ગરબાના મેદાનમાં નાસ્તાની ગુણવત્તા પર પાલિકાની નજર : સુરતની ધંધાદારી નવરાત્રીના ફૂડ સ્ટોલમાંથી 113 નમૂના, 43 એકમોને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : નવરાત્રી ગરબા મેદાનોમાં ખેલૈયાઓની ભીડ વચ્ચે ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતાનો મુદ્દો પણ મહત્ત્વનો બન્યો છે. સુરતની ધંધાદારી નવરાત્રીઓમાં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલથી માંડીને ખુદ પાલિકા દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલ સુધી આરોગ્ય વિભાગે તપાસનો દોર લંબાવ્યો છે. શહેરનાં છ ખાનગી ગરબા આયોજનોના ફૂડ સ્ટોલમાંથી 113 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે સ્વચ્છતા સહિતના નિયમોના ભંગ બદલ 43 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ, પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાંથી પણ 20 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા છે.
નવરાત્રિ શરૂ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાતી ધંધાદારી નવરાત્રીઓમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા પહોંચે છે. અનેક આયોજનોમાં બહારથી ખાદ્ય પદાર્થો લાવવા પર પ્રતિબંધ હોવાથી ખેલૈયાઓએ પાણી, નાસ્તો અને અન્ય ખાદ્ય ચીજો માટે મેદાનમાં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલ પર જ આધાર રાખવો પડે છે. પરિણામે, સ્ટોલ પર તૈયાર થતા અને વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાની સાથે સ્વચ્છતા રાખવી પણ જરૂરી બની છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
આરોગ્ય વિભાગની ટીમોએ ભરથાણા ખાતે કેસરિયા નવરાત્રિ, ડુમસ રોડ પર સુવર્ણ નવરાત્રિ, શગુન ફાર્મ ખાતે ગરબી વારસો, સરસાણા કન્વેન્શન હોલ ખાતે ઓજી નવરાત્રિ, લા મેરિડિયન હોટલ સામે ગુજરાત ગરબા ગેલેક્સી અને ડી.બી. પટેલ ગ્રાઉન્ડ ખાતે યશવી નવરાત્રિના ફૂડ સ્ટોલની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કેસરિયા નવરાત્રિમાંથી 32, સુવર્ણ નવરાત્રિમાંથી 16, ગરબી વારસોમાંથી 8, ઓજી નવરાત્રિમાંથી 16, ગુજરાત ગરબા ગેલેક્સીમાંથી 7 અને યશવી નવરાત્રિમાંથી 34 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. આમ, છ ખાનગી આયોજનોમાંથી કુલ 113 નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ફૂડ સ્ટોલ પર ખાદ્ય પદાર્થો બનાવતા અને પીરસતા કારીગરો માટે એપ્રોન, ટોપી અને મોજાં પહેરવા સહિતની સ્વચ્છતાની સૂચનાઓ આપવામાં આવી હતી.
નિયમોના ભંગ અને સ્વચ્છતા સહિતની ખામીઓ બદલ 43 ફૂડ સ્ટોલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ખાદ્ય પદાર્થોના નમૂનાના લેબોરેટરી અહેવાલ આવ્યા બાદ જ તેની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાનગી આયોજનોની સાથે પાલિકાએ પોતાના ફૂડ ફેસ્ટિવલમાં પણ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી છે. નવરાત્રિ દરમિયાન અઠવા લાઇન્સના પાર્ટી પ્લોટમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના 20 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ પણ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.




