સુરત પાલિકાની 52 વર્ષ જૂની નાટ્ય સ્પર્ધામાં નવો પ્રયોગ : નાટ્ય સંસ્થાઓને આર્થિક લાભ આપવા પહેલીવાર ટિકિટનું વેચાણ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાની 52 વર્ષ જૂની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં આ વર્ષે પ્રથમ વખત ટિકિટનો પ્રયોગ કરવામાં આવનાર છે. નાટ્ય સંસ્થાઓને આર્થિક લાભ મળે તે હેતુથી પાલિકા દ્વારા કતારગામના નવનિર્મિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં યોજાનારી સ્પર્ધામાં 600 બેઠકો માટે 20ની ઓનલાઈન ટિકિટનું વેચાણ કરવામાં આવશે. ટિકિટના વેચાણથી થનારી આવક ફાઇનલ રાઉન્ડમાં પહોંચનારી 10 નાટ્ય સંસ્થા વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવશે. આમ, ઈનામ ઉપરાંત નાટ્ય સંસ્થાઓને ટિકિટની આવકથી પણ આર્થિક સહાય મળી રહે તેવો પાલિકાએ પ્રથમ વખત પ્રયાસ કર્યો છે.
સુરત પાલિકા દ્વારા વર્ષોથી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં શહેરની વિવિધ નાટ્ય સંસ્થા ઉત્સાહપૂર્વક ભાગ લે છે. નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારો અને સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે માટે સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતની વિવિધ કેટેગરીમાં ઇનામો પણ આપવામાં આવે છે. જોકે, આ વર્ષે પાલિકાએ નાટ્ય સંસ્થાને ઈનામ ઉપરાંત સીધો આર્થિક લાભ મળી રહે તે માટે ટિકિટ વેચાણની નવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
આગામી 27 સપ્ટેમ્બરથી કતારગામ ખાતે આવેલા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં નાટ્ય સ્પર્ધાનો પ્રારંભ થશે. આ ઓડિટોરિયમમાં કુલ 876 બેઠકોની વ્યવસ્થા છે. તે પૈકી 600 બેઠકો માટે 20ની ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે. નાટ્ય રસિકો ઓનલાઈન ટિકિટ મેળવીને સ્પર્ધાના નાટક નિહાળી શકશે. જ્યારે બાકીની બેઠકો અંગે પાલિકા દ્વારા સ્પર્ધાની વ્યવસ્થા અને જરૂરી આયોજન મુજબ નિર્ણય લેવામાં આવશે.
આ વર્ષે સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધામાં કુલ 10 નાટ્ય સંસ્થા ભાગ લઈ રહી છે. સ્પર્ધાના વિવિધ તબક્કા બાદ ફાઇનલ રાઉન્ડમાં પહોંચનારી સંસ્થાઓ વચ્ચે ટિકિટ વેચાણથી પ્રાપ્ત થતી આવક સરખા હિસ્સે વહેંચવામાં આવશે. પાલિકાના આ આયોજનથી નાટ્ય સંસ્થાઓને તેમના નાટકના પ્રદર્શન ઉપરાંત પ્રેક્ષકો પાસેથી મળતી ટિકિટની આવકનો પણ લાભ મળશે.
પાલિકાના આ પ્રથમ પ્રયોગથી નાટ્ય સંસ્થાઓને અંદાજે 20થી 25 હજાર સુધીની આર્થિક આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાટ્ય ક્ષેત્રમાં નાટકના નિર્માણ, કલાકારો, સેટ, લાઇટ-સાઉન્ડ સહિતની કામગીરી પાછળ થતો ખર્ચ જોતા ટિકિટ ની આવક સંસ્થાઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
પાલિકા દ્વારા 31 ઓગસ્ટના રોજ નાટ્ય સ્પર્ધાના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પર્ધાને સફળ બનાવવા માટેની વિવિધ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન જ પ્રથમ વખત ટિકિટ વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાટ્ય સ્પર્ધામાં ટિકિટ વેચાણથી મળતી આવકનો લાભ નાટ્ય સંસ્થાઓને આપવાનો નિર્ણય કલાકારો અને નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પ્રોત્સાહક પગલું માનવામાં આવી રહ્યું છે.




