Surat

ડુમસ સી ફેસ ઝોન-1માં પ્રવેશ-પાર્કિંગ ફી વસૂલવાની દરખાસ્તને સ્થાયી સમિતિની લીલી ઝંડી; સામાન્ય સભાની મહોર બાદ થશે અમલ

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
સુરતના ડુમસ સી ફેસમાં હવે પ્રવેશ અને પાર્કિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આ દરખાસ્તને પ્રાથમિક મંજૂરી આપી છે. 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ દીઠ 20 રૂપિયા, જ્યારે ફોર વ્હીલર પાર્કિંગ માટે 30 રૂપિયાનો ચાર્જ લાગશે. જોકે, ઇલેક્ટ્રિક વાહનો માટે પાર્કિંગ ફ્રી રહેશે. આ દરખાસ્ત હવે સામાન્ય સભામાં રજૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડુમસ સી ફેસ ઝોન-1માં પ્રવેશ-પાર્કિંગ ફી વસૂલવાની દરખાસ્તને સ્થાયી સમિતિની લીલી ઝંડી; સામાન્ય સભાની મહોર બાદ થશે અમલ
FILE PHOTO

Dumas Sea Face entry and parking fee : સુરતીઓના મનગમતા અને વીકએન્ડમાં સૌથી વધુ ધમધમતા સ્થળ એવા ડુમસ સી ફેસમાં અત્યાર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ અને પાર્કિંગ તદ્દન ફ્રી હતા. જોકે, હવે આગામી દિવસોમાં અહીં ફરવા જવા માટે સુરતીઓએ ખિસ્સું હળવું કરવું પડી શકે છે. વોટર રિસોર્સિસ એન્ડ રિક્રિએશન સેલ દ્વારા ડુમસ સી ફેસ પ્રોજેક્ટના ઝોન-1 ખાતે પ્રવેશ ફી અને પાર્કિંગ ફીના દર નક્કી કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી, જેને શનિવારે (21 નવેમ્બર) મળેલી સુરત મહાનગરપાલિકા (SMC) ની સ્થાયી સમિતિની બેઠકમાં પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે.

પ્રવાસીઓના ધસારા અને નિભાવ ખર્ચને પહોંચી વળવા પ્રસ્તાવ
ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખુલ્લો મુકાયા બાદ અહીં દૈનિક ક્ષમતા કરતા પણ વધુ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ ભીડને નિયંત્રિત કરવા, મુલાકાતીઓની સુરક્ષા જાળવવા તેમજ પ્રોજેક્ટની જાળવણી, વીજ બિલ અને અન્ય નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે ટિકિટ અને પાર્કિંગ ચાર્જ વસૂલવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. સ્થાયી સમિતિએ આ દરખાસ્તને લીલી ઝંડી આપી દીધી છે. મહત્ત્વનું છે કે, સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ જ્યાં સુધી આર.એફ.પી. (RFP) દ્વારા નવી એજન્સીની નિમણૂક કરવામાં ન આવે, ત્યાં સુધી આ સૂચિત દરો અમલી રાખવાનું આયોજન છે.

કેટલા રહેશે સૂચિત ટિકિટના દર?

  • 12 વર્ષથી વધુ ઉંમર: વ્યક્તિ દીઠ પ્રતિ દિન રૂ. 20
  • 3 થી 12 વર્ષના બાળકો: પ્રતિ દિન રૂ. 10
  • વરિષ્ઠ નાગરિકો (65 વર્ષ કે તેથી વધુ): પ્રતિ દિન રૂ. 10
  • 3 વર્ષ સુધીના નાના બાળકો: પ્રવેશ સંપૂર્ણપણે ફ્રી રહેશે


કેટલા રહેશે સૂચિત પાર્કિંગના દર?

  • બસ તેમજ હેવી કોમર્શિયલ વ્હીકલ: રૂ. 90
  • ફોર વ્હીલર: રૂ. 30
  • થ્રી વ્હીલર વાહન: રૂ. 25
  • ટુ વ્હીલર વાહન: રૂ. 10
  • ઈલેક્ટ્રિક વાહન (EV): પાર્કિંગ ચાર્જ સંપૂર્ણ ફ્રી
    

પરિવાર સાથે ફરવા જનારા પર કેટલો બોજ પડશે?

જો આ દરખાસ્તને અંતિમ મંજૂરી મળી જાય, તો 4 સભ્યોનો એક પરિવાર (માતા-પિતા અને 12 વર્ષથી મોટા 2 બાળકો) જો પોતાની કાર (ફોર વ્હીલર) લઈને ડુમસ સી ફેસ ઝોન-1ની મુલાકાતે જશે, તો તેમણે પ્રવેશ ટિકિટના રૂ. 80 (20x4) અને પાર્કિંગના રૂ. 30 મળીને કુલ રૂ. 110 ચૂકવવા પડશે. બીજી તરફ, પર્યાવરણને અનુકૂળ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે તંત્ર દ્વારા ઈલેક્ટ્રિક વાહનો (EV) ને પાર્કિંગ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો આવકારદાયક નિર્ણય લેવાયો છે.

હવે આ દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરાશે

નોંધનીય છે કે, ડુમસ સી ફેસના પ્રવેશ તેમજ પાર્કિંગ ચાર્જને સુરત મનપાની સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી અપાયા બાદ હજુ તેનો તાત્કાલિક અમલ શરૂ થયો નથી. હવે આ દરખાસ્ત સુરત મનપાની સામાન્ય સભા સમક્ષ અંતિમ નિર્ણય માટે રજૂ કરવામાં આવશે. સામાન્ય સભામાં બહુમતીથી મંજૂરી મળ્યા બાદ અને વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યા પછી જ મુલાકાતીઓ પાસેથી આ ચાર્જ વસૂલવામાં આવશે.