Surat

સુરતના મેયર માટે ભાજપની વાહવાહી મહત્ત્વની, ગરીબ બાળકોની આંગણવાડી નહીં : ભાજપની વાહવાહી સભાનો વિષય, ગરીબ બાળકોની આંગણવાડીનો પ્રશ્ન વિષય બહાર

By GS Team
27 Oct 20263 mins read
TukuTouch Logo
સુરત પાલિકાની સામાન્ય સભામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 10 હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી પાલિકાના દાવા છતાં, બમરોલીમાં 40થી 50 ગરીબ બાળકોની આંગણવાડી ભાડાના ઓટલા પર ચાલી રહી છે. ભાજપના જ કોર્પોરેટર મેહુલ પટેલે યોગ્ય જગ્યાની માંગ કરતા, મેયરે તેમને વિષય બહારની વાત કહી બેસાડી દીધા. જોકે, અન્ય ભાજપના સભ્યોને પ્રશંસા કરવા દેવાયા. આથી મેયરના વલણ સામે સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના મેયર માટે ભાજપની વાહવાહી મહત્ત્વની, ગરીબ બાળકોની આંગણવાડી નહીં : ભાજપની વાહવાહી સભાનો વિષય, ગરીબ બાળકોની આંગણવાડીનો પ્રશ્ન વિષય બહાર

Surat Corporation : 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતી સુરત પાલિકા સ્માર્ટ આંગણવાડીના દાવા કરે છે, પરંતુ તેની જ હદમાં ગરીબ અને શ્રમજીવી પરિવારોનાં 40થી 50 બાળકોની આંગણવાડી ભાડાના ઓટલા પર ચાલી રહી હોવાની ગંભીર હકીકત સામાન્ય સભામાં બહાર આવી છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના જ કોર્પોરેટરે આ બાળકો માટે યોગ્ય જગ્યા ફાળવવાની માગ કરતાં મેયરે તેમને વિષય બહારની વાત કહી બેસાડી દીધા હતા. બીજી તરફ, ભાજપના ગરબાના આયોજનની વાહવાહીથી માંડી સુરતના ઇતિહાસ અને ચંદની પડવાના તહેવારની વાતો કરનારા સભ્યોને કોઈ રોકટોક કરવામાં આવી ન હતી. આમ, ભાજપની પ્રશંસા માટે છૂટ અને ગરીબ બાળકોની આંગણવાડીના પ્રશ્ને રોકટોક મેયરના વલણ સામે સવાલો ઉભા થયા છે
સુરત પાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ભાજપના કોર્પોરેટરોએ વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. કેટલાક સભ્યોએ નવરાત્રી દરમિયાન ભાજપ દ્વારા યોજાયેલા ગરબાના આયોજનની પ્રશંસા કરી હતી, તો કેટલાકે સુરતના ઇતિહાસ અને ચંદની પડવાના તહેવારની વાતો કરી હતી. આ દરમિયાન મેયર માયા માવાણીએ કોઈ સભ્યને વિષય બહારની વાત નહીં કરવા ટકોર કરી ન હતી. જોકે, ભાજપના જ કોર્પોરેટર મેહુલ પટેલે પોતાના વિસ્તારના ગરીબ બાળકોની આંગણવાડીનો પ્રશ્ન ઉઠાવતાં તેમને અટકાવવામાં આવ્યા હતા.
મેહુલ પટેલે રજૂઆત કરી હતી કે બમરોલીની જય અંબે સોસાયટી આસપાસ મોટી સંખ્યામાં શ્રમજીવી અને પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં આવેલી આંગણવાડી ક્રમાંક 95 માટે યોગ્ય મકાન કે જગ્યા ઉપલબ્ધ નથી. પરિણામે એક વ્યક્તિના ઘરના ઓટલાનું ભાડું ચૂકવીને આંગણવાડી ચલાવવામાં આવી રહી છે. અહીં આશરે 40થી 50 બાળકો આવે છે. આ બાળકોને યોગ્ય વાતાવરણમાં આંગણવાડીની સુવિધા મળી રહે તે માટે પાલિકાએ જગ્યા ફાળવવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. આ વિસ્તારમાં ગંદકીની સમસ્યા પણ હોવાનું મેહુલ પટેલે જણાવ્યું હતું. શ્રમજીવી પરિવારોનાં નાનાં બાળકો માટે યોગ્ય જગ્યા અને સ્વચ્છ વાતાવરણની જરૂરિયાત હોવા છતાં આંગણવાડી ભાડાના ઓટલા પર ચલાવવી પડે તે સ્થિતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, રજૂઆત દરમિયાન મેયરે તેમને વિષય પર બોલવાની ટકોર કરીને બેસાડી દીધા હતા.
સામાન્ય સભામાં એક તરફ ભાજપના કાર્યક્રમોની પ્રશંસા કરનારા સભ્યોને બોલવાની છૂટ આપવામાં આવી અને બીજી તરફ ગરીબ બાળકોની સુવિધાનો પ્રશ્ન ઉઠાવનારા સત્તાપક્ષના જ સભ્યને અટકાવવામાં આવતાં મેયરના વલણ અંગે ચર્ચા શરૂ થઈ હતી. સુરત પાલિકા એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો અને સ્માર્ટ સુવિધાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ શ્રમજીવી પરિવારોનાં બાળકો માટે આંગણવાડીની યોગ્ય જગ્યા પણ ઉપલબ્ધ નહીં હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ખાસ કરીને પાલિકાના જ સત્તા પક્ષના સભ્યએ આ સ્થિતિ સામાન્ય સભામાં રજૂ કરી હોવા છતાં તેમની વાતને પૂરતું મહત્ત્વ નહીં અપાયું હોવાનો સવાલ ઊભો થયો છે. આ ઘટનાએ સામાન્ય સભામાં કયા મુદ્દાને પ્રાધાન્ય અપાય છે તે અંગે પણ ચર્ચા જગાવી છે. ભાજપના કાર્યક્રમો અને તહેવારોની પ્રશંસા સભામાં થઈ શકે, પરંતુ ગરીબ બાળકો માટે આંગણવાડીની જગ્યા ફાળવવા માંગ વિષય બહારની ગણવામાં આવે તો સામાન્ય નાગરિકોના પ્રશ્નો રજૂ કરવા માટેની સામાન્ય સભાની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થાય છે.