ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો : ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકતાં પાલિકા દોડતી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : સુરતીઓના મનપસંદ પિકનિક પોઈન્ટ ડુમસમાં ભજીયાના સ્વાદ સાથે હવે સ્વચ્છતા સામે પણ સવાલ ઊભો થયો છે. ડુમસના જાણીતા પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મકોડો મળી આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. ગ્રાહકની જાગૃતિથી સામે આવેલી આ ઘટનાને પગલે પાલિકાનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો હતો. ટીમે પંચવટી ભજીયા કોર્નર સહિત ડુમસના અન્ય ભજીયા સ્ટોલની તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને સુરતમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તંત્ર તેમજ ગ્રાહકો સતર્ક બન્યા છે ત્યારે ડુમસના ભજીયામાંથી મકોડો મળી આવવાની ઘટનાએ લોકપ્રિય ખાણીપીણી સ્થળોની સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પાલિકા દ્વારા સંબંધિત સ્ટોલને નોટિસ આપી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ડુમસ સુરતીઓ માટે વર્ષોથી લોકપ્રિય પિકનિક પોઈન્ટ રહ્યું છે. ખાસ કરીને રવિવાર અને જાહેર રજાના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સુરતીઓ ડુમસ પહોંચી જતા હોય છે. ડુમસના ભજીયા પણ સુરતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે. શહેરની સરખામણીએ અહીં ભજીયાના ભાવ વધુ હોવા છતાં ટામેટા ભજીયા સહિતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા લોકોની ભારે ભીડ જોવા મળે છે.દરમિયાન પંચવટી ભજીયા કોર્નર પરથી લેવામાં આવેલા ટામેટા ભજીયામાં મકોડો મળી આવ્યો હોવાનો વીડિયો ગ્રાહક દ્વારા બનાવવામાં આવ્યો હતો. ભજીયામાં મકોડો દેખાતો હોવાના કારણે ગ્રાહકે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતાં ગણતરીના સમયમાં મામલો ચર્ચામાં આવ્યો હતો. ખાસ કરીને સુરતમાં તાજેતરમાં ખાદ્ય પદાર્થને કારણે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવ્યા બાદ લોકો પણ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વધુ જાગૃત બન્યા છે.વીડિયો વાયરલ થતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ડુમસ ખાતે તપાસ હાથ ધરી હતી. પંચવટી ભજીયા કોર્નરની સાથે આસપાસના અન્ય ભજીયા સ્ટોલમાં પણ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા, વાનગી તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થોના સંગ્રહ સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા સંબંધિત સ્ટોલને નોટિસ આપીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલ શ્રાવણ માસ તેમજ તહેવારોને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે તપાસ ઝુંબેશ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ડુમસના લોકપ્રિય ભજીયા સ્ટોલમાં મકોડો મળી આવવાની ઘટનાએ ખાદ્ય સ્વચ્છતાના નિયમોના પાલન અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. હવે પાલિકાની તપાસમાં શું બહાર આવે છે અને સંબંધિત સ્ટોલ સામે આગળ કઈ કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
પંચવટી ભજીયા કોર્નરને રૂ.5 હજારનો દંડ : 12 ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાયા, 7 સંસ્થાને નોટિસ
ડુમસના પંચવટી ભજીયા કોર્નરના ટામેટા ભજીયામાં મકોડો મળી આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પાલિકાના આરોગ્ય વિભાગે ડુમસ વિસ્તારમાં ખાણીપીણીના સ્ટોલ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે કુલ 16 સંસ્થાઓ ચેક કરી હતી. તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 12 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું પાલન નહીં કરનાર સંસ્થાઓને કુલ 7 નોટિસ ફટકારવામાં આવી હતી.તપાસ દરમિયાન 2 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન પંચવટી ભજીયા કોર્નર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પંચવટી ભજીયા કોર્નરને 5,000નો વહીવટી દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તપાસ કામગીરીના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ પાસેથી 1,000નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.









