સુરતના અંબાજી મંદિરમાં 20 વર્ષથી દિવેટમાં ઝળહળે છે એક ભક્તની આસ્થાની જ્યોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Navratri Special : હાલ ચાલી રહેલી નવરાત્રીમાં માતાજીની આરાધનાના અનેક રંગ જોવા મળી રહ્યા છે. કોઈ ભક્ત માતાજીને સાડી અર્પણ કરે છે, તો કોઈ પ્રસાદ અને શણગારની વસ્તુઓ ધરાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ત્યારે સુરતના કોટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં મા અંબાના એક ભક્તની આરાધનાની રીત અનોખી છે. મીઠાઈના વ્યવસાય સાથે સંકળાયેલા ભક્ત છેલ્લા 20 વર્ષથી માતાજીની આરતી માટે જાતે દિવેટ બનાવી રહ્યા છે. માતાજીની આરતીમાં જ્યોત પ્રગટે તે માટે દિવેટ બનાવવાની આ સેવા તેમના માટે માત્ર ધાર્મિક પરંપરા નહીં, પરંતુ જીવનનો નિત્યક્રમ બની ગઈ છે.
આશરે 450 વર્ષ જૂના મંદિર સાથે જોડાયેલી તેમની આ નિસ્વાર્થ સેવા ભક્તિનું એવું સ્વરૂપ છે, પ્રથમ વખત દિવેટ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારથી શરૂ થયેલી આ સેવા આજે બે દાયકા પછી પણ એટલી જ શ્રદ્ધાથી આગળ વધી રહી છે. નવરાત્રીના નવ દિવસમાં જ નહીં, વર્ષભર માતાજીની આરતી માટે દિવેટ બનાવતા ભક્ત પોતાની આગવી રીતે મા અંબાની આરાધના કરી રહ્યા છે. સુરતના કોટ વિસ્તારમાં આવેલા આશરે 450 વર્ષ જૂના અંબાજી મંદિરમાં છેલ્લા 20 વર્ષથી માતાજીની સવાર-સાંજની આરતી માટે જાતે દિવેટ બનાવીને મુકેશ ઠક્કર અનોખી ભક્તિ કરી રહ્યા છે. હાલ ચાલી રહેલી નવરાત્રીમાં માતાજીની આરાધનાના અનેક સ્વરૂપો જોવા મળી રહ્યાં છે, ત્યારે મીઠાઈના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈની આ નિસ્વાર્થ સેવા વિશેષ ધ્યાન ખેંચે છે. કોઈ માતાજીને સાડી અર્પણ કરીને, કોઈ પ્રસાદ ધરાવીને તો કોઈ શણગારની વસ્તુઓ ચઢાવીને શ્રદ્ધા વ્યક્ત કરે છે, જ્યારે મુકેશભાઈએ માતાજીની આરતી માટે દિવેટ બનાવવાને જ પોતાની ભક્તિનું માધ્યમ બનાવ્યું છે. નવરાત્રીના નવ દિવસ પૂરતી નહીં, પરંતુ વર્ષોથી સવાર-સાંજની આરતી માટે દિવેટ તૈયાર કરવાનો તેમનો નિત્યક્રમ બની ગયો છે.
મુકેશભાઈના જણાવ્યા મુજબ, આશરે બે દાયકા પહેલાં તેઓ અંબાજી મંદિરનાં દર્શને જતા હતા ત્યારે આરતી માટે દિવેટ બનાવતા અરવિંદભાઈને જોયા હતા. તેમની પાસેથી પ્રેરણા મળતાં પોતે પણ માતાજીની આરતી માટે દિવેટ બનાવવાની ઇચ્છા પૂજારી કિરણ મહારાજ સમક્ષ વ્યક્ત કરી હતી. પૂજારીએ તેમને પ્રયાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ થોડો સમય અરવિંદભાઈ સાથે રહીને દિવેટ બનાવવાની રીત સમજ્યા અને પોતે પણ દિવેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં જ સફળતા મળતાં તેમણે તેને માતાજીની કૃપા માની હતી. ત્યારથી શરૂ થયેલી આ સેવા આજે 20 વર્ષ પછી પણ અવિરત ચાલુ છે.
મુકેશભાઈ કહે છે કે દિવેટ બનાવવાનું કામ હવે તેમના જીવનનો નિત્યક્રમ બની ગયું છે અને માતાજીની આરતી માટે દિવેટ બનાવવામાં તેમને ક્યારેય કંટાળો આવ્યો નથી. માતાજીની આરતી માટેની દિવેટ બનાવવી સામાન્ય દિવેટ તૈયાર કરવા કરતાં અલગ કળા છે. આરતી લાંબો સમય ચાલતી હોવાથી દિવેટ એવી રીતે બનાવવી પડે છે કે જ્યોત યોગ્ય રીતે પ્રગટે અને આરતી કરનારને કોઈ ઇજા ન થાય. આ માટે સૌપ્રથમ રૂને પાણીમાં પલાળવામાં આવે છે અને ત્યારબાદ તેને સૂકવીને આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. તૈયાર થયેલી દિવેટને બે દિવસ સુધી ઘીમાં પલાળી રાખવામાં આવે છે. અંદાજે ત્રણ ઇંચ લાંબી દિવેટના નીચેના ભાગે ખાસ જાળી જેવી રચના તૈયાર કરવામાં આવે છે, જ્યારે ઉપરનો ભાગ પણ યોગ્ય રીતે પ્રગટે તે રીતે બનાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અનુભવ, ચોકસાઈ અને કાળજી જરૂરી હોવાથી વર્ષોના અભ્યાસથી જ તેમાં કુશળતા મેળવી શકાય છે. મુકેશભાઈ છેલ્લા 20 વર્ષથી આ પ્રક્રિયા જાતે કરીને માતાજીની આરતી માટે દિવેટ તૈયાર કરી રહ્યા છે.નવરાત્રિ દરમિયાન ભક્તો વિવિધ રીતે માતાજીની આરાધના કરતા હોય છે, ત્યારે મુકેશ ઠક્કરની આ સેવા ભક્તિનું અનોખું સ્વરૂપ રજૂ કરે છે. તેમના માટે દિવેટ બનાવવી માત્ર એક કામ નથી, પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાનો માર્ગ છે. કોઈ અપેક્ષા વિના અને કોઈ દેખાડા વગર વર્ષોથી નિભાવાતી આ સેવા તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. માતાજીની આરતીમાં જ્યોત પ્રગટાવવા માટે દિવેટ તૈયાર કરતા મુકેશભાઈ પોતાની આગવી રીતે મા અંબાની આરાધના કરી રહ્યા છે.
ભારે વરસાદ હોય કે કોરોના, માતાજીની આરતી માટે દિવેટ બનાવવાનું ક્યારેય ચૂક્યા નથી
સુરતમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાય કે કોરોના કાળમાં મંદિરો ભક્તો માટે બંધ હોય, પરંતુ કોટ વિસ્તારના અંબાજી મંદિરની આરતી માટે દિવેટ બનાવવાની મુકેશ ઠક્કરની સેવા ક્યારેય અટકી નથી. છેલ્લા 20 વર્ષથી માતાજીની સવાર-સાંજની આરતી માટે દિવેટ બનાવતા મુકેશભાઈ કહે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માતાજીની આરતી તો થતી જ હતી, તેથી દિવેટ બનાવવાની જવાબદારી પણ તેમણે નિભાવી હતી. કોરોના કાળમાં મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ હતાં, છતાં સવાર-સાંજની આરતી ચાલુ રહેતી હોવાથી તેઓ નિયમિત રીતે દિવેટ બનાવી આપતા હતા. તેમના માટે આ કામગીરી ક્યારેય બોજ બની નથી કે કંટાળાનું કારણ પણ બની નથી. ક્યારેક કોઈ કામસર બહારગામ જવાનું થાય તો પણ અગાઉથી દિવેટ બનાવીને આપી દે છે, જેથી માતાજીની આરતીમાં કોઈ વિક્ષેપ ન પડે. બે દાયકાથી નિરંતર ચાલતી આ સેવા મુકેશભાઈ માટે માત્ર ધાર્મિક પરંપરા નહીં, પરંતુ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બની ગઈ છે.




