સુરત પાલિકાની સામાન્ય સભામાં વેરાની આકારણી માટે અવાજ ઉઠ્યો, ગરીબ બાળકોના શિક્ષણ માટે 120 નગરસેવકો મૌન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત શહેરના વિકાસ માટે પાલિકાની આવક જરૂરી છે, પરંતુ દેશનું ભવિષ્ય ગણાતા ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બનાવવો તેનાથી પણ વધુ જરૂરી છે. જોકે, મંગળવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકોની પ્રાથમિકતા કંઈક જુદી જ જોવા મળી હતી. ભાજપના કોર્પોરેટરે આવક વધારવા આકારણી કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્ત રાખવાની માગ કરી હતી, પરંતુ સરકારી કાર્યક્રમો અને ઉજવણીમાં જોતરાયેલા શિક્ષકોને વર્ગખંડમાં રાખવા 120 નગરસેવકોમાંથી એકેયે અવાજ ઉઠાવ્યો નહોતો. ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપવાના બદલે શિક્ષકોનો સમય બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વેડફાઈ રહ્યો હોવા છતાં નગરસેવકો મૌન રહ્યા હતા. આમ, પાલિકાની તિજોરી ભરવાની ચિંતા કરનારા પ્રજાના પ્રતિનિધિઓને ગરીબ બાળકોના ભવિષ્યનો પાયો કાચો રહી જાય તેની ચિંતા ન થતાં તેમની પ્રાથમિકતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મુખ્યત્વે ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેમનો પાયો મજબૂત બને તે માટે શિક્ષકો વર્ગખંડમાં વધુ સમય આપે તે જરૂરી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકા, શિક્ષણ સમિતિ અને સરકાર દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોની કામગીરીમાં શિક્ષકોને જોતરવામાં આવી રહ્યા છે. પરિણામે શિક્ષકોનો સમય બાળકોને ભણાવવાના બદલે અન્ય પ્રવૃત્તિઓમાં પસાર થઈ રહ્યો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. અગાઉ શિક્ષકોનો મોટાભાગનો સમય શૈક્ષણિક કામગીરીમાં પસાર થતો હતો, પરંતુ હવે વિવિધ ઉજવણીઓ, રેલીઓ, સરકારી કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓની જવાબદારી પણ તેમના માથે નાખવામાં આવી રહી છે. શિક્ષકોની સાથે કેટલીક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવતાં નિયમિત શિક્ષણકાર્યને અસર થતી હોવાની ચર્ચા છે. શિક્ષકોનું મુખ્ય કામ બાળકોને ભણાવવાનું છે, પરંતુ શિક્ષણ સિવાયની કામગીરીનું ભારણ વધતાં વર્ગખંડમાં શિક્ષણ માટે મળતો સમય ઘટી રહ્યો છે.
બીજી તરફ, મંગળવારની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે મિલકતવેરાની આકારણીમાં વિલંબને કારણે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આકારણી વિભાગના કર્મચારીઓને અન્ય કામગીરીમાં જોતરવાને બદલે માત્ર વેરાની આકારણી માટે જ ઉપયોગમાં લેવા માગ કરી હતી. આ રજૂઆત પાલિકાની આવકના હિતમાં મહત્ત્વની છે, પરંતુ આવો જ અભિગમ શિક્ષણ સમિતિના શિક્ષકો માટે અપનાવવાની જરૂરિયાત અંગે કોઈ સભ્યે રજૂઆત કરી નહોતી.પાલિકાની આવક વધે તો શહેરમાં રસ્તા, બ્રિજ અને અન્ય વિકાસકાર્યો થઈ શકે છે, પરંતુ બાળકોને પાયાનું શિક્ષણ જ પૂરતું નહીં મળે તો તેમના ભવિષ્યનું શું તે સવાલ પણ એટલો જ મહત્ત્વનો છે. ખાસ કરીને ખાનગી શાળાઓનો ખર્ચ ઉઠાવી ન શકતા પરિવારોના બાળકો માટે પાલિકાની શાળાઓ જ શિક્ષણનો મુખ્ય આધાર છે. આવા બાળકોને ભણાવતા શિક્ષકોનો સમય બિનશૈક્ષણિક કામગીરીમાં વપરાય તે બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે.
આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય સભામાં પાલિકાની આવક વધારવા કર્મચારીઓનો સમય બચાવવાની માગ થઈ, પરંતુ બાળકોનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોનો સમય બચાવવાની માગ કોઈએ કરી નહીં. શહેરના વિકાસ માટે પાલિકાની તિજોરી ભરવી જેટલી જરૂરી છે, તેટલું જ જરૂરી ગરીબ બાળકોને સારું શિક્ષણ આપવાનું છે. માત્ર રસ્તા અને બ્રિજથી શહેરનો વિકાસ થતો નથી, શિક્ષિત પેઢીથી પણ શહેરનું ભવિષ્ય ઘડાય છે. ત્યારે નગરસેવકોની પ્રાથમિકતામાં ગરીબ બાળકોના શિક્ષણને કેટલું સ્થાન છે તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
ભણાવવાનું ઓછું, કાર્યક્રમોનું આયોજન અને ફોટોગ્રાફીનું કામ વધુ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે, પરંતુ વિવિધ કાર્યક્રમોની ભરમાર વચ્ચે શિક્ષકો જાણે ઇવેન્ટ મેનેજમેન્ટના કર્મચારી બની ગયા છે. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા બનાવવી, સમિતિના સભ્યો અને નગરસેવકોને રૂબરૂ આમંત્રણ આપવું, મહેમાનોની આગતાસ્વાગતા કરવી અને બાળકોને નૃત્ય શીખવી તેની પ્રેક્ટિસ કરાવવા સુધીની જવાબદારી શિક્ષકોના માથે રાખવામાં આવી રહી છે. આમ, બાળકોને અક્ષર જ્ઞાન આપનારા શિક્ષકોને કાર્યક્રમોના આયોજનથી માંડી મહેમાનોના સ્વાગત કરતા સુધીની ભૂમિકા ભજવવી પડી રહી છે.
આટલું ઓછું હોય તેમ કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી, જીપીએસ સાથે ફોટા પાડવા અને સોશિયલ મીડિયા સહિત સૂચવેલી જગ્યાએ અપલોડ કરવાની કામગીરી પણ શિક્ષકોએ કરવી પડે છે. આ ઉપરાંત રોજની હાજરી ઓનલાઇન કરવાની જવાબદારી પણ તેમના માથે છે. આમ, કાર્યક્રમના આયોજનથી માંડી તેના પ્રચાર સુધીની કામગીરીમાં શિક્ષકનો સમય વેડફાતાં બાળકોના શિક્ષણને અસર થઈ રહી હોવાનો આક્ષેપ છે. શિક્ષકોને ભણાવવાને બદલે ફોટોગ્રાફર, વીડિયોગ્રાફર અને કાર્યક્રમોના આયોજક બનાવી દેવાતા શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાની ફરિયાદો વધી રહી છે.
હજાર કરોડના બજેટમાં શિક્ષણ કરતાં કાર્યક્રમોની બોલબાલા, બાળકોના ભવિષ્યનું શું ?
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને વિદ્યાર્થીદીઠ વર્ષે 50 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. આ રકમ અનેક ખાનગી શાળાઓની ફી કરતાં પણ વધુ હોવા છતાં સમિતિના શિક્ષણના સ્તર સામે વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. તેની પાછળ શિક્ષકોની આવડત કે વિદ્યાર્થીઓની ભણવાની ધગશનો અભાવ નહીં, પરંતુ સરકાર અને શાસકો દ્વારા યોજાતા ઢગલાબંધ કાર્યક્રમો જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. શિક્ષકોને ભણાવવાને બદલે કાર્યક્રમોના આયોજન અને ઉજવણીમાં જોતરવામાં આવતાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં શિક્ષણનો મૂળ હેતુ જ પાછળ ધકેલાઈ રહ્યો હોવાની ફરિયાદ છે.
એક તરફ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના દાવા થાય છે, તો બીજી તરફ એ જ બાળકોને ભણાવતા શિક્ષકોને કાર્યક્રમો, ઉજવણીઓ અને તેના પ્રચારની કામગીરીમાંથી ફુરસદ મળતી નથી. શિક્ષણ માટે ફાળવાયેલા કરોડો રૂપિયાનો લાભ બાળકોને મળવો જોઈએ, પરંતુ શિક્ષકોનો સમય જ કાર્યક્રમોમાં વેડફાતો હોય તો આ ખર્ચનો અર્થ શું? તે સવાલ ઊભો થયો છે. શિક્ષણનું સ્તર સુધારવા બજેટ વધારવાની સાથે શાસકોએ કાર્યક્રમોનો મોહ છોડીને શિક્ષકોને વર્ગખંડમાં રાખવાની જરૂર હોવાની માગ ઊઠી રહી છે.




