Surat

સુરતમાં ડેન્ગ્યુના રિપોર્ટના ખેલ અહેવાલ બાદ હવે રિપોર્ટનો વિરોધાભાસ સામે આવ્યો : પૂર્વ કોર્પોરેટરની પૌત્રીના કેસમાં વિરોધાભાસ છતાં જવાબ નહીં, કાર્યવાહી પણ નહીં

By GS Team
10 Sep 20264 mins read
TukuTouch Logo
સુરતમાં ડેન્ગ્યુ રિપોર્ટના વિરોધાભાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અડાજણની 8 વર્ષીય શિવાન્યા પટેલનો ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે પાલિકાની તપાસમાં તે નેગેટિવ નીકળ્યો. પૂર્વ કોર્પોરેટરની પૌત્રી હોવા છતાં ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. 17માંથી 11 કેસમાં તફાવત અને એક જ દર્દીના બે રિપોર્ટ ડેન્ગ્યુ રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ડેન્ગ્યુના રિપોર્ટના ખેલ અહેવાલ બાદ હવે રિપોર્ટનો વિરોધાભાસ સામે આવ્યો : પૂર્વ કોર્પોરેટરની પૌત્રીના કેસમાં વિરોધાભાસ છતાં જવાબ નહીં, કાર્યવાહી પણ નહીં

Surat News : સુરતમાં ડેન્ગ્યુના પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટના ખેલ અંગે ગઈકાલે ઉઠાવાયેલા સવાલો વચ્ચે હવે એક જ દર્દીના હોસ્પિટલ અને પાલિકાના બે વિરોધાભાસી રિપોર્ટનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલના રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ, જ્યારે પાલિકાની તપાસમાં નેગેટિવ આવવા છતાં બંનેમાંથી સાચો રિપોર્ટ કયો તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. દર્દી પૂર્વ કોર્પોરેટરની પૌત્રી હોવાથી આ મામલે પાલિકામાં ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં હજુ સુધી જવાબદાર સામે કોઈ પગલાં લેવાયા નથી. એક તરફ 17માંથી 11 કેસમાં રિપોર્ટનો તફાવત અને બીજી તરફ એક જ દર્દીના બે વિરોધાભાસી રિપોર્ટ સામે આવતાં ડેન્ગ્યુના રિપોર્ટની વિશ્વસનીયતા સામે સવાલો વધુ ઘેરા બન્યા છે.
અડાજણની દર્પણ રેસીડન્સીમાં રહેતી આઠ વર્ષીય શિવાન્યા જેનીષ પટેલનો 5 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 6 ઓગસ્ટે પાલિકાની ફાઈલેરિયાની ટીમ તેના ઘરે પહોંચી બ્લડ સેમ્પલ લઈ ગઈ હતી અને ઘરની આસપાસ સફાઈની કામગીરી પણ હાથ ધરી હતી. જોકે પાલિકાની તપાસમાં આ જ દર્દીનો ડેન્ગ્યુ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. એક જ દર્દીનો હોસ્પિટલમાં પોઝિટિવ અને પાલિકાની લેબમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય તો સ્વાભાવિક રીતે બેમાંથી એક રિપોર્ટ ખોટો હોવો જોઈએ. આ ગંભીર વિરોધાભાસ અંગે પરિવાર દ્વારા પાલિકા તંત્રમાં ફરિયાદ કરી હતી. આ દર્દી પુર્વ કોર્પોરેટરના પૌત્રી હોવાથી પાલિકાના ઉચ્ચ અધિકારીને વિરોધાભાષી અહેવાલ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પુર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

6.JPG

આ તો ફરિયાદ કરી હોય તેવો એકાદ કિસ્સો છે પરંતુ સંખ્યાબંધ રિપોર્ટ હોસ્પિટલ લેબોરેટરીમાં પોઝીટીવ હોય તો પાલિકાની લેબમાં નેગેટિવ જાહેર થઈ રહ્યાં છે. તેથી બેમાંથી કોનો રિપોર્ટ સાચો અને કોનો ખોટો તે અંગે મોટો પ્રશ્ન ઉભો થયો છે. વધુ ગંભીર બાબત એ છે કે 5 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ જાહેર થયા બાદ પરિવાર સારવાર અને ચિંતામાં મુકાયો હતો. 6 ઓગસ્ટે પાલિકાની ટીમે સેમ્પલ લીધું અને જો તેનો નેગેટિવ રિપોર્ટ સમયસર સ્પષ્ટ રીતે સામે આવ્યો હોત તો પરિવારને ચાર દિવસ સુધી ચાલેલી મૂંઝવણ અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો ન હોત. ડેન્ગ્યુના નામે દર્દીને સારવાર, દવા, તપાસ અને હોસ્પિટલના ખર્ચનો સામનો કરવો પડે છે ત્યારે રિપોર્ટની ભૂલ સામાન્ય બાબત ગણી શકાય નહીં.
ગઈકાલે એક ઝોનમાં ખાનગી હોસ્પિટલના 17 ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓમાંથી 11ના પાલિકાની વીબીડીસી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. હવે આ કિસ્સો પણ સામે આવતાં હોસ્પિટલ અને પાલિકાના રિપોર્ટ વચ્ચેનો તફાવત માત્ર એકાદ કિસ્સો છે કે તેમાં કોઈ મોટી ગેરરીતિ છે તેની તપાસ જરૂરી બની છે.ફરિયાદ છતાં કાર્યવાહી કેમ નહીં તે સૌથી મોટો સવાલ છે. જો હોસ્પિટલનો રિપોર્ટ ખોટો હોય તો દર્દીને ખોટું નિદાન આપી સારવાર અને ખર્ચ કરાવનાર સામે પગલાં કેમ નહીં? અને જો પાલિકાનો રિપોર્ટ ખોટો હોય તો પાલિકાની લેબની તપાસ સામે જવાબદારી કેમ નક્કી ન થાય? કાર્યવાહી ન થવાથી હોસ્પિટલ અને પાલિકા વચ્ચે કોઈ ‘સેટિંગ’ છે કે કેમ તેવા આક્ષેપોને પણ બળ મળી રહ્યું છે. પાલિકાએ આક્ષેપોને માત્ર નકારી કાઢવાને બદલે બંને રિપોર્ટની નિષ્પક્ષ તપાસ કરાવી સાચો રિપોર્ટ કયો છે તે જાહેર કરી જવાબદાર સામે કડક પગલાં ભરવા જરૂરી બન્યું છે.
ડેન્ગ્યુના નામે મોંઘી દવાઓનો માર : ખિસ્સા સાથે તબિયત પણ ઢીલી થવાની ફરિયાદ
ડેન્ગ્યુના નામે સારવાર શરૂ થયા બાદ દર્દીઓના ખિસ્સા તો ઢીલા થાય જ છે, પરંતુ મોંઘી દવાઓ અને એન્ટિબાયોટિકના કારણે તબિયત પણ વધુ નબળી પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. દર્દીઓને શરીરમાં અશક્તિ, ઢીલાશ અને ભારે થાક અનુભવાય છે અને સારવાર દરમિયાન શું થઈ રહ્યું છે તેની પણ ઘણી વખત સમજ પડતી નથી. ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવનો રિપોર્ટ આવ્યા બાદ પરિવાર ગભરાઈ જાય છે અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરાવે છે. આ દરમિયાન વિવિધ તપાસ, દવાઓ અને ખાસ કરીને મોંઘી એન્ટિબાયોટિકનો ખર્ચ ઉમેરાતો જાય છે. દર્દીઓની ફરિયાદ છે કે સારવારનો ખર્ચ વધતો જાય છે અને સાથે શરીર પણ એટલું ઢીલું પડી જાય છે કે સામાન્ય દૈનિક કામકાજ કરવું પણ મુશ્કેલ બને છે.આ સમગ્ર મામલો ત્યારે વધુ ગંભીર બને છે. જ્યારે ખાનગી હોસ્પિટલના ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ બાદ પાલિકાની તપાસમાં એ જ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે. જો ખરેખર ડેન્ગ્યુ ન હોય અને માત્ર ખોટા કે શંકાસ્પદ રિપોર્ટના આધારે સારવાર શરૂ થઈ હોય તો દર્દીએ બિનજરૂરી દવા, તેના સંભવિત આડઅસર અને આર્થિક ખર્ચ બંનેનો ભોગ બનવું પડે છે. અંતે સવાલ માત્ર દર્દીના ખિસ્સાનો નથી, તેની તબિયતનો પણ છે. રિપોર્ટ સાચો છે કે ખોટો તે નક્કી કર્યા વગર ચાલતી સારવારમાં દર્દીને આર્થિક નુકસાન સાથે શરીર પર પણ બિનજરૂરી દવાઓનો બોજ સહન કરવો પડે તો તેની જવાબદારી નક્કી થવી જ જોઈએ.