Surat

સુરતમાં ચમત્કારિક બચાવ: 2 માળથી પટકાયેલા 11 વર્ષીય બાળકના ગળામાં આરપાર ઘૂસેલો સળિયો કાઢી ડોક્ટરોએ નવજીવન આપ્યું

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
સુરતના ઊન પાટિયા વિસ્તારમાં મહેમૂદિયા મદરેસામાં અભ્યાસ કરતો 11 વર્ષીય નાવીદ વરસાદમાં છત પરથી લપસી 2 માળ નીચે પટકાયો. કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડનો સળિયો તેના ખભાથી મોંમાંથી આરપાર નીકળી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. ડોક્ટરોની ટીમે જટિલ ઓપરેશન કરી સળિયો સફળતાપૂર્વક કાઢી બાળકને નવજીવન આપ્યું. હાલ તેની સ્થિતિ સુધારા પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ચમત્કારિક બચાવ: 2 માળથી પટકાયેલા 11 વર્ષીય બાળકના ગળામાં આરપાર ઘૂસેલો સળિયો કાઢી ડોક્ટરોએ નવજીવન આપ્યું

Surat News : સુરતના ઊન પાટિયા વિસ્તારમાં એક અત્યંત હૃદયકંપાવનારી અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં આવેલી મહેમૂદિયા મદરેસામાં અભ્યાસ કરતો 11 વર્ષીય માસૂમ બાળક નાવીદ (નાઝિશ) મદરેસાની બિલ્ડિંગની છત પર રમી રહ્યો હતો. આ દરમિયાન ચોમાસાના વરસાદી પાણીના કારણે છત પર અચાનક પગ લપસતાં તે બાજુમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર 2 માળની ઊંચાઈથી સીધો નીચે પટકાયો હતો.

મોંમાંથી આરપાર નીકળી ગયો સળિયો

બાળક જ્યારે નીચે પડ્યો ત્યારે બાંધકામ માટે ઊભા કરાયેલા પિલરનો એક તીક્ષ્ણ લોખંડનો સળિયો તેના ખભા અને ગળાના પાછળના ભાગેથી ઘૂસીને સીધો મોંમાંથી આરપાર નીકળી ગયો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને મદરેસાના સંચાલકો કંપી ઉઠ્યા હતા. અત્યંત ગંભીર અને અસહ્ય પીડા ભોગવી રહેલા બાળકને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર લોખંડના સળિયા સાથે જ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તબીબોની ટીમે જટિલ ઓપરેશન કરી નવજીવન આપ્યું

હોસ્પિટલ પહોંચાડતા જ ડોક્ટરોની નિષ્ણાત ટીમે સ્થિતિની ગંભીરતા સમજીને ઇમરજન્સી સર્જરી હાથ ધરી હતી. ગળા અને મોંના ભાગેથી પસાર થતી શ્વાસનળી તેમજ મુખ્ય રક્તવાહિનીઓને મહત્ત્વનું નુકસાન ન થાય તે રીતે અત્યંત કાળજીપૂર્વક સળિયો બહાર કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોની આ સમયસૂચકતા અને સફળ કામગીરીને કારણે બાળકનો જીવ બચી ગયો છે. હાલ બાળકની સ્થિતિ સુધારા પર છે અને પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો છે.