Surat

સુરતમાં ડેન્ગ્યુ-મલેરિયાના રિપોર્ટમાં ‘પોઝિટિવ-નેગેટિવ’નો ખેલ? : હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ, પાલિકામાં નેગેટિવ!

By GS Team
10 Sep 20264 mins read
TukuTouch Logo
સુરતમાં ડેન્ગ્યુના નામે દર્દીઓના ખિસ્સા ખંખેરાતા હોવાની આશંકા સેવાઈ રહી છે. ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુ પોઝિટિવ જાહેર કરેલા 17 દર્દીઓમાંથી 11 પાલિકાની લેબમાં નેગેટિવ આવ્યા હતા. 12 ઓગસ્ટના રિપોર્ટમાં આ વિસંગતતા સામે આવી. આથી ખાનગી રિપોર્ટની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠ્યા છે, છતાં કોઈ કાર્યવાહી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ડેન્ગ્યુ-મલેરિયાના રિપોર્ટમાં ‘પોઝિટિવ-નેગેટિવ’નો ખેલ? : હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ, પાલિકામાં નેગેટિવ!

Surat News : સુરતમાં ડેન્ગ્યુના નામે દર્દીઓના ખિસ્સા ખંખેરાતા હોવાની આશંકાને ખાનગી હોસ્પિટલ અને પાલિકાની લેબના રિપોર્ટ વચ્ચેનો તફાવત વધુ ઘેરો બનાવી રહ્યો છે. એક તરફ ખાનગી હોસ્પિટલમાં દર્દીને ડેન્ગ્યુ પોઝિટિવ જાહેર કરી સારવાર શરૂ કરવામાં આવે છે, જ્યારે એ જ દર્દીના નમૂનાની પાલિકાની વીબીડીસી લેબમાં તપાસ થતાં નેગેટિવ રિપોર્ટ આવે છે. 12 ઓગસ્ટની એક ઝોનની સીટમાં હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ જાહેર થયેલા 17 દર્દીઓમાંથી 11 દર્દીઓ પાલિકાની લેબમાં નેગેટિવ આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એટલે કે ખાનગી રિપોર્ટના આધારે ડેન્ગ્યુની સારવાર લેતા દર્દીઓમાં મોટો હિસ્સો પાલિકાની તપાસમાં ડેન્ગ્યુ મુક્ત નીકળ્યો છે. રિપોર્ટમાં આટલી મોટી વિસંગતતા સામે આવ્યા બાદ પણ સંબંધિત હોસ્પિટલ કે લેબોરેટરી સામે કોઈ કાર્યવાહી ન થવી પાલિકા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા કરે છે. 
ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવે છે. તાવ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચે ત્યારે તબીબી તપાસ બાદ ડેન્ગ્યુનો રીપોર્ટ કરવામાં આવે છે. ઘણી વખત રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓને ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવે છે. જોકે, આવા દર્દીઓને નમૂના પાલિકાના વીબીડીસી વિભાગમાં ક્રોસ વેરિફિકેશન માટે મોકલવામાં આવે ત્યારે કેટલાક કિસ્સામાં પરિણામ અલગ આવતું હોવાનું સામે આવ્યું છે. 12 ઓગસ્ટની એક ઝોનની સીટ આ સમગ્ર મામલાની ગંભીરતા દર્શાવે છે. આ સીટમાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ જાહેર કરાયેલા કુલ 17 દર્દીઓના નમૂનાની પાલિકાની વીબીડીસી લેબમાં તપાસ કરવામાં આવી હતી. તેમાં 11 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે માત્ર છ દર્દીઓમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. એક જ સમયગાળામાં કરવામાં આવેલી તપાસમાં 17 માંથી 11 રિપોર્ટમાં તફાવત સામે આવતી ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીના ટેસ્ટિંગ પદ્ધતિ તેમજ રિપોર્ટની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે રિપોર્ટમાં વિસંગતતા સામે આવ્યા બાદ પણ સંબંધિત હોસ્પિટલ કે લેબોરેટરી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો ખાનગી રિપોર્ટના આધારે દર્દીને ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી હોય અને બાદમાં પાલિકાની તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવે તો સમગ્ર સારવાર પ્રક્રિયાની ચકાસણી થવી જરૂરી છે. કારણ કે ડેન્ગ્યુની સારવાર દરમિયાન લોહીની તપાસ, દવાઓ, ડોક્ટરની ફી, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ સહિતનો આર્થિક બોજ દર્દીના પરિવાર પર પડે છે. હવે પાલિકાએ માત્ર ડેન્ગ્યુના કેસોના આંકડા જાહેર કરવાને બદલે ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીના પોઝિટિવ રિપોર્ટનું કેટલા કેસમાં ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે, કેટલા રિપોર્ટ નેગેટિવ આવે છે અને આવા કિસ્સામાં જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેની વિગતો જાહેર કરવી જોઈએ. ડેન્ગ્યુના નામે દર્દીઓ પાસેથી બિનજરૂરી ખર્ચ વસૂલાતો હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી જરૂરી છે. દર્દીના આરોગ્ય અને ખિસ્સા બંને સાથે જોડાયેલા આ મામલે પાલિકા તંત્ર હવે માત્ર આંકડા નહીં પરંતુ રિપોર્ટની વિશ્વસનીયતા પર પણ જવાબદારી નક્કી કરે તેવી માંગ ઉઠી રહી છે.
કોનો રિપોર્ટ સાચો ? બે રિપોર્ટ, એક દર્દી
ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ અને પાલિકાની વીબીડીસી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવે ત્યારે દર્દી કોના રિપોર્ટ પર વિશ્વાસ કરે તે મોટો સવાલ છે. એક જ નમૂનાના બે અલગ પરિણામ પાછળ ટેસ્ટિંગ પદ્ધતિનો તફાવત હોય તો તેનું વૈજ્ઞાનિક કારણ પાલિકાએ સ્પષ્ટ કરવું જરૂરી છે. કારણ કે ખોટા કે શંકાસ્પદ પોઝિટિવ રિપોર્ટના આધારે બિનજરૂરી સારવાર થાય તો દર્દીના આરોગ્ય સાથે ખિસ્સા પર પણ ભાર પડે છે. બીજી તરફ ખરેખર ડેન્ગ્યુ હોય અને નેગેટિવ રિપોર્ટ આવે તો સારવારમાં વિલંબનું જોખમ રહે છે. તેથી રિપોર્ટની વિસંગતતા માત્ર દર્દી પૂરતી નહીં, પરંતુ શહેરમાં ડેન્ગ્યુના આંકડા અને સારવારની વિશ્વસનીયતા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.
પાલિકા અને કેટલીક ખાનગી લેબ-હોસ્પિટલ વચ્ચે મિલીભગતના આક્ષેપ  
ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીના ડેન્ગ્યુ રિપોર્ટ સામે વારંવાર ફરિયાદ અને પાલિકાની તપાસમાં વિસંગતતા સામે આવવા છતાં જવાબદાર સામે નક્કર કાર્યવાહી ન થતાં હવે પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. રિપોર્ટમાં તફાવત હોવા છતાં પગલાં ભરવામાં ન આવતાં અથવા ભરાયેલા પગલાં જાહેર ન કરાતાં પાલિકાના આરોગ્ય વિભાગ અને કેટલીક ખાનગી હોસ્પિટલ-લેબોરેટરી વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પાલિકા તંત્ર નિષ્પક્ષ તપાસ કરી હકીકત જાહેર કરે અને જવાબદારી નક્કી કરે તેવી માંગ ઉઠી છે.   
ડેન્ગ્યુના ક્લેમ પર વીમા કંપનીઓની પણ કડક નજર
ડેન્ગ્યુના વધતા અને વિસંગત રિપોર્ટને પગલે મેડિકલ ક્લેમ પાસ કરતી વીમા કંપનીઓ પણ હવે વધુ સાવચેતી રાખી રહી હોવાનું જાણવા મળે છે. કેટલાક કિસ્સામાં ડેન્ગ્યુના ક્લેમની ચકાસણી માટે વીમા કંપનીઓ એજન્સી મારફતે એજન્ટ અથવા તપાસકર્તા મોકલી રિપોર્ટ અને સારવારની વિગતોની ખરાઈ કરાવે છે. ચકાસણીમાં શંકા જણાય તો કેટલાક ક્લેમ નકારી દેવાય છે, જ્યારે જરૂરી દસ્તાવેજો અને રિપોર્ટની તપાસને કારણે કેટલાક ક્લેમ મોડા પાસ થતા હોવાનું જાણવા મળે છે. ડેન્ગ્યુના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઊભા થયેલા સવાલોની અસર હવે વીમા ક્લેમ સુધી પહોંચી છે.
પાલિકા પણ માને છે, ક્રોસચેકમાં નેગેટિવ તો ડેન્ગ્યુ નહીં
પાલિકાના આરોગ્ય વિભાગના આંતરિક મેસેજમાં જ ડેન્ગ્યુના કેસોના ક્રોસ ચેક અંગે મહત્વની સૂચના આપવામાં આવી છે. મેસેજ મુજબ ક્રોસ ચેક માટે વીબીડીસી-હેડક્વાર્ટર મોકલાયેલા સેમ્પલમાં ELISA ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીને ડેન્ગ્યુ નેગેટિવ ગણવાનો અને પોઝિટિવ લિસ્ટમાંથી તેનું નામ કાઢી નાખવાનો રહેશે. એટલે ખાનગી રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં પાલિકાની ELISA તપાસમાં નેગેટિવ આવે તો તેને ડેન્ગ્યુ કેસ તરીકે ગણવામાં આવતો નથી. આ સૂચનાથી ખાનગી અને પાલિકાના રિપોર્ટ વચ્ચેની વિસંગતતાને પાલિકા તંત્ર પોતે પણ ગંભીરતાથી લઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.