સુરત પાલિકાના 10 લાખ ટનના કચરાના ઢગલામાં આગ, ખજોદ ડમ્પિંગ સાઇટે પાલિકા તંત્રને દોડતું કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : ખજોદમાં 10 લાખ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં પાલિકા તંત્રની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી, ત્યાં હવે કચરાના ઢગલામાં આગની ઘટનાઓએ નવી ચિંતા ઊભી કરી છે. કચરા વ્યવસ્થાપનની કામગીરી લઈને સી.ડી.ટ્રાન્સપોર્ટની વિવાદી વચ્ચે બુધવારે ફરી કચરામાં આગ લાગતાં પાલિકા અને ફાયર વિભાગમાં દોડધામ મચી હતી. કોલ બાદ ભીમરાડ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંચ હજાર લિટર પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી હતી જોકે, ખજોદમાં આગની ઘટના બને છતાં તેનો મામલો ગાજે નહીં તે માટે માહિતી દબાવવાના પ્રયાસો થયાની ચર્ચાએ સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી છે.
ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના નિકાલ અને વ્યવસ્થાપન ને લઈને ગત ડિસેમ્બર-જાન્યુઆરીથી જ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. સાઇટ પર કચરાના ઢગલા સતત વધતા જતા હોવાથી હવે 10 લાખ ટનથી વધુ કચરો એકઠો થઈ ગયો છે. આટલા મોટા પ્રમાણમાં કચરો પડ્યો હોવા છતાં તેના વ્યવસ્થિત નિકાલ અને પ્રક્રિયાને લઈને પાલિકા તંત્રની કામગીરી સામે આંગળી ચીંધાઈ રહી છે. તેમાં પણ કચરા વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતા સી.ડી. ટ્રાન્સપોર્ટની કામગીરી અગાઉથી જ વિવાદમાં રહી છે. ખાસ કરીને થોડા મહિના અગાઉ ખજોદ સાઇટ પર કચરામાં આગ લાગવાની અવારનવાર ઘટનાઓ સામે આવી હતી.
આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગે પણ દોડધામ કરવી પડી હતી. લાંબા સમય બાદ બુધવારે ફરી કચરામાં આગ લાગતાં જૂની ઘટનાઓની યાદ તાજી થઈ હતી. બપોરે 3.56 વાગ્યે ફાયર વિભાગને આગનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ભીમરાડ ફાયર સ્ટેશનની ગાડી ખજોદ સાઇટ પર મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે પાંચ હજાર લિટર પાણીનો છંટકાવ કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સાંજે 5.29 વાગ્યે ફાયર વિભાગની ગાડી પરત ફરી હતી. આમ, કોલ મળ્યાથી લઈને કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આશરે દોઢ કલાક સુધી પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ એલર્ટ રહ્યા હતા. બીજી તરફ, ખજોદ સાઇટ પર આગની ઘટના બન્યા બાદ તેની સત્તાવાર માહિતી જાહેર ન થાય તે માટે પ્રયાસો થયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. એક તરફ સાઇટ પર લાખો ટન કચરો પડેલો છે અને બીજી તરફ કચરા વ્યવસ્થાપનની કામગીરી પહેલેથી જ વિવાદમાં છે ત્યારે આગની ઘટના છુપાવવાના પ્રયાસોની ચર્ચા તંત્રની પારદર્શિતા સામે પણ સવાલ થયા છે.




