અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવેની ગુણવત્તા સવાલોના ઘેરામાં, તોડીને સમારકામ કરવાનું ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Mumbai Expressway repair Ankleshwar: અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ફરી એકવાર રોડના સમારકામની કામગીરી શરૂ થતાં વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વારંવાર થતા સમારકામને કારણે એક્સપ્રેસ-વેની બાંધકામ ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
પી.ક્યુ.સી. બ્લોક પેનલ જર્જરિત થતાં બે લેનમાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો
ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ રોડ પરની પી.ક્યુ.સી. (PQC) બ્લોક પેનલ જર્જરિત થઈ ગઈ હતી, જેને કારણે ક્ષતિગ્રસ્ત ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમારકામના પગલે ભરૂચથી સુરત તરફનો વાહનવ્યવહાર હાલ માત્ર બે જ લેનમાં ચલાવવામાં આવી રહ્યો છે, જેના લીધે એક્સપ્રેસ-વે પર વાહનચાલકોને અસુવિધા થઈ રહી છે.
અગાઉ પણ સામે આવી ચૂકી છે ગંભીર ખામીઓ
આ પહેલીવાર નથી કે આ સેક્શનમાં રોડના સમારકામની જરૂરિયાત ઊભી થઈ હોય:
- માર્ચ મહિનો: આ વર્ષે માર્ચમાં કિમ અને ભરૂચ વચ્ચેના સિમેન્ટ-કોંક્રિટ રોડ પર અનેક સ્થળોએ તિરાડો અને ગેપ જોવા મળ્યા હતા, ત્યારબાદ NHAI (એનએચએઆઈ) દ્વારા ક્ષતિગ્રસ્ત પેનલ કાપીને નવી પેનલ મૂકવાની કામગીરી કરવામાં આવી હતી.
- જુલાઈ મહિનો: તે પછી જુલાઈમાં અંકલેશ્વર નજીક અડોલ અને પિલુદ્રા ગામ વચ્ચે એક બ્રિજના કોંક્રિટ ભાગને મોટું નુકસાન થયું હતું. રોડ પર આશરે 7થી 8 ફૂટનો મોટો ગેપ સર્જાયો હતો અને સ્ટીલના સળિયા બહાર આવી ગયા હતા. આ ખાડા સાથે અથડાતા એક ટેમ્પો પણ પલટી મારી ગયો હતો. જો કે, સદ્ભાગ્યે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પ્રકારની સતત બનતી ઘટનાઓને કારણે એક્સપ્રેસ-વેની બાંધકામ ગુણવત્તા સામે મોટા સવાલો ઉઠ્યા છે અને ટૂંકા ગાળામાં વારંવાર થઈ રહેલા આ સમારકામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ પણ જોર પકડી રહી છે.




