Surat

સુરતમાં જહાંગીરપુરાના સાંસ્કૃતિક આવાસમાં ગટરની સમસ્યા નહીં સુધરે તો પાલિકા કચેરીએ 10 હજાર લોકો ધરણા પર બેસશે

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સુડા સાંસ્કૃતિક આવાસના 10,000થી વધુ રહીશો છેલ્લા 1.5 વર્ષથી ઉભરાતી ગટર અને ગંદકીથી પરેશાન છે. ગટરનું ગંદુ પાણી બોરિંગના પાણીમાં ભળતા પીવાના પાણીનું જોખમ વધ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતા, 1 અઠવાડિયામાં કાયમી ઉકેલ નહીં આવે તો પાલિકા કચેરીએ ધરણા કરવાની ચીમકી અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં જહાંગીરપુરાના સાંસ્કૃતિક આવાસમાં ગટરની સમસ્યા નહીં સુધરે તો પાલિકા કચેરીએ 10 હજાર લોકો ધરણા પર બેસશે

Surat Corporation : સુરતને સ્વચ્છતામાં નંબર વન બનાવવાના દાવા વચ્ચે શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાંસ્કૃતિક આવાસમાં રહેતા 10 હજારથી વધુ લોકો છેલ્લા દોઢ વર્ષથી ઉભરાતી ગટર, ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. હદ તો એ છે કે ગટરનું ગંદુ પાણી બોરિંગ પાણીમાં ભળી જતાં રહીશોના પીવાના પાણી સામે પણ મોટું જોખમ ઊભું થયું છે. વારંવાર રજૂઆતો અને ફરિયાદો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન અપાતા હોવાના આક્ષેપો વચ્ચે હવે રહીશોના ધીરજનો બંધ તૂટ્યો છે. પાલિકા એક અઠવાડિયામાં ગટર અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે તો 10 હજારથી વધુ રહીશો પાલિકા કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી આપી છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાના સુડા સાંસ્કૃતિક આવાસમાં આશરે 24 જેટલી બિલ્ડિંગો આવેલી છે અને તેમાં 10 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. આવાસના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ લાંબા સમયથી ગટર બેક મારી રહી છે. ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. પાણી ભરાયેલા વિસ્તારમાં લીલ જામવા સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. સામાન્ય નાગરિકોને સ્વચ્છ રસ્તો અને શુદ્ધ પાણી આપવાની જવાબદારી ધરાવતા તંત્રની સામે આ સ્થિતિ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગટરનું પાણી બોરિંગના પાણીમાં ભળી રહ્યું હોવાના રહીશોના આક્ષેપ છે. પરિણામે પીવાના પાણીની શુદ્ધતા સામે સવાલ ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં તાવ સહિતની બીમારીના કેસ વધી રહ્યા છે.
સ્થાનિક એડવોકેટ મમતાબેને જણાવ્યું હતું કે તેમના પોતાના પરિવારના સભ્યો પણ બીમાર પડ્યા છે અને સમગ્ર વિસ્તારમાં તાવ તથા મેલેરિયાનો રોગચાળો ફેલાયો હોવાની સ્થિતિ છે. રહીશોના જણાવ્યા મુજબ, સમસ્યા અંગે અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ ફરિયાદ બાદ અધિકારીઓ કે કર્મચારીઓ સ્થળ પર આવીને વાસ્તવિક સ્થિતિ તપાસે તે પહેલાં જ ફરિયાદ રીઝોલ્વ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવે છે. જો ખરેખર સમસ્યા ઉકેલાઈ ગઈ હોય તો દોઢ વર્ષથી ગટરનું પાણી રસ્તા પર કેમ ફરી રહ્યું છે અને રહીશોને ગંદા પાણીમાંથી કેમ પસાર થવું પડે છે તેવો સવાલ હવે સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરને વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનો નક્કર ઉકેલ આવ્યો ન હોવાનો પણ રહીશોનો આક્ષેપ છે. હવે દોઢ વર્ષથી આશ્વાસન સાંભળીને કંટાળેલા રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી એક અઠવાડિયામાં ગટર અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સાંસ્કૃતિક આવાસના રહીશો એકત્ર થઈ પાલિકા કચેરી સામે અનિશ્ચિત મુદતના ધરણા કરશે. સમસ્યા ઉકેલાય નહીં ત્યાં સુધી ધરણાં પરથી નહીં હટવાની ચીમકી પણ આપવામાં આવી છે.
કચરાની ગાડીના ઠેકાણા નહીં, આવાસમાં ગંદકીના ઢગલા
સાંસ્કૃતિક આવાસમાં ગટર સાથે કચરાની સમસ્યાએ પણ રહીશોની હાલાકી વધારી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કચરો ઉઠાવવા માટેની ગાડી નિયમિત આવતી ન હોવાથી અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે. ગટરનું ઉભરાતું ગંદુ પાણી, આસપાસ પડેલો કચરો અને તેના કારણે વધેલો મચ્છરોનો ઉપદ્રવ સમગ્ર વિસ્તારની સ્વચ્છતા વ્યવસ્થાની પોલ ખોલી રહ્યો છે. હજારો લોકો વસવાટ કરતા આ વિસ્તારમાં નિયમિત સફાઈ અને કચરો ઉઠાવવાની કામગીરી થવી જોઈએ તેવી સામાન્ય અપેક્ષા પણ તંત્ર પૂરી કરી શકતું નથી. રહીશોનો આક્ષેપ છે કે કચરો સમયસર નહીં ઉઠાવાતાં ગંદકી ફેલાય છે અને વરસાદ કે ગટરના પાણી સાથે કચરો રસ્તા પર ફેલાઈ જાય છે. એક તરફ પાલિકા સ્વચ્છતા માટે મોટા દાવા કરે છે, જ્યારે બીજી તરફ આટલી મોટી વસાહતમાં કચરો નિયમિત ઉઠાવવાની વ્યવસ્થા જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે રહીશોની માંગ છે કે માત્ર ફરિયાદ નોંધવાની કે આશ્વાસન આપવાની જગ્યાએ કચરો ઉઠાવવાની નિયમિત અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે.