Surat

સુરત પાલિકાના પૂર્વ મેયરની ટકોર બાદ પાલિકા તંત્ર દોડતું થયું : 6 મહિનાથી ખોરંભે પડેલું રત્નમાલા બ્રિજનું કામ તાબડતોબ શરૂ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં રત્નમાલા બ્રિજના બીજા સ્પાનનું કામ છ મહિનાથી અધૂરું રહેતા વાહનચાલકો હેરાન હતા. પૂર્વ મેયર દક્ષેશ માવાણીની રજૂઆત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. કમિશનર સમક્ષ રજૂઆત થતાં બાકી કામ તાબડતોબ શરૂ કરાયું છે. હવે દશેરા સુધીમાં આખો બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની કવાયત હાથ ધરાઈ છે, જેથી ટ્રાફિક સમસ્યા હળવી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના પૂર્વ મેયરની ટકોર બાદ પાલિકા તંત્ર દોડતું થયું : 6 મહિનાથી ખોરંભે પડેલું રત્નમાલા બ્રિજનું કામ તાબડતોબ શરૂ

Surat Corporation : રત્નમાલા બ્રિજનું એક સ્પાન શરૂ થઈ ગયા બાદ બીજા સ્પાન માટે છ મહિનાથી રાહ જોતા વાહનચાલકોની મુશ્કેલી સામે આખરે પાલિકા તંત્ર દોડતું થયું છે. સામાન્ય સભામાં પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ બ્રિજના કામમાં થઈ રહેલા વિલંબ અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે તંત્રને વેધક સવાલો કર્યા હતા. ત્યારબાદ કમિશનર સમક્ષ રજૂઆત થતાં બાકી રહેલા સ્પાનનું કામ તાબડતોબ શરૂ કરવામાં આવ્યું છે અને દશેરા સુધી સમગ્ર બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની કવાયત હાથ ધરાઈ છે.
સામાન્ય સભા દરમિયાન દક્ષેશ માવાણીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે રત્નમાલા બ્રિજનું કામ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા ગત જાન્યુઆરી મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં બ્રિજનો એક સ્પાન પૂર્ણ કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે સમયે તંત્ર દ્વારા બીજા સ્પાનનું કામ બે મહિનામાં પૂર્ણ કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, બે મહિનાની સમયમર્યાદા વીતી ગયા બાદ પણ કામ પૂર્ણ થયું ન હતું અને હવે છ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો હતો.
રત્નમાલા બ્રિજની એક બાજુનું કામ અધૂરું રહેવાને કારણે અમરોલી રિવર બ્રિજ તરફના માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજનું બાકી કામ ઝડપથી પૂર્ણ થાય તો આ માર્ગ પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળી શકે તેમ હોવા છતાં કામમાં થઈ રહેલા વિલંબ સામે સવાલો ઊઠ્યા હતા.
અગાઉ પાલિકા તંત્ર દ્વારા રત્નમાલા બ્રિજને નવરાત્રી પહેલાં સંપૂર્ણ કાર્યરત કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં સમયમર્યાદા સુધી બાકી સ્પાનનું કામ પૂર્ણ ન થતાં નાગરિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરી હતી અને બ્રિજના કામમાં ઢીલાશ રાખવાને બદલે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
રજૂઆત બાદ પાલિકા તંત્ર દ્વારા બાકી રહેલા સ્પાનનું કામ ફરી ગતિમાં લાવવામાં આવ્યું છે. હાલમાં બાંધકામની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે અને આગામી દશેરા સુધીમાં સમગ્ર રત્નમાલા બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી અધૂરા રહેલા આ કામને કારણે પરેશાન વાહનચાલકોને હવે બ્રિજ સંપૂર્ણ ખુલ્લો થાય તેની રાહ જોવી પડી રહી છે.