Surat

સુમન વંદનના અડધાથી વધુ ફ્લેટ ભાડે : સુરત પાલિકાની નોટિસો છતાં ગેરરીતિના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાના જહાંગીરપુરા સ્થિત સુમન વંદન આવાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવાયેલા 2700 ફ્લેટમાંથી અડધાથી વધુ મકાનો ભાડે અપાયા હોવાનો આક્ષેપ છે. જરૂરિયાતમંદો માટેના આ આવાસોને આવકનું સાધન બનાવતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પાલિકા નોટિસ આપે છે, પરંતુ ફ્લેટ ખાલી કરાવવા કે માલિકો સામે કડક પગલાં લેવાતા નથી, જેથી સ્થાનિકોમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુમન વંદનના અડધાથી વધુ ફ્લેટ ભાડે : સુરત પાલિકાની નોટિસો છતાં ગેરરીતિના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ

Surat Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા આવાસમાં જ નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જહાંગીરપુરા સ્થિત સુમન વંદન આવાસમાં મૂળ લાભાર્થીઓને ફાળવાયેલા ફ્લેટમાંથી અડધાથી વધુ મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવાયા હોવાની ફરિયાદને પગલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
પાલિકાની ટીમો દ્વારા વારંવાર સર્વે કરી પંચનામા અને નોટિસની કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં ફ્લેટ ખાલી કરાવવાની કે જવાબદાર માલિકો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી આગળ ન વધતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુમન વંદન આવાસમાં 14 માળની 12 અને 12 માળની 4 બિલ્ડિંગ મળીને કુલ અંદાજે 2700 ફ્લેટ આવેલા છે. આ આવાસો જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અને સરકારી સહાય-સબસિડીના લાભ સાથે ફાળવવામાં આવ્યા છે. જોકે, આવાસની ફાળવણી બાદ મોટી સંખ્યામાં મૂળ લાભાર્થીઓએ પોતાના ફ્લેટ અન્ય લોકોને ભાડે આપી દીધા હોવાના આક્ષેપ થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રીતે સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ પરિવારને ઘર આપવા માટે મળ્યો હોવા છતાં કેટલાક લાભાર્થીઓએ આવાસને આવકનું સાધન બનાવી દીધું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પાલિકાની ટીમો સમયાંતરે આવાસની તપાસ માટે આવે છે. ફ્લેટમાં મૂળ લાભાર્થી રહે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે અને ભાડૂતો મળી આવે ત્યારે પંચનામું કરીને નોટિસ આપવામાં આવે છે. પરંતુ કાર્યવાહીનો અંત નોટિસ સુધી જ સીમિત રહેતો હોવાનો આક્ષેપ છે. ભાડૂતોને મકાન ખાલી કરવા જણાવવામાં આવે છે, પરંતુ કસૂરવાર મૂળ લાભાર્થી સામે દંડાત્મક કાર્યવાહી કે આવાસની ફાળવણી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાતી ન હોવાથી સમસ્યા યથાવત્ રહે છે.
સ્થાનિકોનો સવાલ છે કે જો પાલિકાના સર્વેમાં વારંવાર સરકારી આવાસ ભાડે આપવાની ગેરરીતિ પકડાય છે તો માત્ર નોટિસ આપવાથી કયા હેતુની સિદ્ધિ થાય છે? એક તરફ જરૂરિયાતમંદ પરિવારોને આવાસની જરૂરિયાત છે અને બીજી તરફ સરકારી યોજનાના મકાનો ભાડે આપી કેટલાક લોકો તેમાંથી નિયમિત આવક મેળવી રહ્યા છે. આમ છતાં જવાબદાર તંત્ર કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ કેમ રહ્યું છે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી સબસિડી અને રાહત દરે મળેલા આવાસનો ઉપયોગ મૂળ હેતુથી વિપરીત કરીને ભાડાની આવક ઊભી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આવાસ યોજનાનો મૂળ હેતુ જ નિષ્ફળ જશે. તેથી સુમન વંદન આવાસના તમામ ફ્લેટનું પારદર્શક અને વ્યાપક પુનઃસર્વે કરાવી મૂળ લાભાર્થી સામે અન્ય વ્યક્તિ રહે છે કે નહીં તેની તપાસ તથા ગેરરીતિ સાબિત થાય તો દંડ, ફાળવણી રદ અને જરૂરી હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.