VIDEO: મોંઘવારી છતાં સુરતીઓનો જોશ હાઈ! ચંદી પડવે કરોડોની ઘારી ખવાશે, જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા અને શું છે તેના લાભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ghari Sweet: સુરતની વાત આવે અને ચંદી પડવાની ઘારી યાદ ન આવે તેવું તો કેમ ચાલે? સુરતીઓ માટે ચંદી પડવાનો તહેવાર એટલે માત્ર એક તહેવાર નહીં, પણ અસલી ખાણીપીણીનો મહાઉત્સવ છે. આ વર્ષે પણ સુરતીઓ આ ઉત્સવમાં કરોડો રૂપિયાની ઘારી ખાશે. જોકે, મોંઘવારીની અસર આ વર્ષે ઘારીના ભાવો પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ડ્રાયફ્રૂટ્સ, માવો અને શુદ્ધ ઘીના ભાવોમાં વધારાના કારણે ઘારીના ભાવમાં પ્રતિ કિલો આશરે 100થી 150 રૂપિયા સુધીનો વધારો થયો છે. જેના કારણે ટ્રેન્ડી ઘારી કરતાં પરંપરાગત અને સાદી ઘારીનું વેચાણ વધુ રહેવાનું અનુમાન છે.
ઘારી બનાવવાની પરંપરાગત અને ઝીણવટભરી રીત
સુરતી ઘારીની વિશેષતા તેનો અદ્ભુત સ્વાદ અને બનાવવાની ખરી રીત છે. સૌપ્રથમ શુદ્ધ દૂધને કઢાઈમાં ઉકાળીને ઘટ્ટ માવો (ખોયા) તૈયાર કરવામાં આવે છે. આ માવામાં કાજુ, બદામ, પિસ્તા, ચરોળી અને ખાસ સુગંધિત મસાલા તથા કેસરનું મિશ્રણ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મેંદાના લોટમાં ઘીનું મોણ નાખીને તેનો લોટ બાંધવામાં આવે છે અને તેની નાની રોટલી બનાવી તેમાં માવા-ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ ભરીને ગોળ આકાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા પછી ઘારીને શુદ્ધ દેશી ઘીમાં તળવામાં આવે છે અને બહાર કાઢ્યા બાદ તેના પર ભરપૂર માત્રામાં શુદ્ધ ઘી અને માવાની પરત (કોટીંગ) ચઢાવવામાં આવે છે, જે તેને એકદમ હેવી અને જ્યુસી બનાવે છે.
ચંદી પડવા અને તાત્યા ટોપેનો રોયલ ઇતિહાસ
ઘારી ખાવાની આ પરંપરાનો સીધો ઇતિહાસ સ્વાતંત્ર્ય સંગ્રામ અને ક્રાંતિવીર તાત્યા ટોપે સાથે જોડાયેલો છે. લોકવાયકા મુજબ, 1857ના સંગ્રામ વખતે ક્રાંતિવીર તાત્યા ટોપે જ્યારે વિજય મેળવ્યા બાદ સુરત આવ્યા હતા, ત્યારે તેમના સ્વાગત માટે અને સૈનિકોને યુદ્ધમાં અશક્ત શરીરને ફરી તાકાત મળે તે માટે દૂધના માવા, ઘી, બદામ, પિસ્તા અને કેસરથી આ ખાસ શક્તિવર્ધક મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી, જે આજની 'સુરતી ઘારી' તરીકે ઓળખાય છે.
ચંદી પડવા કે શિયાળામાં જ ઘારી કેમ ખવાય છે?
ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થાય છે. શિયાળામાં શરીરને વધુ કેલરી અને સ્ટેમિનાની જરૂર પડે છે. શુદ્ધ ઘી, માવો, બદામ, પિસ્તા અને કેસરથી ભરપૂર ઘારી ખાવાથી શરીરને ગરમાવો અને ભરપૂર તાકાત મળે છે. શરદ પૂર્તિ કે ચંદી પડવા એ ઋતુ બદલાવનો સમય છે. આ દિવસે ચંદ્રની ચાંદનીમાં રાખેલી ઘારી ખાવાનું વિશેષ આયુર્વેદિક અને ધાર્મિક મહત્વ માનવામાં આવે છે, જે શરીરના પિત્ત અને વાયુના રોગો દૂર કરવામાં મદદરૂપ બને છે.
ઘારી પર મોંઘવારીની અસર
આ વર્ષે ડ્રાયફ્રૂટ્સ, શુદ્ધ ઘી અને માવાના ભાવોમાં વધારાના કારણે ઘારીના ભાવમાં પ્રતિ કિલો આશરે રૂ. 100 થી 150 સુધીનો વધારો થયો છે. બજારમાં સામાન્ય માવા ઘારીનો ભાવ પ્રતિ કિલો રૂ. 900 આસપાસ પહોંચ્યો છે, જ્યારે કેસર, બદામ-પિસ્તા જેવી સ્પેશિયલ ઘારી રૂ. 1000 થી 1300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
વિદેશોમાં પણ સુરતી ઘારીની માંગ
મોંઘવારી છતાં સુરતની આ મીઠાઈની લોકપ્રિયતા માત્ર સ્થાનિક સ્તરે સીમિત નથી રહી પણ વિદેશો સુધી છે. રોજગાર કે વ્યવસાય અર્થે વિદેશ કે અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા મૂળ સુરતીઓ માટે ચંદી પડવે ઘારી મંગાવવી એ એક લાગણી સમાન છે. આ કારણે સ્થાનિક બજાર ઉપરાંત વિદેશોમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.
આ વર્ષનું મુખ્ય આકર્ષણ: 'Gen-Z' અને 'જંતર-મંતર' ઘારી!
આ વર્ષે ગ્રાહકોને અને ખાસ કરીને યુવા પેઢીને આકર્ષવા માટે મીઠાઈ વિક્રેતાઓએ અનોખા પ્રયોગો કર્યા છે. યુવા પેઢીના મોડર્ન ફ્લેવર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી 'Gen-Z'ઘારીનો ભાવ રૂ. 1200 પ્રતિ કિલો છે. બીજી ટ્રેન્ડી ઘારી છે 'જંતર-મંતર' ઘારી. જે નામ પ્રમાણે જ અદ્ભુત છે. આ ઘારીના અડધા ભાગ પર સોનાનું અને અડધા ભાગ પર ચાંદીનું વરખ લગાડવામાં આવ્યું છે, જેના માત્ર 1 પીસનો ભાવ રૂપિયા 1000 રાખવામાં આવ્યો છે!
ભલે ભાવ વધ્યા હોય, પણ સુરતીઓનો ખાણીપીણીનો જોશ અને ઉત્સાહ ક્યારેય ઓછો થતો નથી. અને આ ચંદી પડવે પણ સુરત ફરી એકવાર ઘારીના અનોખા સ્વાદમાં ગળાડૂબ થવા માટે તૈયાર છે!




