વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક, શિક્ષકો શેરીઓમાં અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસરની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ કરાવવા અને પુનરાવર્તન કરાવવાની જગ્યાએ શિક્ષકોને વિવિધ બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નિપુણ પખવાડિયાના નામે શિક્ષકોને વર્ગખંડની બહાર શેરીઓ, બજારો અને રહેણાક વિસ્તારમાં પ્રવૃત્તિઓ કરાવવા માટે મોકલવામાં આવી રહ્યા છે. એક તરફ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવાનો નિર્ણાયક સમય છે, તો બીજી તરફ કાર્યક્રમોના અમલીકરણમાં શિક્ષકોનો સમય વપરાતા વર્ગખંડમાં ભણતર અને પરીક્ષાની તૈયારી પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
બાળકોને માત્ર પાઠ્યપુસ્તક ના આધારે નહીં, પરંતુ રોજિંદા જીવનના અનુભવો માંથી પણ શીખવવા માટે રાજ્યભરની શાળાઓમાં 15 દિવસનું ‘નિપુણ પખવાડિયું’ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
બાલવાટિકાથી ધોરણ-5 સુધીના બાળકો માટે તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં શેરી, બજાર, ઘર, વડીલો અને સ્થાનિક સમુદાયના માધ્યમથી ભાષા, ગણિત, પર્યાવરણ અને સામાજિક વ્યવહારનું જ્ઞાન આપવાની જોગવાઈ છે. કાર્યક્રમનો હેતુ બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન મજબૂત કરવાનો છે. જોકે, આ હેતુ સામે સુરત શિક્ષણ સમિતિની શાળામાં કાર્યક્રમના અમલીકરણ માટે પસંદ કરાયેલા સમયને લઈને સવાલ ઉઠી રહ્યા છે. નિપુણ પખવાડિયા દરમિયાન શિક્ષકોએ બાળકોને શેરીની સફર કરાવવી, રસ્તામાં આવતા દરવાજા, ઝાડ અને પ્રાણીઓની ગણતરી કરાવવી, શેરી નો નકશો દોરાવવો તથા દુકાનદારો અને પડોશીઓ પાસેથી માહિતી મેળવવા જેવી પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે.
બજારની મુલાકાત દરમિયાન વસ્તુઓના ભાવ નોંધવા, બે દુકાનોના ભાવની સરખામણી કરવી અને સરવાળા કરાવવા ઉપરાંત ધ્વનિ ઓળખ, રંગોળી દ્વારા ભૂમિતિની સમજ, પાણીના વપરાશનું નિરીક્ષણ અને ઘરથી શાળા સુધીનો નકશો બનાવવા જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે. આ પ્રવૃત્તિ બાળકોને વ્યવહારુ જ્ઞાન આપવામાં ઉપયોગી બની શકે છે, પરંતુ તેના માટે શિક્ષકોને વર્ગખંડની બહાર સમય ફાળવવો પડે છે. પરીક્ષા નજીક હોય ત્યારે અભ્યાસક્રમનો બાકી રહેલો હિસ્સો પૂર્ણ કરાવવો, મુશ્કેલ વિષયો સમજાવવા, અગાઉ ભણાવેલા પાઠનું પુનરાવર્તન કરાવવું અને વિદ્યાર્થીઓની શંકાઓનું નિરાકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. આવી સ્થિતિમાં કાર્યક્રમો અને નિયમિત શિક્ષણ વચ્ચે સંતુલન જળવાય છે કે નહીં તે મહત્વનો પ્રશ્ન છે. શિક્ષણ સમિતિની શાળામાં અગાઉથી જ વિવિધ કાર્યક્રમો અને બિનશૈક્ષણિક કામગીરી ને કારણે શિક્ષકોના સમયના ઉપયોગ અંગે સવાલો ઊઠતા રહ્યા છે. હવે નિપુણ પખવાડિયાની પ્રવૃત્તિઓ પણ ઉમેરાતાં શિક્ષકોની નિયમિત શૈક્ષણિક કામગીરી માટે કેટલો સમય બચશે તેની ચિંતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને પરીક્ષાની તૈયારીના તબક્કે વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ સમય ન મળે તો તેની અસર તેમના પરિણામ પર પડી શકે છે.
પ્રવૃત્તિની નોંધ, ફોટોગ્રાફ અને અહેવાલની જવાબદારી પણ શિક્ષકોના શિરે
નિપુણ પખવાડિયાનો હેતુ બાળકોને આનંદદાયક અને અનુભવ આધારિત શિક્ષણ આપવાનો છે, પરંતુ કાર્યક્રમના અમલીકરણમાં શિક્ષકોની જવાબદારી પણ ઓછી નથી. 15 દિવસ દરમિયાન અલગ-અલગ વિષય આધારિત પ્રવૃત્તિઓ યોજવાની સાથે બાળકોની પ્રગતિનું અવલોકન કરવું, તેની નોંધ રાખવી, ફોટોગ્રાફ દ્વારા દસ્તાવેજીકરણ કરવું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અહેવાલ તૈયાર કરવાની કામગીરી પણ શિક્ષકોએ કરવાની રહેશે. બાળકોની પ્રગતિને બીજ, છોડ અને વૃક્ષ એમ ત્રણ સ્તરે નોંધવાની જોગવાઈ છે. આ ઉપરાંત શેરી કે મહોલ્લાની બહાર પ્રવૃત્તિઓ યોજાય ત્યારે માર્ગની અગાઉથી ચકાસણી, વાલીઓને જાણ અને બાળકોની સલામતીની જવાબદારી પણ શિક્ષકોની રહેશે. એટલે કાર્યક્રમ માત્ર વર્ગખંડમાં પ્રવૃત્તિ કરાવવા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં આયોજન, દેખરેખ અને અહેવાલ તૈયાર કરવા જેવી કામગીરી પણ સામેલ છે.




