ગણેશજીની વિસર્જન યાત્રામાં ભક્તિ સાથે ગરબાનો રંગ : સુરતની રહેણાંક સોસાયટીઓ સંસ્કૃતિના રંગે રંગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganesh Visarjan : સુરતમાં ગણેશોત્સવની ઉજવણી બાદ આજે શ્રીજીની વિસર્જન યાત્રાઓ ભક્તિ અને ઉત્સાહભેર નીકળી હતી. શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં ગણેશજીની વિદાય માટે નીકળેલી યાત્રાઓમાં આ વખતે ગુજરાતી સંસ્કૃતિનો રંગ પણ જોવા મળ્યો હતો. ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ વચ્ચે ગરબાની ધૂન ગૂંજતી હતી અને ગણેશ ભક્તો ગરબાની તાલે ઝૂમીને બાપ્પાને વિદાય આપી રહ્યા હતા.
શ્રીજીની વિદાય સાથે જાણે સુરતની સોસાયટીઓમાં નવરાત્રીનું પણ આગોતરું સ્વાગત થયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અનેક સોસાયટીઓમાં ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી ભક્તિભાવ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે વિસર્જનના દિવસે પણ મહિલાઓ, યુવતીઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગણેશજીની પ્રતિમાને વિદાય આપવા નીકળેલી યાત્રામાં ઢોલ-નગારાં સાથે ગરબાની ધૂન વગાડવામાં આવી હતી. ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે ‘અંબા આવો તો રમીએ ગરબા’ સહિતના ગરબાના સૂર પર ભક્તો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. આમ, મહારાષ્ટ્રના ગણપતિ ઉત્સવ સાથે ગુજરાતની ગરબા પરંપરાનો સુંદર સંગમ વિસર્જન યાત્રામાં જોવા મળ્યો હતો.
ખાસ કરીને રહેણાંક સોસાયટીઓમાં મહિલાઓ અને યુવતીઓએ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં ગરબા રમીને શ્રીજીને વિદાય આપી હતી. કેટલાક સ્થળે બાળકો પણ ગરબામાં જોડાયા હતા. ગણેશજીની પ્રતિમાની આગળ ભક્તિભાવથી ગરબા રમતા લોકો અને પાછળ વિસર્જન માટે આગળ વધતી યાત્રાના દૃશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિસર્જન યાત્રાના આ દૃશ્યોના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં હવે નવરાત્રીના આગમનની તૈયારીઓ પણ શરૂ થવાની છે ત્યારે ગણેશજીની વિદાયના દિવસે જ ગરબાની રમઝટે સુરતના વાતાવરણમાં નવરાત્રીનો માહોલ ઊભો કરી દીધો હતો. ભક્તિ, ઉત્સવ અને ગુજરાતી સંસ્કૃતિના આ અનોખા રંગે ગણેશ વિસર્જન યાત્રાને પણ યાદગાર બનાવી હતી.




