હોટ ફિક્સના કચરાથી કરંજ-મગોબમાં ત્રાહિમામ : કચરો ફેંકનારને રોકવા નીતિ બનાવો, કરંજ-મગોબના મતદારોની કોર્પોરેટરોને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતના કરંજ-મગોબ વિસ્તારમાં હોટ ફિક્સ કામકાજમાંથી નીકળતા પ્લાસ્ટિક, સિલિકોન અને શીટ્સ જેવા કચરાનો બેફામ નિકાલ સ્થાનિકો માટે ગંભીર ન્યુસન્સ બની ગયો છે. ઘરે-ઘરે અને ગલીઓમાં ચાલતા હોટ ફિક્સિંગના કામમાંથી નીકળતો કચરો જાહેર રસ્તાઓ, શેરીઓ અને ખૂણામાં ખુલ્લેઆમ ફેંકવામાં આવતા હોવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વર્ષોથી પાલિકા માટે માથાનો દુખાવો બનેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતાં હવે વોર્ડ નં.15ના સ્થાનિક મતદારોએ કોર્પોરેટરોને પત્ર લખી હોટ ફિક્સના કચરાના નિયમન, એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે ચોક્કસ નીતિ બનાવવા તથા જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતના વરાછા ઝોન હોટ ફિક્સના કચરા માટે કુખ્યાત બની ગયો છે. આ સમસ્યાનો હલ પાલિકા તંત્ર દ્વારા કાયમી ધોરણે કરવામાં આવતો ન હોય સ્થાનિકોની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ જાહેરમાં નિકાલ કરાતા કચરાના કારણે પર્યાવરણ અને લોકોના આરોગ્ય બાદ હવે આગ લાગવાનું પણ શરુ થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કરંજ-મગોબ વિસ્તારમાં હોટ ફિક્સિંગનું કામ મોટા પ્રમાણમાં થાય છે. કામકાજ બાદ નીકળતા કચરાના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેથી કેટલાક લોકો તેને જાહેર રસ્તા અને શેરીઓમાં જ ઠાલવી સ્થાનિકો માટે જોખમ ઉભુ કરી રહ્યાં છે.

જાહેર રસ્તાઓ પર કચરો ફેલાતો હોવાથી વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સાંકડી શેરીઓ અને આંતરિક રસ્તાઓ પર કચરાના ઢગલા થતાં વાહન વ્યવહારને અસર થાય છે. કચરો અચાનક રસ્તા પર આવી જતાં અકસ્માતની શક્યતા પણ રહે છે. ઉપરાંત હોટ ફિક્સિંગમાંથી નીકળતો પ્લાસ્ટિક અને અન્ય કચરો ગટરમાં જતો હોવાથી ડ્રેનેજ લાઇન બ્લોક થવાની સમસ્યા ઊભી થાય છે. કચરો ખુલ્લામાં પડ્યો રહેતા ગંદકી અને પ્રદૂષણનું પ્રમાણ વધે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે હોટ ફિક્સના કચરાના ન્યુસન્સ અંગે તંત્રને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કચરો ક્યાંથી આવે છે, કોણ જાહેર સ્થળે ફેંકે છે અને તેના નિકાલની જવાબદારી કોની તે અંગે અસરકારક અને કાયમી વ્યવસ્થા ઊભી થઈ નથી. પરિણામે કચરો હટાવવામાં આવે તો થોડા સમય બાદ ફરી એ જ સ્થળોએ ઢગલા જોવા મળે છે. આ પરિસ્થિતિ વચ્ચે વોર્ડ નં. 15ના સ્થાનિક મતદારોએ કોર્પોરેટરોને પત્ર લખી પાલિકા સ્તરે હોટ ફિક્સના કચરાના નિયમન માટે ચોક્કસ નીતિ બનાવવાની માંગ કરી છે. સાથે જ જાહેર રસ્તા કે શેરીમાં હોટ ફિક્સનો કચરો ફેંકનાર સામે દંડનીય જોગવાઈ કરી તેનો કડક અમલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હવે સ્થાનિકોની આ રજૂઆત બાદ પાલિકા તંત્ર અને વોર્ડના કોર્પોરેટરો હોટ ફિક્સના કચરાના ન્યુસન્સને ગંભીરતાથી લઈ સમગ્ર શહેર માટે કોઈ ચોક્કસ નીતિ બનાવે છે કે નહીં અને કરંજ-મગોબના સ્થાનિકોને આ લાંબા સમયથી ચાલતી સમસ્યામાંથી કાયમી રાહત મળે છે કે નહીં તે જોવું રહ્યું.




