Surat

સુરતમાં ગુજરાતના મેયરોની બેઠક અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જ કેમ્પસમાં કુતરાના આંટાફેરા

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં 100 કરોડના અર્બન ઓબ્ઝર્વેટરી સેન્ટર ખાતે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેયર્સની બેઠક યોજાઈ હતી. રાજ્યના તમામ મેયરો સુરતની કામગીરીની વાહવાહી કરી રહ્યા હતા, ત્યારે જ સેન્ટરની બહાર રખડતા કૂતરાં બિન્દાસ્ત આંટાફેરા મારતા જોવા મળ્યા. હજારો કેમેરાથી શહેર પર નજર રાખતી પાલિકા પોતાની જ કરોડોની મિલકતને રખડતા કૂતરાઓથી બચાવવામાં નિષ્ફળ રહેતા સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગુજરાતના મેયરોની બેઠક અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જ કેમ્પસમાં કુતરાના આંટાફેરા

Surat News : સુરતમાં સુરત પાલિકાની કામગીરીની વાહવાહીના દાવા વચ્ચે જ તંત્રની વાસ્તવિકતાનો નજારો જોવા મળ્યો હતો. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેયર્સની ગુજરાત પ્રદેશ સ્તરની બેઠકમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાના મેયરો હાજર રહી સુરતની કામગીરી અને વ્યવસ્થાની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે સ્થળ બનેલા 100 કરોડ રૂપિયાના અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની બહાર રખડતા કૂતરાઓ બિન્દાસ્ત આંટાફેરા મારી રહ્યા હતા. એક તરફ હજારો કેમેરાથી શહેરની સમસ્યાઓ પર નજર રાખતી અને ટ્રાફિક, આગ, પૂર સહિતની ઇમરજન્સી સ્થિતિનું મોનિટરિંગ કરતી પાલિકા, તો બીજી તરફ પોતાની જ અદ્યતન અને કરોડો રૂપિયાની મિલકતની બહાર રખડતા કૂતરાઓને રોકવામાં નિષ્ફળ રહેતી પાલિકા આ વિરોધાભાસે સુરતની કામગીરીની વાહવાહી વચ્ચે જ તંત્રની કામગીરી સામે સવાલ ઊભો કર્યો છે.
સ્માર્ટ સિટી મિશન હેઠળ ઉધના-મગદલ્લા રોડ પર મેયર બંગલાની બાજુમાં આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે આ અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરની મહત્વની ઇમરજન્સી સેવાઓનું મોનિટરિંગ, સંકલન અને નિયંત્રણ કરવા માટે બનાવવામાં આવેલા આ કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આઈસીસીસીમાંથી શહેરમાં લગાવવામાં આવેલા હજારો કેમેરા મારફતે ટ્રાફિક વ્યવસ્થા, આગ, પૂર અને અન્ય ઇમરજન્સી પરિસ્થિતિ સહિતની વિવિધ બાબતો પર નજર રાખવામાં આવે છે. પાલિકાની વિવિધ સેવાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ડેટા સેન્ટર, પ્રેસ અને મીડિયા બ્રીફિંગ રૂમ તેમજ અધિકારીઓની બેઠક માટેની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. એટલે કે શહેરની અનેક સમસ્યાઓ પર નજર રાખવા અને તાત્કાલિક કાર્યવાહી માટે કરોડો રૂપિયાનું અદ્યતન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ આ જ કેન્દ્રની બહાર રખડતા કૂતરાઓના આંટાફેરા જોવા મળતાં પાલિકાની રખડતા કૂતરા નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલ ઊભો થયો છે.
ખાસ કરીને જ્યારે રાજ્યની તમામ મહાનગરપાલિકાના મેયરોની બેઠક અહીં ચાલી રહી હતી અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા, ત્યારે જ બિલ્ડિંગના કેમ્પસમાં રખડતા કૂતરા જોવા મળ્યા હતા. પરિણામે પાલિકાની પોતાની જ કરોડો રૂપિયાની મિલકત રખડતા કૂતરાથી સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ બેઠકમાં ગુજરાતની તમામ મહાનગરપાલિકાના મેયરો હાજર હતા ત્યારે મેયરોની હાજરીમાં સુરતની વ્યવસ્થાની વાહવાહી થઈ રહી હતી ત્યારે જ આઈસીસીસીની બહાર કુતરાના આંટાફેરા સુરત પાલિકાની કામગીરી ની બીજી તસવીર બતાવી રહ્યા હતા.