનિશ્ચિત કરવાની પણ માગ કરી હતી. ખાડી વિસ્તારમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ ન થાય અને પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો ન થાય તે માટે કડક મોનિટરિંગ અને કાર્યવાહી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અંતે કોર્પોરેટરોએ સ્પષ્ટ કર્યું હતું કે મીઠી ખાડીના પૂરનો કાયમી ઉકેલ માત્ર એકાદ સ્થળે પમ્પ કે દિવાલ ઊભી કરવાથી શક્ય નથી. કન્ફાઈનિંગ વોલ, ફ્લડ ગેટ, પમ્પિંગ સ્ટેશન, ડી-સિલ્ટિંગ, ખાડી ડાયવર્ઝન, સ્ટોર્મ વોટર નેટવર્ક, સેટબેક અને અતિક્રમણ નિયંત્રણ સહિતના તમામ મુદ્દાઓને એકસાથે સાંકળી સમયબદ્ધ ‘મીઠી ખાડી ઈન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન’ તૈયાર કરી તેનો અમલ કરવામાં આવે તેવી માગ સાથે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
કાંગારું સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધી બ્રિજની રજૂઆત
વોર્ડ નં. 18માં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કાંગારું સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધી બ્રિજ બનાવવાની રજૂઆત પણ કમિશનર સમક્ષ કરવામાં આવી હતી. આ બ્રિજથી કાંગારું સર્કલ, મહારાણા પ્રતાપ ચોક તેમજ સારોલી-સણિયા હેમાદ-કુંભારિયા વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની સાથે ભવિષ્યમાં વધનારા ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે તેવી રજૂઆત કરાઈ હતી.