Vijay Hazare Trophy: ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને બુધવારે વિજય હજારે ટ્રોફીમાં ધમાકેદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. કિશને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્ણાટક સામે માત્ર 33 બોલમાં ધમાકેદાર સદી ફટકારી છે. આમ ઈશાન કિશનની સ્ટોરી માત્ર કમબેક નથી રહી, તે એક ઘોષણા બની ગઈ છે, જે સ્કોરબોર્ડ પર નહીં પરંતુ રેકોર્ડ બુકમાં નોંધાઈ છે. વિજય હજારે ટ્રોફીમાં ઉતરતા જ ઈશાન કિશને ધમાકો કર્યો છે.
ઝારખંડની ઈનિંગ 50 ઓવરમાં 412 રન સુધી કેવી રીતે પહોંચી તેનો જવાબ માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ ઈશાન કિશનની 39 બોલમાં 125 રનની ધમાકેદાર ઈનિંગ્સમાં છુપાયેલો છે. કેપ્ટન અને વિકેટકીપર તરીકે છઠ્ઠા નંબર પર ઉતરીને ઈશાને જે કર્યું, તેણે લિસ્ટ-A ક્રિકેટની વ્યાખ્યા જ બદલી નાખી. માત્ર 33 બોલમાં સદી, જેમાં 7 ચોગ્ગા, 14 છગ્ગા અને 320થી વધુનો સ્ટ્રાઇક રેટ. આ ભારતની બીજી સૌથી ઝડપી લિસ્ટ-A સદી છે.
કિશન વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બિહારના સાકિબુલ ગનીના નામે છે, જેણે બુધવારે જ અરુણાચલ પ્રદેશ સામે માત્ર 32 બોલમાં સદી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડ્યો
જોકે, ઈશાન કિશને બિહારના ઓપનર વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે અરુણાચલ પ્રદેશ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. જેને કિશને પાછળ છોડી દીધો છે.
ઈશાન કિશનની આ ઈનિંગની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ પ્રશંસા તેના રેકોર્ડ માટે નહીં, પરંતુ મિડલ ઓર્ડરમાં સદી ફટકારવા માટે થઈ રહી છે. કિશન ઝારખંડ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યો અને તેણે જબરદસ્ત ફોર્મ દેખાડ્યું.
ગુસ્સો અને ભૂખ, પ્રદર્શનથી આપ્યો જવાબ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈશાન કિશને સ્પષ્ટતા આપવાના બદલે સ્કોરબોર્ડને બોલવા દીધું. 197.32નો સ્ટ્રાઇક રેટ, ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન, સૌથી વધુ છગ્ગા અને ઝારખંડને પ્રથમ ટાઈટલ. આ માત્ર ફોર્મ નહોતું, તે અંદર ઉભરી રહેલા ગુસ્સા અને હતાશાનો જવાબ હતો. એક કેપ્ટન તરીકે તેના નિર્ણયો એટલા જ આક્રમક હતા, જેટલી તેની બેટિંગ.
વિજય હજારે ટ્રોફીમાં વિસ્ફોટ- કિશન ઈફેક્ટ
હવે વિજય હજારે ટ્રોફી અને પહેલી જ મેચમાં ઈશાન કિશને સાબિત કરી દીધું કે, T20 વર્લ્ડ કપ ટીમમાં તેનો સમાવેશ કોઈ ઉપકાર નથી, પરંતુ એક જરૂરિયાત છે. છઠ્ઠા ક્રમે આવીને 39 બોલમાં 125 રન ફટકારવા, તે દર્શાવે છે કે આ બેટ્સમેન માત્ર ઓપનર જ નથી, પણ મેચ ફિનિશર અને ગેમ ચેન્જર પણ છે. ઝારખંડનો 412-9 સ્કોર કોઈ સંયોગ નથી, તે કિશન ઈફેક્ટ છે. આ રોમાંચક ઈનિંગ દરમિયાન કિશને 50 રન 20 બોલમાં પૂરા કરી લીધા હતા.
આ પણ વાંચો: 12 છગ્ગા, 32 બોલમાં સદી, સકીબુલ ગનીએ ફટકારી ભારતની લિસ્ટ A ક્રિકેટની સૌથી ઝડપી સદી
વર્લ્ડ કપ માટે સ્પષ્ટ મેસેજ
શનિવારે પસંદ કરાયેલી 15 સભ્યોની T20 વર્લ્ડ કપ ટીમમાં ઈશાન કિશનનો સમાવેશ હવે માત્ર પસંદગી નથી, પરંતુ ન્યાય લાગે છે. આ સ્ટોરી શીખવે છે કે ક્રિકેટમાં રસ્તા ભલે બદલાઈ, પરંતુ ક્લાસ, ભૂખ અને આત્મવિશ્વાસ પાછા ફરવાનું જાણે છે.


