Surat

સુરત અડાજણના ઓવરબ્રિજના વરસાદી પાઇપની જાળવણીમાં બેદરકારી : સવારથી રોડ પર પાઇપ પડ્યા રહ્યા, પાલિકા તંત્ર અજાણ રહ્યું!

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલના પાઇપના ક્લેમ તૂટતાં પાઇપ રોડ પર ફેલાઈ ગયા હતા. સવારથી પડેલા પાઇપથી વાહનચાલકોને અકસ્માતનો ભય હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પાલિકાએ પાઇપ હટાવ્યા, પરંતુ જાળવણીમાં બેદરકારી સામે તપાસની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત અડાજણના ઓવરબ્રિજના વરસાદી પાઇપની જાળવણીમાં બેદરકારી : સવારથી રોડ પર પાઇપ પડ્યા રહ્યા, પાલિકા તંત્ર અજાણ રહ્યું!

Surat Corporation : સુરતના અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલા પાઇપના ક્લેમ તૂટી જતાં પાઇપ રોડ પર ફેલાઇ ગયા હતા. સવારથી માર્ગ પર પડેલા પાઇપને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં ઘટનાના વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ પાઇપ તાત્કાલિક હટાવી લેવાયા હોવા છતાં, પાઇપના ક્લેમ કયા કારણોસર તૂટ્યા અને તેની જાળવણીમાં બેદરકારી કોની હતી તે અંગે તપાસની માંગ ઊઠી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે પાલિકા તંત્રની જાળવણી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઓવરબ્રિજ પરથી વરસાદી પાણી રોડ પર ન આવે તે માટે લગાવવામાં આવેલા પાઇપના ક્લેમ તૂટી જતાં કેટલાક પાઇપ રોડ પર ફેલાઇ ગયા હતા. મુખ્ય માર્ગ પર જ પાઇપ પડેલા હોવાથી ત્યાંથી પસાર થતા ટુ-વ્હીલર સહિતના વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું. રસ્તા પર પાઇપ પડ્યા હોવા છતાં લાંબા સમય સુધી તંત્રનું ધ્યાન ન ગયું હોવાની ચર્ચા વચ્ચે ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા રોડ પર પડેલા પાઇપ હટાવી લેવામાં આવ્યા હતા. જોકે, માત્ર પાઇપ હટાવી દેવાથી જવાબદારી પૂરી થતી નથી. ઓવરબ્રિજના વરસાદી પાણીના પાઇપના ક્લેમ તૂટવા પાછળનું કારણ શું હતું, પાઇપની નિયમિત ચકાસણી કરવામાં આવે છે કે નહીં અને જાળવણીની જવાબદારી કયા વિભાગની છે તેવા સવાલો ઉઠ્યા છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વાહનચાલકો અને રાહદારીઓની સલામતી સાથે સીધી રીતે જોડાયેલી છે. આવી સ્થિતિમાં ઓવરબ્રિજના પાઇપ રોડ પર પડી જાય અને અકસ્માત સર્જાય તે પહેલાં જ તંત્ર દ્વારા નિયમિત નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. ઘટનામાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ આ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.