Surat

50 લાખના વીમા માટે 6 લોકોને નહેરમાં ફેંકી દેવાયાની આશંકા! બારડોલી કેસમાં વધુ એક મૃતદેહ મળ્યો

By GS Team
27 Nov 20263 mins read
TukuTouch Logo
સુરતના બારડોલી નજીક નહેરમાંથી 2 વર્ષીય બાળક પ્રથમેશનો મૃતદેહ મળતા 6 સભ્યોના અપહૃત પરિવારમાંથી કુલ 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં મૃતક દંપતી પોતે જ રૂ. 50 લાખના બોગસ વીમા કૌભાંડમાં આરોપી હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર ઘટના પાછળ વીમા કૌભાંડ જવાબદાર હોવાની પ્રબળ આશંકા છે. હાલ ફરાર મુખ્ય આરોપી પ્રદીપ ઉર્ફે આંબ્યાને ઝડપી પાડવા માટે પોલીસની 6 અલગ-અલગ ટીમો શોધખોળ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

50 લાખના વીમા માટે 6 લોકોને નહેરમાં ફેંકી દેવાયાની આશંકા! બારડોલી કેસમાં વધુ એક મૃતદેહ મળ્યો
FROM CHATGPT

Bardoli Canal Insurance Scam: સુરત જિલ્લાના બારડોલીના સેજવાડ ગામની સીમમાં નેશનલ હાઈવે 53 પરથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેરના પાણીમાં મહારાષ્ટ્રના જળગાંવના અપહૃત પરિવારના 6 સભ્યોને ધકેલી દેવાની ઘટનામાં બે વર્ષીય બાળક પ્રથમેશનો મૃતદેહ મળ્યો છે. અગાઉ દંપતી સહિત 3ના મૃતદેહ મળ્યા હતા, જ્યારે હજુ 16 વર્ષીય કિશોરની શોધખોળ જારી છે. પોલીસની તપાસમાં મૃતક દંપતી પોતે જ રૂ. 50 લાખના બોગસ વીમા કૌભાંડમાં આરોપી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ ઘટના પાછળ શું દંપતીનો હાથ કે વીમા કંપની?

આ ઘટના પાછળ મૃતક દંપતીનું વીમા કૌભાંડ જવાબદાર હોવાની શંકા છે, કારણ કે કવિતાબાઈએ અગાઉના મૃતક પતિના વીમાના રૂ. 10 લાખ મેળવી લીધા હતા. આજે સરભોણ ગામના ચાંદદેવી ફળિયા નજીકથી પસાર થતી નાની નહેરમાં કચરા અને વનસ્પતિ વચ્ચે ફસાયેલી હાલતમાં એક બાળકનો મૃતદેહ મળતા તે મહારાષ્ટ્રના પરિવારના બે વર્ષીય પુત્ર પ્રથમેશનો હોવાની પુષ્ટિ થઈ હતી. અગાઉ કવિતાબાઈ, પતિ નીતિન ઉર્ફે ભૂરિયો અને નવ વર્ષીય પુત્રી સ્વીટીનો મૃતદેહ મળ્યો હતો. 13 વર્ષનો પુત્ર કરેલ નહેરના પાણીમાં તરીને બહાર નીકળી જતાં આ સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો. હજુ 16 વર્ષના તરુણ હરીશની શોધખોળ જારી છે.

19 નવેમ્બરે દંપતી અને તેના બીજા પતિ વિરુદ્ધ 5 ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે દંપતી કવિતાબાઈ સંજય પાટીલ અને તેનો બીજો પતિ નીતિશ (નીતિન ઉર્ફે ભૂરિયો) પાટીલ પણ બોગસ વીમા કૌભાંડમાં આરોપી હોવાનું જાણવા મળ્યું છે. ગત તા. 19-11-2026ના રોજ મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના મેહુણબારે પોલીસ સ્ટેશનમાં વીમા કંપની દ્વારા કવિતાબાઈ અને તેના બીજા પતિ નિતેશ પાટીલ ઉપરાંત આકાશ પાટીલ, પ્રેમચંદ પાટીલ અને એક તપાસ અધિકારી સહિત કુલ 5 જણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બોગસ વીમા કૌભાંડની ફરિયાદના બે દિવસમાં જ પરિવારનો અંત!

મરનાર કવિતાબાઈના અગાઉના પતિ સંજય કાશીનાથ પાટીલના નિધન બાદ કવિતાબાઈએ કાર દ્વારા બનાવટી અકસ્માત દર્શાવી પૂણે કોર્ટમાં રૂ. 50 લાખના વળતરનો દાવો કર્યો હતો. જેમાં વીમા કંપનીની તપાસમાં અકસ્માત બોગસ જણાતા કવિતાબાઈએ તા. 18-06-2026ના રોજ કોર્ટમાંથી આ દાવો પરત ખેંચી લીધો હતો. જોકે, તે અગાઉ તા. 24-09-2025ના રોજ કવિતાબાઈએ અગાઉના પતિ સંજય પાટીલના ડેબિટ કાર્ડ પરની વીમા પોલિસી હેઠળ પોતાના બેંક ખાતામાં રૂ. 10 લાખ જમા કરાવી લીધા હતા. જળગાંવમાં તા. 19-11-2026ના રોજ બોગસ વીમા કૌભાંડની ફરિયાદ નોંધાયાના માત્ર બે જ દિવસ બાદ તા. 21-11-2026ના રોજ આ દંપતી સહિતના પરિવારને બારડોલીની નહેરમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ સમયગાળાને લઈને એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કૌભાંડના અન્ય સૂત્રધારોએ કડીઓ ભૂંસવા માટે આ કાવતરું રચ્યું હોઈ શકે છે. પોલીસ હાલ આ ઘટના અને બોગસ વીમા કૌભાંડ વચ્ચેની કડી મેળવવા તપાસ કરી રહી છે. ઉપરાંત, જળગાંવ પોલીસ પણ તપાસ માટે આજે બારડોલી રૂરલ પોલીસ મથકમાં આવીને પકડાયેલા દયાનંદ ઉર્ફે ખાંડિયા તેમજ ઇકો ચાલક નરેન્દ્ર પાટીલ અને સગા-સંબંધીઓની પૂછપરછ કરી નિવેદન નોંધી બોગસ વીમા કૌભાંડની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.