Get The App

12 છગ્ગા, 32 બોલમાં સદી... સાકિબુલે ફટકારી ભારતની લિસ્ટ A ક્રિકેટની સૌથી ઝડપી સદી

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
12 છગ્ગા, 32 બોલમાં સદી... સાકિબુલે ફટકારી ભારતની લિસ્ટ A ક્રિકેટની સૌથી ઝડપી સદી 1 - image


Vijay Hazare Trophy Sakibul Gani Record : બુધવારે વિજય હઝારે ટ્રોફીમાં બિહારના કેપ્ટન સાકિબુલ ગનીએ પોતાના બેટથી એવો તરખાટ મચાવ્યો કે ક્રિકેટ જગતમાં તેનું નામ ગુંજી ઉઠ્યું. તેણે અરુણાચલ પ્રદેશ સામે માત્ર 32 બોલમાં સદી ફટકારીને લિસ્ટ A ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ચાલો જાણીએ કોણ છે આ ધાકડ ખેલાડી.

વિજય હઝારે ટ્રોફીમાં રચ્યો ઇતિહાસ

સાકિબુલ ગનીએ અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં તોફાની બેટિંગ કરતા માત્ર 40 બોલમાં 128 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 12 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. 320ના અવિશ્વસનીય સ્ટ્રાઇક રેટથી રન બનાવીને તેણે લિસ્ટ A ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન તરીકે સૌથી ઝડપી સદીનો નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.

બિહારના મોતિહારીનો યુવા સિતારો

સાકિબુલ ગનીનો જન્મ 2 સપ્ટેમ્બર, 1999ના રોજ બિહારના મોતિહારીમાં થયો હતો. 26 વર્ષીય સાકિબુલ છેલ્લા ત્રણ-ચાર સિઝનથી સતત બિહાર ક્રિકેટ ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે તાજેતરમાં તેમને બિહારની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટીમનો વાઇસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. તેણે 7 ઓક્ટોબર, 2019ના રોજ બિહાર માટે લિસ્ટ A ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

કેવી રહી છે સાકિબુલ ગનીની ક્રિકેટ સફર?

સાકિબુલની ક્રિકેટ સફર સ્થાનિક એકેડમીથી શરૂ થઈ, જ્યાં તેણે પોતાની ટેકનિકને નિખારી. અંડર-19 ટુર્નામેન્ટમાં તેમના શાનદાર પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું અને તેની રાજ્યની ટીમમાં પસંદગી થઈ. તે જમણેરી બેટ્સમેન હોવા ઉપરાંત જમણેરી મધ્યમ-ઝડપી બોલર પણ છે. તેણે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી હતી.

રણજી ડેબ્યૂમાં જ ફટકારી હતી ત્રેવડી સદી!

સાકિબુલ ગની ત્યારે સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે પોતાની ડેબ્યૂ રણજી ટ્રોફી મેચમાં જ ત્રેવડી સદી ફટકારી હતી. મિઝોરમ સામેની તે ઐતિહાસિક મેચમાં તેમણે 341 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 56 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. ડેબ્યૂ મેચમાં આવું પરાક્રમ કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. 

સાકિબુલ ગનીનું ક્રિકેટ કરિયર

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ: 28 મેચમાં 2035 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 8 અડધી સદી સામેલ છે.

લિસ્ટ A ક્રિકેટ: 33 મેચમાં 867 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 2 અડધી સદી સામેલ છે.

Tags :