તાપીમાં રાખડી પધરાવાતી અટકાવવા પાલિકાની શાળાના વાલીઓની પહેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : રક્ષાબંધન બાદ રાખડીઓને નદી કે અન્ય જળસ્રોતમાં પધરાવવાની પરંપરાથી જળચર સૃષ્ટિને નુકસાન ન થાય તે માટે સુરતમાં અનોખી પહેલ કરવામાં આવી છે. ‘જળેષુ જીવનમ્’ના સંદેશને સાકાર કરવા અને તાપી નદીના જળને પ્રદૂષણથી બચાવવા પાલિકાની શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રાખડી એકત્રીકરણ અભિયાન યોજવામાં આવશે.
તા.11 સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસે સવારે 7:30થી 9:30 દરમિયાન ઉત્રાણથી કાપોદ્રા તરફ જતા બ્રિજ તેમજ સુદામા ચોકથી ચીકુવાડી તરફ જતા બ્રિજ પર રાખડીઓ એકત્ર કરવામાં આવશે. ઉત્રાણ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 334, 346 અને 355ના વાલીઓની ‘મહારાજા કેમ્પસ ટીમ’ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે.
રાખડીઓમાં વપરાતા ચાઇનિઝ દોરા ઉપરાંત વિવિધ પ્રકારની ધાતુઓ અને અન્ય સામગ્રી પાણીમાં સરળતાથી વિઘટિત થતી નથી. રાખડીઓ પાણીમાં પધરાવવામાં આવે તો આ સામગ્રી નદીમાં પહોંચીને જળપ્રદૂષણ વધારી શકે છે. સાથે જ માછલી સહિતના જળચરોને પણ નુકસાન થવાની શક્યતા રહે છે.
આ બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તાપી નદીના જળચરોનું રક્ષણ થાય તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. એકત્ર કરવામાં આવેલી રાખડીઓને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વૈદિક પદ્ધતિથી માટીમાં વિસર્જન કરવામાં આવશે. પાલિકાની શાળાના વાલીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ માત્ર રાખડી એકત્રીકરણ પૂરતી મર્યાદિત ન રહેતા તાપી શુદ્ધિકરણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકજાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ પણ બની રહેશે. નાગરિકોને પણ રાખડીઓ પાણીમાં પધરાવવાને બદલે અભિયાનમાં આપી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.




