ભાજપના સભ્યનો ઘટસ્ફોટ : સુરત પાલિકાની તિજોરીને કરોડોનું નુકસાન, નવા પ્રોજેક્ટમાં વેરાની આકારણી જ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાની તિજોરી મજબૂત બનાવવાની જવાબદારી ધરાવતા કેટલાક કર્મચારીઓ જ પોતાના અંગત સ્વાર્થ માટે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ ભાજપના જ સભ્યએ કરતાં આજે સામાન્ય સભામાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરના નવા વિસ્તારોમાં મોટા મોટા પ્રોજેક્ટ ઊભા થઈ ગયા હોવા છતાં હજારો મિલકતોની વેરા આકારણી કરવામાં આવતી નથી. એટલું જ નહીં, કેટલાક કર્મચારીઓ મિલકતધારકો સાથે કથિત સેટિંગ કરીને ઓછો વેરો નક્કી કરતા હોવાનો આક્ષેપ પણ ભાજપના સભ્ય ધર્મેશ ભાલાળાએ કર્યો હતો.
વેસુ જેવા પોશ વિસ્તારમાં પોતાના નવા ઘરનું જ ત્રણ વર્ષથી વેરાબિલ નહીં આવતું હોવાનો દાખલો આપીને તેમણે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. નવા વિસ્તારોમાં 50 ટકા જેટલી મિલકતો વેરાની આકારણીથી વંચિત હોવાનો દાવો કરતાં તેમણે યોગ્ય કામગીરીથી પાલિકાની આવકમાં 100 કરોડ રૂપિયા સુધીનો વધારો થઈ શકે તેમ હોવાનું જણાવ્યું હતું. સામાન્ય સભામાં મિલકતવેરાની આકારણીનો મુદ્દો ઉઠાવતાં ધર્મેશ ભાલાળાએ જણાવ્યું હતું કે, સુરતમાં નવા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. સંખ્યાબંધ નવા રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ બની રહ્યા છે, પરંતુ તેની સામે પાલિકાની વેરા આકારણીની કામગીરી અત્યંત ધીમી છે. પોતે વેસુના વીઆઈપી વિસ્તારમાં નવા મકાનમાં રહે છે, પરંતુ ત્રણ વર્ષથી વેરાબિલ આવ્યું નથી. આ અંગે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પોતાના ઘર જેવી સ્થિતિ શહેરની હજારો મિલકતોની હોવાનો તેમણે દાવો કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં આ મુદ્દે રજૂઆત કર્યા બાદ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, પરંતુ કામગીરીમાં અપેક્ષિત ઝડપ આવી નથી. તાજેતરમાં માત્ર પાંચ દિવસમાં 32 હજાર મિલકતો ધ્યાન પર આવી હોવાનું અને રીવીઝન ની કામગીરી દરમિયાન પણ હજારો મિલકતો સામે આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વરાછા ઝોનમાં જ આકારણી સંબંધિત બે હજાર જેટલી અરજીઓ પડતર હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. નવા વિસ્તારોમાં અંદાજે 50 ટકા મિલકતો વેરાની આકારણીથી વંચિત હોવાનો દાવો કરતાં તેમણે આ સ્થિતિને પાલિકાની આવક માટે ગંભીર ગણાવી હતી. કેટલાક કર્મચારીઓની કામગીરી સામે સીધા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોઈ મિલકતનો કાયદેસર વેરો બે લાખ રૂપિયા થતો હોય તો કેટલાક કર્મચારીઓ અંગત લાભ માટે મિલકતધારક સાથે સેટિંગ કરીને માત્ર 50 હજાર રૂપિયાની આકારણી કરી દે છે. આવા કિસ્સામાં કર્મચારીને 25 હજાર રૂપિયાનો અંગત લાભ થતો હોય તો પાલિકાને દોઢ લાખ રૂપિયાનું નુકસાન થાય છે. આ પ્રકારની ગેરરીતિ કરતા કર્મચારીઓની તપાસ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી હતી.
આકારણી વિભાગમાં કર્મચારીઓની અછત હોવાની ફરિયાદનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગના કર્મચારીઓને વારંવાર અન્ય કામગીરી સોંપવામાં આવે છે. પતરાનાં રૂમ જેવી નાની મિલકતોનો વેરો દાખલ કરવામાં આવે છે, પરંતુ મોટા પ્રોજેક્ટની આકારણી બાકી રહે તે યોગ્ય નથી. આકારણીના કર્મચારીઓને અન્ય કાર્યક્રમો અને જવાબદારીઓમાંથી મુક્ત રાખીને માત્ર આવક વધારવાની કામગીરીમાં જોતરવા જોઈએ. તેમણે મ્યુનીસીપલ કમિશ્નરની અધ્યક્ષતામાં વિશેષ સમિતિ રચવા અને દર મહિને આકારણીની કામગીરીની સમીક્ષા કરવાની માગ કરી હતી. જરૂર પડે તો કરાર આધારિત વધારાના કર્મચારીઓ રાખીને 60 દિવસની વિશેષ ઝુંબેશ ચલાવવી જોઈએ. આ કામગીરી ગંભીરતાથી કરવામાં આવે તો પાલિકાની આવકમાં 50થી 100 કરોડ રૂપિયા સુધીનો વધારો થઈ શકે તેમ હોવાનું તેમણે દાવો કર્યો હતો.




